surat : કોરોનાની ( corona) બીજી લહેર ( second wave) પછી વિશ્વના પ્રગતિશીલ દેશોમાં સ્થિતિ સામાન્ય થતાં સવા વર્ષ પછી જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આજે એપ્રિલ અને મે માસ દરમિયાન ભારતમાં જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટના ( export) આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે પ્રમાણે એપ્રિલ-મે-2019ની તુલનાએ એપ્રિલ-મે-2021ના સમયગાળામાં કોરોનાનું સંક્રમણ હોવા છતાં એક્સપોર્ટમાં 9 ટકાનો વધારો નોંધાયો છે અને કુલ એક્સપોર્ટ 46414.38 કરોડ નોંધાયો છે.
સ્પેશિયલ ઇકોનોમીક ઝોનના એક્સપર્ટમાં પણ 15 ટકાનો ગ્રોથ નોંધાયો છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનો કુલ એક્સપોર્ટ એપ્રિલ-મે-2019 દરમિયાન 24514 કરોડ હતો. જે 2021 દરમિયાન આ 2 મહિનામાં વધીને 31229 કરોડ નોંધાયો છે. 2019માં સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીનો એક્સપોર્ટ આ 2 મહિનામાં 1108 કરોડ હતો તે વધીને 2021માં 3985 કરોડ થયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન, હોંગકોંગ, તુર્કી, સઉદીઅરબ, યુએઇ, અમેરિકા, બેલ્જિયમ ઉપરાંત યુરોપના દેશોમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડથી લઇ જ્વેલરી સુધીની ડિમાન્ડ નીકળી છે. ખાસ કરીને સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં 41 ટકા કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં 21 ટકા વધારો નોંધાયો છે. જ્યારે પ્લેન ગોલ્ડ જ્વેલરીમાં 71 ટકાનો ઘટાડો નોંધાયો છે. જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટો ખુલતા જેમ એન્ડ જ્વેલરીની સ્ટ્રોંગ ડિમાન્ડ જોવા મળી છે. ખાસ કરીને રફ જેમ એન્ડ જ્વેલરી, ગોલ્ડ બાર, સિલ્વર બાર, પેલેડિયમ સહિતની પ્રોડક્ટ પરથી ઇમ્પોર્ટ ડયૂટી ઘટતા વેપાર પોઝિટિવ વેમાં જઇ રહ્યો છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની મુદ્દતમાં વધારો થવા ઉપરાંત IES સ્કીમમાં ક્રેડિટનો સમયગાળો 3 મહિનાનો કરવામાં આવ્યો છે તેને લઇને પણ સુધારો જોવા મળી રહ્યો છે. કાઉન્સિલ દ્વારા દુબઇમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શોનું આયોજન ઓગસ્ટમાં કરવામાં આવ્યું છે