Comments

ગૌતમ સિંઘાનિયા નિષ્ફળ પુત્ર ઉપરાંત નિષ્ફળ પતિ પણ સાબિત થયા છે

ભારતીય ઉદ્યોગપતિ અને રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા થઈ રહ્યા છે. આ દરમિયાન કેસમાં નવો વળાંક આવ્યો છે અને નવાઝે તેના પતિ ગૌતમ પર મારપીટના ગંભીર આરોપો લગાવ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે નવાઝે છૂટાછેડાના બદલામાં ગૌતમની કુલ સંપત્તિમાં પોતાની અને તેની બે પુત્રીઓ માટે ૭૫ ટકા હિસ્સો માંગ્યો છે. ગૌતમ સિંઘાનિયા પાસે આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી વચ્ચે છૂટાછેડાનો વિવાદ ચાલુ છે તેની અસર રેમન્ડ કંપની પર પણ વધી રહી છે.

૧૩ નવેમ્બરથી કંપનીના શેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે ગૌતમ સિંઘાનિયાને આ મામલે બેવડો ફટકો તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલા હુમલાના આરોપો વચ્ચે પડ્યો છે. એક પ્રોક્સી એડવાઈઝર ફર્મે રેમન્ડના ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સને જરૂર પડ્યે સિંઘાનિયા વિરુદ્ધ તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા જણાવ્યું છે. એડવાઈઝરી ફર્મે ડિરેક્ટરોને પૂછ્યું છે કે બોર્ડના એક સભ્ય દ્વારા બીજા પર આટલા ગંભીર અને ઘૃણાસ્પદ આક્ષેપો કરવા છતાં તમે શા માટે ચૂપ રહ્યા છો?

રેમન્ડના રોકાણકારો આ બાબતને કારણે ચિંતિત છે, જે છેલ્લા કેટલાક દિવસોમાં શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે. એડવાઇઝરી ફર્મે ગૌતમ સિંઘાનિયા સામે નવાઝ મોદીના રેમન્ડ કંપનીના ભંડોળનો અંગત લાભ માટે ઉપયોગ કરવાના આરોપોની તપાસનું પણ સૂચન કર્યું છે. ગૌતમ સિંઘાનિયા તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મોંઘી કારોના કલેક્શન માટે પણ જાણીતા છે. તેમની પાસે ઘણી મોંઘી સુપર કાર છે, જેમાં લેમ્બોર્ગિની ગેલાર્ડો એલપી ૫૭૦ સુપરલેગેરા, લોટસ એલિસ કન્વર્ટિબલ, નિસાન સ્કાયલાઇન જીટીઆર, ફેરારી ૪૫૮ ઇટાલિયા અને ઓડી ક્યૂ૭ જેવી કારોનો પણ સમાવેશ થાય છે. કારના સંગ્રહ ઉપરાંત તેમની પાસે એક સ્પીડ બોટ, બિઝનેસ જેટ અને ૩ હેલિકોપ્ટરો પણ છે.

ગૌતમ સિંઘાનિયાનો પિતા વિજયપત સિંઘાનિયા સાથે મિલકતની વહેંચણીને લઈને પણ ઘણો મોટો ઝઘડો ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં મિલકતનું વિભાજન કર્યા બાદ તેના પિતાએ બોમ્બે હાઈ કોર્ટમાં જે.કે. હાઉસ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. જે.કે. હાઉસ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલી ૩૬ માળની ઇમારત છે, જેમાં સ્વિમિંગ પુલ, હેલિપેડ, સ્પા અને જિમ જેવી તમામ સુવિધાઓ છે. તેની કિંમત ૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ માનવામાં આવે છે.

૫૮ વર્ષીય ગૌતમ સિંઘાનિયાએ આઠ વર્ષના સંબંધ બાદ ૧૯૯૯માં સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા. ગૌતમ સિંઘાનિયાએ આ મહિનાની શરૂઆતમાં નવાઝથી અલગ થવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે બંનેએ અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. ગૌતમ સિંઘાનિયાએ તેમની બે પુત્રીઓ માટે તેમના પરિવારની ગરિમા જાળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને વધુ ટિપ્પણી કરવાનું ટાળતાં વિનંતી કરી હતી કે તેમની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. જો કે નવાઝ મોદી જાહેરમાં પતિ ઉપર જાતજાતના આક્ષેપો કરી રહી છે.

નવાઝ મોદી દ્વારા ગૌતમ સિંઘાનિયા પર જે મારપીટના આક્ષેપો કરવામાં આવ્યા છે તે ગંભીર કક્ષાના છે, કારણ કે પત્નીની આ રીતની મારપીટ તો હલકાં વર્ણોનાઁ લોકોમાં પણ જોવા મળતી નથી. મારપીટની વિગતો આપતાં નવાઝે કહ્યું હતું કે ‘‘“હું મારા બાથરૂમનો ઉપયોગ કરતી હતી જ્યારે ગૌતમ તેનો ઉપયોગ કરવા માંગતો હતો. અમારા ૩૯ માળના ઘરના આ ફ્લોર પર ઘણા બાથરૂમ હતા, પરંતુ તેણે મારા બાથરૂમમાં જવાની જીદ કરી હતી. તે મને હેરાન કરવા માંગતો હતો.

