સુરત કોટ વિસ્તારમાં સગરામપુરા,બાખડ મોહલ્લામાં ૫૦૦વર્ષ જૂનું એક પૌરાણીક મંદિર આવેલું છે. જે મંદિર ‘ગરુદજી બાવા’ ના મંદિરથી ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન રામની સ્થાપિત મૂર્તિ છે સાથે ગરુદજી ની મૂર્તિ પણ છે. આ મંદિરની દંતકથા પ્રમાણે એક ગરુદજી નામના સંત એ મંદિરની સ્થાપના કરી હતી અને ભગવાન રામ અને ગરુદજી ની મૂર્તિ ની સ્થાપના કરી હતી. દિવાળી પછી કારતક સુદ દેવઉઠી એકાદશી(દેવ દિવાળી) ના દિવસે મંદિરમાં તુલસી વિવાહ યોજાય છે. સાંજે ૪ વાગે ગરુદજી ને રથમાં બિરાજમાન કરી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.
પરંપરા મુજબ એક વરસ ગરુદજીની મૂર્તિ અને એક વરસ હનુમાનજીની મૂર્તિ મુકવામાં આવે છે. શોભાયાત્રા ગરુદજી ની શોભાયાત્રા તરીકેજ ઓળખાય છે. પરંપરાગત શોભાયાત્રા બાખડ મોહલ્લામાં થી નીકળી સગરામપુરા ની તમામ શેરીઓ માંથી પસાર થાય છે. સગરામપુરાની શેરીઓ ને શણગારવા માં આવે છે. આંગણામાં રંગોળી પુરવામાં આવે છે. જ્યારે જે શેરીમાં શોભાયાત્રા આવે છે ત્યાંરે શેરીના દરેક ઘરોના લોકો ફટાકડા આતશબાજી ફોડી આનંદ ઉલ્લાસથી ઉત્સવ ઉજવણી કરે છે અને ગરુદજી મહારાજની પૂજા કરે છે.
દેવદિવાળી ના દિવસે સગરામપુરાની પરિણીત દીકરીઓ પોતાના પિયરે ઉજવણી કરવા આવે છે. શેરીની જૂની સખીઓ આ દિવસે ભેગી થઈ બાળપણના સ્મરણો યાદ કરે છે. સમગ્ર ભારતમાં દિવાળીના દિવસે સૌથી વધુ ફટાકડા ફોડવામાં આવે છે જ્યારે સગરામપુરા વિસ્તારમાં ગરુદજીની શોભાયાત્રા માં વિશેષ ફટાકડા ફોડવામાં આવે છે અને દેવદિવાળી ની ઉજવણી કરવામાં આવે છે. શોભાયાત્રા સગરામપુરાની તમામ શેરીઓ માં ભ્રમણ કરી મોડી રાત્રે નિજ મંદિરે પરત આવે છે.
સુરત – કિરીટ મેઘાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે