ગાંધીનગર: (Gandhinagar) હજુ સુરતમાં પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની હત્યાની (Murder) શાહી સૂકાઈ નથી ત્યાં તો આવી જ ઘટના ગાંધીનગરના લીમ્બોદરા ગામમાં બની છે. પ્રેમીએ પ્રમિકા સગીરાને બોલાવીને તેણીને ગળાના ભાગે કટર વડે ગળુ કાપી નાંખવાનો પ્રયાસ (Attempt To Murder) કર્યો હતો. જોકે સગીરાને બચાવવામાં સિવિલના તબીબોને (Doctors) સફળતા મળી છે. માણસા પોલીસ મથકના પીઆઈ પરમારે અલગ અલગ ટીમો બનાવીને ફરાર સંજય ઠાકોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછતાછ હાથ ધરી છે.
સગીર પ્રેમિકાને લલચાવી ફોસલાવી અમરાપુર સાબરમતી નદીનાં કોતરમાં લઈ જઈ બળજબરી કરીને પેપર કટર વડે ગળું કાપી હત્યાનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. સંજય નામક યુવક અને યુવતી વચ્ચે ભાગી જવાના પ્લાનના મામલે ઝઘડો થયો હતો. જેમાં અચાનક યુવક ઉશ્કેરાઈ ગયો હતો. યુવકે ફોસલાવીને સગીરાને અમરાપુરા ગામની નદીની કોતરોમાં બોલાવી હતી. તે દરમ્યાન તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. સગીરા ધો-12મા અભ્યાસ કરે છે. સગીરા સાથે નદીની કોતરોમાં સંબંધ બાંધ્યા પછી ભાગી જવાના મામલે માથાકૂટ થઈ હતી. સંજય એકદમ આવેશમાં આવી ગયો હતો અને સગીરાના ગળાના ભાગે પેપર કટર વડે ઘા ઝીંકી ભાગી ગયો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ સગીરા જેમતેમ કરીને કોતર તરફ કામ કરતા મજૂરો પાસે પહોંચી હતી અને ફોન કરીને તેના કાકાને બોલાવી લીધા હતા.
આ ઘટનામાં પોલીસે ફરાર આરોપી સંજય ઠાકોરને પણ ઝડપી લીધો હતો. સગીરાની હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે સંજય પોતાની સાથે પહેલેથી પેપર કટર લઈને આવેલા સંજયે સગીરાનાં ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. જેથી સંજય અગાઉથી જ પ્રિ પ્લાન સાથે આવ્યો હોવાનું અનુમાન છે.
બીજી તરફ 108 એમ્બ્યુલન્સ મારફત સગીરાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની તાત્કાલિક સારવાર કરી તેને ગંભીર હાલતમાંથી ઉગારી લેવામાં આવી હતી. ઇજાગ્રસ્ત સગીરાને વાગેલા કટરના ઘા એટલા ગંભીર હતા તે તેને 30 થી વધારે ટાંકા લેવામાં આવ્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ગળાના ભાગે 2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગે પણ ઘા વધારે થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયું હોત. હાલ તે ખતરાથી બહાર હોવાનું ડોક્ટર્સની ટીમ જણાવી રહી છે.