ગૌતમ બિઝનેસમેન અતુલ્ય મફતલાલને પોતાનો આદર્શ માનતો હતો. અતુલ્યએ પણ તેની પત્ની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. મને ખ્યાલ નહોતો કે ગૌતમ પણ આવું કંઈક કરશે. હુમલાની ઘટના ૧૦ સપ્ટેમ્બરની સવારે બની હતી. ગૌતમે મને અને અમારી સગીર દીકરી નિહારિકાને લાત મારી અને મુક્કો માર્યો અને તે ૧૫ મિનિટ સુધી અમને નિર્દયતાથી મારતો રહ્યો હતો. ગૌતમે તેના જન્મદિવસની પાર્ટી પછી સવારે હુમલો કર્યો હતો.

હુમલો કર્યા પછી તે અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. હું માત્ર કલ્પના કરી શકી હતી કે તે તેની બંદૂક અથવા કોઈ અન્ય હથિયાર લેવા ગયો હતો. મેં મારી દીકરીને બીજા રૂમમાં ખેંચી લીધી હતી. તે મારી પીઠને ટેકો આપવા માટે ટુવાલ લેવા ગઈ. મારી બે સર્જરી થઈ છે, જેના વિશે ગૌતમ જાણતો હતો. તેણે ઘણી વખત રૂમની આસપાસ મારો પીછો કર્યો હતો. હુમલા બાદ મારી પુત્રીએ પોલીસને અને તેની મિત્ર અનન્યા ગોએન્કાને ફોન કર્યો હતો. મને ડર હતો કે પોલીસ ઘરે નહીં આવે કારણ કે ગૌતમે ત્યાર સુધીમાં મામલો સંભાળી લીધો હશે.

મેં વિચાર્યું તેમ ગૌતમે પોલીસને આવવાથી રોકી, પરંતુ અનન્યા અને અન્ય સાથીઓની મદદથી મારપીટનો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મારી ઇજાઓ એટલી ગંભીર હતી કે હું જે હોસ્પિટલમાં ગઈ હતી ત્યાં ડોક્ટરે મને કહ્યું કે મગજ અથવા હૃદયમાં આંતરિક રક્તસ્રાવ અને લોહીના ગંઠાવાનું હોઈ શકે છે. આનાથી મને હાર્ટ એટેક પણ આવી શકે છે. ડૉક્ટરે મને કહ્યું હતું કે હાલત ગંભીર છે અને મને આઈસીયુમાં રાખવાની જરૂર છે, કારણ કે મારા જીવને ખતરો છે.’’ નવાઝ મોદીએ કહ્યું હતું કે ગૌતમ સિંઘાનિયાને ભગવાન તિરુપતિમાં ખૂબ શ્રદ્ધા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે દેવતા તેમના ભક્તોને સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ગૌતમ સિંઘાનિયા તિરુપતિ મંદિરમાં ગયા હતા અને તેમણે ભગવાનને વચન આપ્યું હતું કે જો નવાઝે તેની સાથે લગ્ન કર્યા તો તે તેની સાથે આંધ્ર પ્રદેશના તિરુમાલાના પહાડી નગરમાં આવેલા તિરુપતિ મંદિરમાં જશે. નવાઝને ખબર ન હતી કે પહાડ ઉપર કેટલી સીડીઓ છે, પરંતુ ગૌતમ સિંઘાનિયા બીપી અને સુગરની ગંભીર સમસ્યા વચ્ચે પણ તેને ચાલવા માટે દબાણ કરતો હતો. નવાઝ મોદીએ કહ્યું કે ગૌતમ તેની તબિયત વિશે સંપૂર્ણ રીતે વાકેફ હતો, તેમ છતાં તેણે મને તિરુપતિ મંદિરની સીડીઓ ચઢવાનું કહ્યું હતું. આમ કરતી વખતે હું રસ્તામાં ત્રણ વખત બેહોશ પણ થઈ ગઈ હતી, પરંતુ મારા પતિને મારા સ્વાસ્થ્યની કોઈ ચિંતા નહોતી. નવાઝે આરોપ લગાવ્યો કે ગૌતમે આ જાણી જોઈને કર્યું હતું, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે મને બ્લડ પ્રેશર અને સુગરની સમસ્યા છે. નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયાને એમ કહીને ટોણો માર્યો છે કે તેઓ અન્ય ભગવાન કરતાં વેંકટેશ્વર ભગવાનના મોટા ભક્ત છે, તેની પાછળનું એક મોટું કારણ એ છે કે તેઓ સંપત્તિના ભગવાન છે.

નવાઝ મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે કાયદાકીય જગતના ગોડફાધરે કથિત રીતે તેમની અને ગૌતમ સિંઘાનિયા વચ્ચે સમાધાનની ઓફર પણ કરી હતી જેથી બાળકો અને બે પરિવારો વચ્ચે સમાધાન થાય, પણ ગૌતમ સિંઘાનિયા કોઈ પણ જાતનું સમાધાન કરવા તૈયાર નહોતા. ગૌતમ સિંઘાનિયાને જગતના લોકો ભલે સફળ ઉદ્યોગપતિ માનતા હોય, પણ તેઓ એક પુત્ર તરીકે અને પતિ તરીકે સરિયામ નિષ્ફળ પુરવાર થયા છે. જિંદગીમાં સફળ થવાનો અર્થ માત્ર બેસુમાર સંપત્તિ એકઠી કરવી તેવો નથી થતો. જે પરિવારમાં હળીમળીને રહી શકે તેને જ સફળ માનવ કહેવાય છે. આજના દોલત પાછળ દોડતા યુવાનો આ ઘટનામાંથી બોધપાઠ ગ્રહણ કરે તે અત્યંત
જરૂરી છે. આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top