Sports

ઓસ્ટ્રેલિયા ટુર પર આ ખેલાડી સાબિત થશે હુકમનો એક્કો, કોચ ગૌતમ ગંભીરે કર્યા વખાણ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરિઝ રમવાની છે. આ સિરીઝ માટે ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે 11 નવેમ્બરને સોમવારના રોજ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મુખ્ય કોચ ગંભીરે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કેએલ રાહુલ પર મોટું નિવેદન આપ્યું હતું. ગંભીરે કહ્યું, કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે. તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે. તે નંબર-6 પર પણ બેટિંગ કરી શકે છે. તે વન-ડેમાં વિકેટકીપિંગ કરે છે. આ બધું કરવા માટે તમારી પાસે ઘણી પ્રતિભાની જરૂર છે. જરા કલ્પના કરો કે કેટલા દેશોમાં કેએલ જેવા ખેલાડીઓ છે. આ સારી વાત છે. ઘણા ખેલાડીઓ આવા વિકલ્પો આપી શકતા નથી.

એટલે કે એક વાત સ્પષ્ટ છે કે મુખ્ય કોચ ગંભીર કેએલ રાહુલને ખૂબ સપોર્ટ કરી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેને ‘હુકમનો એક્કો’ માની રહ્યો છે. જો કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહે છે. તો ભારતીય ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલને પણ ઓપનિંગ કરાવી શકે છે. ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો સંકેત આપ્યો છે.

ગંભીરે કહ્યું, રોહિત શર્માના રમવા અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. આશા છે કે તે ઉપલબ્ધ થશે. સિરીઝ શરૂ થાય તે પહેલા તમને બધું જ ખબર પડી જશે. જો રોહિત શર્મા ઉપલબ્ધ ન હોય તો કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન અમારા માટે ઓપનિંગ વિકલ્પો છે. હું તમને પ્લેઈંગ 11 વિશે હાલ કશું જણાવી શકતો નથી. અમે બેસ્ટ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરીશું બુમરાહ વાઇસ કેપ્ટન છે તેથી રોહિતની ગેરહાજરીમાં ચોક્કસપણે તે કેપ્ટન રહેશે.

કેએલ રાહુલ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે
કેએલ રાહુલ અત્યાર સુધી 53 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 33.87ની એવરેજથી 2981 રન બનાવ્યા છે. રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 199 રન છે. જો કે, એક સારી વાત એ છે કે રાહુલની 8માંથી 8 સદી વિદેશી ધરતી પર આવી છે. તેથી તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

રાહુલે વિદેશી ધરતી પર ટેસ્ટમાં 1832 રન બનાવ્યા છે, જ્યારે ભારતની ધરતી પર તેણે 1149 રન બનાવ્યા છે. જોકે કેએલ રાહુલનું તાજેતરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. રાહુલ બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો અને બીજી ટેસ્ટમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી, તેને બાકીની બે મેચમાં પ્લેઇંગ-11માં જગ્યા મળી ન હતી. કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા A સામે પણ રન બનાવ્યા ન હતા, જ્યાં તે ભારત A ટીમનો ભાગ હતો. રાહુલ પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 10 રન બનાવી શક્યો હતો.

ગંભીરે આ બંને ખેલાડીઓના પણ વખાણ કર્યા
ગંભીરે યુવા ખેલાડીઓ હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીની પણ પ્રશંસા કરી હતી. ગંભીર કહે છે, હર્ષિત રાણા રણજી ટ્રોફીમાં આસામ સામે રમ્યો હતો. તેણે સારું પ્રદર્શન કર્યું. અમને લાગ્યું કે તેની પાસે બોલિંગનો પૂરતો અનુભવ છે. અમે શ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે.

હવે આપણે આગળ વધવાનું છે. જ્યારે જરૂર પડશે ત્યારે નીતિશ રેડ્ડી અમારા માટે કામ કરશે. આપણે બધા જાણીએ છીએ કે નીતીશ કેટલો પ્રતિભાશાળી છે. જો તેને તક આપવામાં આવશે તો તે ટીમ માટે સારું પ્રદર્શન કરશે. આ ખેલાડીઓનું શ્રેષ્ઠ જૂથ છે જેને અમે દેશ માટે રમવા માટે પસંદ કર્યા છે.

ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ સિરિઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.

પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર-જાન્યુઆરી 2025): 22-26 નવેમ્બર: પ્રથમ ટેસ્ટ પર્થ, 6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ એડિલેડ, 14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેન, 26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ મેલબોર્ન, 03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ સિડની.

Most Popular

To Top