Surat Main

નવરાત્રીમાં મોટા આયોજનો પર પ્રતિબંધ લાદવામાં આવતા સુરતી આયોજકોમાં મતભેદ

સુરત : કોરોના(Corona)કાળમાંથી માંડ માંડ બહાર આવેલા રાજ્યના લોકોને આ વખતે નવરાત્રિ (Navaratri)માં મન ભરીને ગરબે (Garba) ઘૂમવાનો ઉત્સાહ હતો. પરંતુ હજુ પણ કોરોનાની ત્રીજી લહેર (Third wave)નું જોખમ હોવાથી સરકાર દ્વારા માત્ર શેરી-મહોલ્લાનાં આયોજનો (Sheri garba)ને જ શરતી પરવાનગી આપવામાં આવી છે. આથી ખાનગી પ્લોટ (party plot) પર થતાં પ્રોફેશનલ આયોજન થઇ શકે તેમ નથી. જેને કારણે આવાં આયોજનો સાથે સંકળાયેલા નાના-મોટા ધંધાદારીઓ બે વર્ષ બાદ તેજી આવવાની આશા સેવતા હતા તેના પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.

એક અંદાજ મુજબ સાદાઇથી નવરાત્રિ ઊજવાનાર હોવાથી નાના-મોટા ધંધાર્થીઓ મળીને લગભગ 500 કરોડનું ટ્રાન્ઝેક્શન થતું અટકશે. છેલ્લા બે વરસથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કરોનાને કારણે સરકારે નવરાત્રિના આયોજન પર બ્રેક લાગી હતી. જો કે, આ વખતે કોરાનાના કેસોમાં ઘટાડો નોંધાતાં કોરોનાની ગાઇડ લાઇન મુજબ ચારસો વ્યક્તિ શેરી ગરબા રમી શકશે. પરંતુ ખાનગી પ્લોટ પર આયોજન કરનારા આયોજકોને પરવાનગી આપવામાં આવી નથી. શહેરમાં પ્રોફેશનલ ગરબાના આયોજન નહીં થતાં નવરાત્રિની ઉજવણીમાં બજારમાં ઠલવાતા 500 કરોડ રૂપિયાનું રોટેશન અટકી જશે. જેની અસર જ્વેલરી ઉદ્યોગથી માંડીને કપડાં બજાર અને ખાણી-પીણીથી માંડીને મેકઅપ આર્ટિસ્ટ, રિક્ષાચાલકો અને ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓ સુધી થઇ રહી છે.

નવરાત્રિમાં મોટાં આયોજનો નહીં થતાં કોને કોને નુકસાન

  • જ્વેલરી શો રૂમ
  • ચણીયા-ચોળી સહિતનાં કપડાં
  • મેકઅપ આર્ટિસ્ટ
  • ખાણી-પીણીના ધંધાર્થીઓ
  • રિક્ષાચાલકો
  • ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓ
  • સાઉન્ડ સિસ્ટમ
  • મંડપ સર્વિસ એન્ડ લાઇટિંગ
  • ગાયક કલાકારો અને સાજિંદા
  • ઓરકેસ્ટ્રા-એન્કર
  • સિક્યુરિટી એજન્સી-બાઉન્સર

જો સરકારે છૂટ આપી હોત તો અમે ગાઇડલાઇનનું પાલન કરાવત : જેક પટેલ

સુરત શહેરમાં છેલ્લાં ચારેક વર્ષથી પ્રોફેશનલ ગરબાનું આયોજન કરનાર જેક પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ખેલૈયામાં ઉત્સાહ જોવા મળતો નથી. એકતરફ સરકારે શેરી મહોલ્લામાં સરકારે ચારસો વ્યક્તિને ગરબા રમવાની પરવાનગી આપી છે. ત્યારે સોસાયટીમાં સરકારની ગાઇડ લાઇનનું પાલન થશે ખરું? પ્રોફેશનલ આયોજકોને બેન્કવેટ હોલમાં ચારસો વ્યક્તિને રમવાની પરવાનગી આપવી જોઇએ. શેરી-મહોલ્લા કરતા સારી રીતે સરકારની ગાઇડ લાઇનનું પાલન અમે કરાવતે.! કારણ કે, ખાનગી ગ્રાઉન્ડ પર ક્રીમ પબ્લિક આવતું હોય છે.

ભલે નુકસાન જાય લોકોનાં આરોગ્ય સામે તે તુચ્છ છે : ડેની નિર્બાન

વધુમાં છેલ્લાં 25 વર્ષથી ખાનગી ગરબાનું આયોજન કરનાર ડેની નિર્બાને જણાવ્યું હતું કે, ખાનગી આયોજકોને નુકસાન તો થાય છે, પરંતુ પ્રજાના સ્વાસ્થ્ય સામે કોઇ જોખમ ઊભું ન થવું જોઇએ. ગરબામાં જ્યારે ખેલૈયાઓ રમતા હોય ત્યારે કોઇ પ્રોટોકોલનું પાલન કરતું નથી. જેના કારણે કોરોના વકરી શકે છે. આમ, નૈતિક રીતે ખાનગી આયોજકોએ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. નુકસાન તો થાય છે. આવતા વર્ષે કોરોનાની સ્થિતિ સારી હશે તો રૂપિયા સરભર કરી લઇશું.

નવરાત્રિમાં રોજના 2000થી માંડીને બે લાખ કમાનારાઓએ આવક ગુમાવવી પડે

કોરોનાને કારણે શહેરમાં ખાનગી આયોજકો દ્વારા ગરબાનું આયોજન ન કરાતાં આયોજકો સાથે સંકળાયેલાં નાના-મોટા સ્ટોલધારકોને રોજીરોટી નહીં મળતાં નવરાત્રિ દરમિયાન 2000થી માંડીને લાખો રૂપિયા કમાનારાઓને આવક ગુમાવવી પડે છે. શહેરમાં પાંચ-છ મોટા આયોજકો પ્રોફેશનલ ગરબાનું આયોજન કરતા હોય છે અને એક આયોજક સાથે 35થી 40 જેટલા નાના-મોટા સ્ટોલધારકો સહિતની વ્યક્તિ જોડાયેલી હોય છે. કોરોનાને કારણે તેમને રોજીરોટી મેળવવાનાં ફાંફાં પડી રહ્યા છે. આયોજકોનું કહેવું છે કે, વડાપાંઉ, પાઉંભાજી, પાણી, આઇસક્રીમ, ઠંડાં પીણાં વેચનાર સહિતના નવરાત્રિમાં રોજના બે-ત્રણ હજારથી માંડીને 10-12 હજારનો ધંધો કરતા સ્ટોલધારકો અને હજારોથી માંડીને લાખો રૂપિયા લઇ પર્ફોમન્સ આપતા કલાકારોને ફટકો પડશે.

ઉપરાંત બાઉન્સરો, સિક્યુરિટી ગાર્ડ નવરાધૂપ થઇ ગયા છે. તો છેલ્લાં થોડાં વરસોથી માતા-પિતા દ્વારા નવરાત્રિમાં સંતાનો પર નજર રાખવા રોકાતા ખાનગી ડિટેક્ટિવ એજન્ટોને પણ કામ મળશે નહીં.

Most Popular

To Top