કન્નુર: જેમિની સર્કસના સ્થાપક અને ભારતીય સર્કસના પ્રણેતા જેમિની શંકરનનું અવસાન થયું છે, એમ પરિવારના સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. તેઓ 99 વર્ષના હતા. શંકરનને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અહીં નજીકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રવિવારે રાત્રે તેમનું નિધન થયું હતું.
નિધન પર શોક વ્યક્ત કરતાં કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને ભારતીય સર્કસને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ શંકરનને બિરદાવ્યા હતા. વિજયને જણાવ્યું હતું કે, ”તેમણે ભારતીય સર્કસના આધુનિકીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને વિદેશી કલાકારો અને તેમની યુક્તિઓનો સમાવેશ કર્યો હતો.” મુખ્ય મંત્રીએ કહ્યું કે તેઓ શંકરન સાથે ગાઢ સંબંધો ધરાવે છે જેઓ પ્રગતિશીલ દૃષ્ટિકોણ ધરાવતા હતા.શંકરનને વિવિધ વડા પ્રધાનો, રાષ્ટ્રપતિઓ અને અન્ય અગ્રણી વ્યક્તિઓ સાથે ગાઢ સંબંધો હતા.
વિજયને કહ્યું કે, તેમના નિધનથી દેશમાં સર્કસની કળાને મોટી ખોટ પડી છે.
શંકરનનો જન્મ 1924માં થયો હતો, તેણે ત્રણ વર્ષ સુધી જાણીતા સર્કસ કલાકાર કીલેરી કુન્હીકન્નન હેઠળ તાલીમ લીધી હતી અને બાદમાં લશ્કરમાં જોડાયા અને બીજા વિશ્વ યુદ્ધ પછી નિવૃત્ત થયા હતા. સમગ્ર દેશમાં વિવિધ સર્કસ જૂથો સાથે કામ કર્યા પછી, તેમણે 1951માં વિજયા સર્કસ કંપની ખરીદી અને તેનું નામ બદલીને જેમિની સર્કસ રાખ્યું. બાદમાં તેણે પોતાની બીજી કંપની જમ્બો સર્કસ શરૂ કરી હતી.
દેશમાં સર્કસમાં તેમના એકંદર યોગદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શંકરનના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમના પાર્થિવ દેહને લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે અને મંગળવારે પયમ્બલમ બીચ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.