સુરત : આવતા સપ્તાહે સુરત (Surat)ના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવ (Ganeshostav)નો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોના (corona)ના કારણે આ ઉત્સવ સાર્વજનિક રીતે ઉજવી (celebration) શકાયો ન હતો. પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતાની સાથે જ ગણેશભક્તોમાં ખુશીની લહેર દોડી ગઇ છે.
સુરત મહાનગર પાલિકા (SMC)એ પણ કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ (Ganesh festival committee)ના પ્રમુખ અનિલ બિસ્કિટવાળાએ જણાવ્યું હતું કે, કૃત્રિમ તળાવો (artificial lake) ભલે બનાવવામાં આવ્યાં છે પરંતુ, બે ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓ (ganesh idol)નું ફરજિયાત ઘર આંગણે જ વિસર્જન કરવાનું રહેશે. આ મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવા દેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ કોરોનાને કારણે આ વર્ષે ચોક્કસ ગાઇડલાઇન સાથે જ ઉજવવામાં આવશે. આ અંગે બિસ્કિટવાલાએ વધુમાં કહ્યું હતું કે, પીઓપીની મૂર્તિઓની જે મંડળે સ્થાપના કરી છે તેમને પણ આવી મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાના બદલે સીધી દરિયામાં લઇ જવા માટે અપીલ કરવામાં આવશે. તેમજ ઉત્સવ દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગર પાલિકાએ ગણેશ વિસર્જન શાંતિપૂર્વક પાર પડે તે માટે અત્યારથી જ તળાવો ખોદવાની શરૂઆત કરી દીધી છે. આ વર્ષે શહેરમાં કુલ 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. થોડા દિવસ પહેલાં રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડીને રાજ્યમાં તા.9મીથી 19મી સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવને પણ મંજૂરી આપી હતી. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને રાત્રિ કફર્યુમાં પણ એક કલાકની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 4 ફૂટની અને ઘરમાં 2 ફૂટની ગણેશ મૂર્તિની સ્થાપના કરી શકાશે, જેમાં પંડાલ કે મંડપ બને ત્યાં સુધી નાનો રાખવાનો રહેશે. મંડપમાં પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે.
જો કે ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં, ઘરના ગણેશ ભગવાનનું વિસર્જન ઘરમાં થાય તે વધારે હિતાવહ છે. જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 15 વ્યક્તિની મર્યાદામાં વાહનમાં નજીકના કૃત્રિમ કૂંડમાં ગણેશ વિસર્જન કરી શકાશે. ખાસ કરીને ગયા વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ પર પ્રતિબંધ હતો અને સુરતના ગણેશભક્તો આ વર્ષે કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે સાર્વજનિક ઉત્સવ માટેની માગ કરી રહ્યાં હતા અને તેમની લાગણીને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારે ચોકકસ ગાઇડલાઇન સાથે ગણેશોત્સવ ઉજવવા માટે મંજૂરી આપી છે.