ગત ફેબ્રુઆરી મહિનામાં મારે કેનેડામાં વેનકૂવરમાં એક સ્પર્ધા જોવા જવાનું થયું. મારા માટે આ પ્રકારના કાર્યક્રમને માણવો એ એક કુતૂહલપૂર્ણ લ્હાવો હતો. વિશ્વભરમાંથી ૧૨ થી ૧૫ વર્ષનાં વિદ્યાર્થીઓએ રોબોટ બનાવ્યા હતાં. અને આ રોબોટને રિમોટની મદદથી રમતોમાં જોતરવાના હતાં. વિદ્યાર્થીઓએ ટુકડીઓ બનાવી હતી અને જે ટુકડીનો રોબોટ વધુ કાર્યક્ષમતાનું પ્રદર્શન કરે તે ટુકડી વિજેતા જાહેર થાય તેવું આયોજન હતું. હવે સમાચારોમાં જ્યારે સુરતમાં થઈ રહેલ ગણેશોત્સવ વિષે વાંચ્યું ત્યારે હું મનોમંથન કરી રહ્યો હતો.
આ સમયે તે સ્પર્ધાનો અનુભવ સાંભર્યો. કેટલો બધો તફાવત છે. ક્યાં રોબોટ બનાવવામાં બુદ્ધિનો સદુપયોગ કરતાં વિદ્યાર્થીઓ, અને ક્યાં ગણેશોત્સવમાં ઢોલ વગાડતા આપણી સંતાનો. ના, ના, ઉત્સવ ઉજવવો એ કાંઈ ખોટું નથી. પરંતુ વિવેકબુદ્ધિ અને સજગતા તો હોવી જ જોઈએ કે આપણે કેવી પેઢીનું નિર્માણ કરી રહ્યાં છીએ. આપણે સ્વયંને જ ઘણાં બધાં પ્રશ્નો પૂછવાની આવશ્યકતા છે. પાશ્ચાત્ય દેશોની શિસ્તબધ્ધતાની પ્રશંસા તો આપણે સૌ કરીએ છીએ, પરંતુ આપણે ક્યારે શીખીશું?
ભક્તિનાં નામે રસ્તાઓમાં થંભી જતો વાહનવ્યવહાર, ઘોંઘાટ, લગભગ થંભી જતી અભ્યાસલક્ષી પ્રવૃતિ, ઉત્સવના નામે થતું દૂષણ તથા ગુંડાગીરી, આ બધાનો કોઈ અંત જ નથી? કઈ દ્રષ્ટિએ આ ઉત્સવને ધાર્મિક કહી શકાય? શું આપણી આગામી પેઢીને બૌદ્ધિક પ્રગતિના માર્ગે દોરવી એ આપણું દાયિત્વ નથી? ક્યાં સુધી આપણે આપણાં દેશની સરખામણી પાકિસ્તાન કે શ્રીલંકા જેવા પછાત દેશો સાથે કરતાં રહીશું? વધુ સમય વ્યર્થ જાય તે પહેલાં જો આપણે દેશહિત માટે આવશ્યક પગલાં નહીં લઈએ, તો આગામી પેઢીઓનું બૌદ્ધિક દેવાળું નિશ્ચિત છે.
વેનકૂવર, કેનેડા – વિનય ગાબાણી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.