તાજેતરમાં ભારતના ટોચના ડીએનએ નિષ્ણાતના બહાર આવેલ ચોંકાવનારા અહેવાલ મુજબ ગુજરાતમાં યુવાનોમાં લગ્નેતર સંબંધોનું ખૂબ ઊંચું પ્રમાણ છે. અનેક પરિવારોમાં અનૈતિક સંતાનો ઉછરી રહ્યાં છે. આમ તો ડોકટરો બાળકના જન્મ સમયે જ માતા પિતાના બ્લડ ગ્રુપ અને જન્મેલા બાળકનું બ્લડગ્રુપ તપાસે એટલે એને જાણ થઇ જાય છે કે જન્મેલ બાળકનો પિતા પ્રસુતાનો પતિ જ છે કે અન્ય કોઇ? છતાં તેઓ સમાજની ભલાઇ માટે ચૂપ રહે છે અને બીજું કે કોઇ પણ નિષ્ણાત ઉચ્ચ અદાલતના હુકમ વિના કોઇના ડીએનએની તપાસ કરી શકતા નથી!
અને કમનસીબે આજે ગુજરાત હાઇકોર્ટમાં આવતા પતિ-પત્નીના ઝઘડાના કેસોમાં જયારે કોર્ટના આદેશથી સંતાનોના ડીએનએની તપાસ થાય છે ત્યારે 100 માંથી 80 કેસોમાં ડીએનએ પિતાના ડીએનએ સાથે મળતા નથી હોતા. આ પ્રમાણ ખૂબ ઊંચું છે અને ગુજરાત હાઇકોર્ટમાં ડીએનએ જાંચ માટે દર અઠવાડિયે પાંચ કેસ આવે છે, જે પ્રમાણ પણ ચોંકાવનારું છે. વિશ્વ ડીએનએ નિષ્ણાતોના એક તાજા અહેવાલ મુજબ મોંગોલ આક્રમણકારી ચંગેઝ ખાને એશિયાના અનેક દેશો જીતેલા અને જીતેલા પ્રદેશોની એટલી બધી સ્ત્રીઓ જનાનખાનામાં રાખેલી કે આજે એશિયાને વસ્તીમાં દર 100 માંથી 20 વ્યકિત ચંગેઝખાનના સીધા વંશની છે! આ વાત વિશ્વના ટોચના ડીએનએ નિષ્ણાત જણાવે છે. કહો જોઇએ તમારો વંશ કયો?
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શહેરના ઓવરબ્રિજોનો હેલ્થ રીપોર્ટ
મોરબીમાં બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના પછી આગમચેતીનાં પગલાં ભરી મનપાએ શહેરના તમામ 117 ઓવર બ્રિજોનો હેલ્થ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે મનપા દ્વારા શહેરના જનહિતમાં લીધેલી આવકારદાયક કાર્યવાહી છે. શહેરના કુલ 117ઓવર બ્રિજ પર પ્રતિદિન હજ્જારોની સંખ્યામાં લોકોની અવરજવર થાય છે તે ધ્યાનમાં રાખી જનતાની સુરક્ષા માટે તમામ કુલ 117 ઓવર બ્રિજનો સ્ટ્રકચરલ હેલ્થ સર્વે કરાયો હતો જે જરૂરી હતું જેમાં પ્રાપ્ત થયેલા રીપોર્ટ અનુસાર 68 ઓવર બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત દર્શાવેલ છે જયારે 19 ઓવર બ્રિજને બીજી કેટેગરીમાં મૂકીને સામાન્ય મેન્ટેનન્સની જરૂરિયાતવાળા દર્શાવ્યા છે. પછી બાકી રહેલા 30 ઓવર બ્રિજોને સામાન્ય કરતાં વધુ રીપેરીંગની જરૂરિયાતવાળા ત્રીજી કેટેગરીમાં બતાવ્યા છે. મોરબીની દુર્ઘટના પછી બોધપાઠ લઇને મનપાના સત્તાધીશો જાગ્યા અને જનતા હિતને કેન્દ્રમાં રાખીને તમામ ઓવર બ્રિજોનો હેલ્થ રીપોર્ટ તૈયાર કરાવ્યો એ શહેરની જનતાની દૃષ્ટિએ પ્રશંસનીય કામગીરી મનપાએ કરી છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે