સુરત: સુરતમાં (Surat) ગેંગરેપની (GangRape) ઘટનાએ ચકચાર મચાવી છે. સુરત-કડોદરા રોડ પર કુંભારિયા ગામ પાસે એક યુવતીને ખેતરમાં ખેંચી જઈ 5 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. નરાધમોએ યુવતીના પ્રેમીને દોરડાથી બાંધી ઢોર માર માર્યો છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.
- સુરત કડોદરા રોડ દેવધ ગામ નજીક બની ઘટના
- પ્રેમીપંખીડા બાઈક પર એકાંતમાં બેઠાં હતા ત્યારે અજાણ્યા નરાધમોએ ધમકાવ્યા
- કેળાંના ખેતરમાં લઈ જઈ પ્રેમીની નજર સામે પ્રેમીકા પર પાંચ જણાએ બળાત્કાર ગુજાર્યો
- પીડિતાએ ફરિયાદ આપતા પુણા પોલીસે તપાસ શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત કડોદરા રોડ પર કુંભારિયા ગામ પાસે એક પ્રેમી પંખીડા બાઈક પર બેઠા હતા ત્યારે 5 અજાણ્યા નરાધમો ત્યાં આવ્યા હતા અને પ્રેમી યુવકના હાથ પગ દોરડાથી બાંધી દઈ યુવતીને ખેતરમાં ખેંચી જઈ વારાફરતી ગેંગરેપ કર્યાની ઘટના બની છે. 27 વર્ષીય યુવતી ગોડદરા વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જરીના કારખાનામાં મજૂરી કામ કરતા યુવતી તેની સાથે જ કામ કરતા વરાછા માતાવાડી વિસ્તારમાં રહેતા યુવકને પ્રેમ કરતી હતી. રવિવારે સાંજે નોકરી પરથી કામ પતાવીને યુવતી ઘરે જઈ રહી હતી ત્યારે તેના પ્રેમીનો ફોન આવ્યો હતો અને ‘સોસાયટી કે બહાર ખડા હુ, બહોત દીનો સે મિલે નહીં હૈ, ચલો કહી ટહેલ કે આતે હૈ..’ એવું કહ્યું હતું.
તેથી બંને પ્રેમીપંખીડા બાઈક પર બેસી દેવધ ગામમાં રઘુવીર માર્કેટ સામે રસ્તા પર ગયા હતા. ત્યાં બાઈક પાર્ક કરી એકાંતમાં બેઠા હતા. ત્યારે લગભગ રાત્રિના 8.30 કલાકના અરસામાં પાંચ અજાણ્યા ઈસમો તેમની પાસે આવ્યા હતા. અને ધમકી આપી હતી કે ‘ચલો હમારે સાથ નહીં તો માર ડાલેંગે’. જેથી બંને જણા ઉભા થઈ તેઓ સાથે જવા માંડ્યા હતા. પાંચ અજાણ્યા ઈસમો બંને જણાને કેળાંના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં પ્રેમી યુવકને માર મારી તેના હાથ પગ દોરડાથી બાંધી દીધા હતા.
ત્યાર બાદ પાંચેય નરાધમ ઈસમોએ વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ બંને જણાને ખેતરમાં જ મુકી પાંચેય જળા જતા રહ્યાં હતાં. પ્રેમીપંખીડા ચાલતા ચાલતા રસ્તા પર આવ્યા હતા. જ્યાંથી બાઈક લઈ પ્રેમી યુવક યુવતીને ઘરે મુકી ગયો હતો. બીજા દિવસે યુવતીએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા જ પુણા પોલીસે પાંચેય નરાધમો સામે ગેંગરેપનો ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.