ગાંધીનગર: (Gandhinagar) પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી શુક્રવારે રાત્રે મળી આવેલ બાળકના પિતાને પોલીસે શોધી કાઢ્યો છે. બાળકના પિતાનું નામ સચીન દીક્ષિત જ્યારે તરછોડાયેલા બાળકનું (Abandoned Child) સાચું નામ શિવાંશ હોવાનું સામે આવ્યું છે. પરંતુ તેનાથી પણ વધારે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સચિને બાળકની માતા હિના ઉર્ફે મહેંદીની હત્યા કરી નાંખી છે. પોલીસ દ્વારા કોટા ખાતેથી સચિનની (Sachin) ધરપકડ કરાયા બાદ સચિનની આજે પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીએ સાથે રહેવાની જીદ કરતા સચિન દીક્ષિતે વડોદરા ખાતે તેનું ગળું દબાવી હત્યા (Murder) કરી હતી અને લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં મુકી ગાંધીનગર આવી ગયો હતો.
શિવાંશના પિતા સચિન દિક્ષીત ગઈકાલે વહેલી સવારથી રાજસ્થાનના કોટા જતો રહ્યો હતો. શિવાંશના પિતા સચિન અને તેની પત્નીની પોલીસે કોટાથી ધરપકડ કરી તેમને ગાંધીનગર એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. દરમિયાન પોલીસની તપાસમાં સચિને પોપટની જેમ કબૂલાત કરી લીધી છે. શિવાંશ તેનો અને તેની પ્રેમિકાનો બાળક છે. શિવાંશના જન્મથી લઈને સચિનના પ્રેમ અને પ્રમિકા મામલે તેની પત્ની અથવા પરિવારના કોઈ સભ્યને જાણ ન હોવાનું માલૂમ પડ્યું છે. સચિને તેની પ્રેમિકા સાથેના અનૈતિક સંબંધમાં બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ દબાણ વધી જતા પ્રેમિકા હીનાની હત્યા કરી નાખી હતી.
શું છે મહેંદીની કહીકત?
સચિન દીક્ષિતને મહેંદી ઉર્ફે હિના પેથાણી નામની છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. 2019માં એ બન્નેએ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. મહેંદી જે કંપનીમાં નોકરી કરતી હતી, તેના શો-રૂમમાં બન્ને સંપર્કમાં આવ્યા હતા અને બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. છેલ્લા બે મહિનાથી લગભગ જૂનથી વડોદરાની એક કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. પોલીસ દ્વારા પત્રકાર પરિષદ આયોજીત કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, સચિન અને હીના લાંબા સમયથી લિવ ઇનમાં રહેતા હતા. જેના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. જો કે શિવાંશના જન્મ બાદ હીના દ્વારા વારંવાર સચિન પર લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેનાથી કંટાળેલા સચિને આખરે હીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હિનાની હત્યા કર્યા બાદ શિવાંશને ગૌશાળાની બહાર મુકીને રૂટીન કાર્યક્રમ અનુસાર તે કોટા ફરાર થઇ ગયો હતો.
આ અંગે ગાંધીનગર રેંજ આઈજીએ જણાવ્યું કે શુક્રવારે રાતે વડોદરામાં જે કઈ ઘટના ઘટી ત્યારબાદ શિવાંશની માતાએ બાળક સચિનને આપી દીધું આ બાબતે તકરાર થઈ અને સચિને હીનાની હત્યા કરી નાખી. સચિને હીનાની ગળુ દબાવી અને હત્યા કરી અને બાદમાં તેની લાશને બેગમાં પેક કરી નાખી. જોકે બેગ ફેંકવાની હિમ્મત ન હોવાથી રસોડામાં જ બેગ મૂકીને નીકળી ગયો હતો. હીના મહેંદી નામની આ યુવતી જેના થકી બાળક શિવાંશનો જન્મ થયો હતો તે મૂળ કેશોદ જૂનાગઢની વતની હોવાની માહિતી સામે આવી છે. હાલમાં તેનો મૃતદેહ વડોદરાના સચિન હિનાના ઘરમાં રસોડામાં પડેલી બેગમાં છે જે તેણે જણાવ્યું છે. વડોદરાના દર્શનમ ઓવરસીઝના G-102 ફ્લેટમાં સચિન અને મહેંદી લિવ-ઇનમાં રહેતા હતા. હવે સચિન સામે હત્યાનો ગુનો વડોદરામાં નોંધાશે.
પરિવારને સચિનના પાપની ખબર પણ ન્હોતી
દરમિયાન સચિનની પત્ની અગાઉથી જ રાજસ્થાનના કોટામાં લગ્ન પ્રસંગે ગઈ હતી. સચિનને પોતાના પાપની ખબર હતી એટલે તે પરિવારને લઈને કોટા જતો રહ્યો. દરમિયાન ગાંધીનગર સહિતનું આખું ગુજરાત શુક્રવારથી આ માસૂમના માતાપિતાને શોધી રહ્યુ હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મેદાને હતા. તેમણે પોલીસને ફોર્સ કામે લગાડી અને આ બાળકના વાલી શોધવા સૂચના આપી હતી. દરમિયાન પોલીસે સચિનના પિતા એન.કે. દિક્ષીતને ફોન કર્યો અને સમગ્ર ઘટના અંગે માહિતી આપી. પિતાએ આ બાળકથી પરિચીત હોવાનો ઇન્કાર કર્યો. જોકે, પિતાએ પોલીસને કહ્યું કે જો તેના દીકરાએ આવું કઈ કર્યુ હશે તો એ જાતે લઈને આવશે પોલીસ તેમના સ્વજનોને ત્યાં ન આવે. આ મામલે પિતાએ સચિનને પૂછતા તે ભાંગી પડ્યો અને બાળક પોતાનું હોવાની કબૂલાત કરી.