ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી (Election) માટે મતદાન નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી સભાઓ કરવામાં આવી રહી છે. આ ચૂંટણી સભામાં ભાજપના નેતાઓ, આગેવાનાઓ ભાન ભૂલી બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. જેને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.
જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા કરાયેલા એક નિવેદનથી ફરી એક વખત ક્ષત્રિય સમાજ લાલઘુમ બન્યો છે. તો બીજી તરફ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરાતા કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ ભાજપના નેતાઓના આવા બેફામ નિવેદનો અને વાણી વિલાસને કારણે સામાન્ય જનતામાં ભાજપ નારાજગી ફેલાઈ છે.
જુનાગઢમાં એક કાર્યક્રમ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા રાજા અને તેમની પટરાણીઓ વિશેના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે, અને ફરી એક વખત ક્ષત્રિય સમાજમાં આ નિવેદનને લઈ આક્રોશ ફેલાયો છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કિરીટ પટેલના આ નિવેદનને લઈ ખૂબ આક્રોશ સાથે સોશિયલ મીડિયામાં કિરીટ પટેલને ટકોર કરવામાં આવી રહી છે. સાથે જ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા કિરીટ પટેલને ફોન કરીને ગમે તેવો વાણી વિલાસ અને નિવેદનો ન કરે, નહીં તો પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
કિરીટ પટેલે માફી માગી
બીજી તરફ જુનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના અપમાનજનક નિવેદન બાદ તેમણે કહ્યું હતું કે મારા ભાષણથી કે નિવેદનથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. મારો ઉદ્દેશ કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ન હતો, હું બે હાથ જોડીને માફી માગું છું. વધુમાં ભાજપના અન્ય એક નેતા કે જેઓ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. તેવા ભુપત ભાયાણીએ વિસાવદર ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા તેઓ ભાન ભૂલ્યા હતા અને ન કહેવા જેવા શબ્દો તેઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી માટે કહ્યા હતા. રાહુલ ગાંધી માટેના આ અપમાનજનક શબ્દોથી રાજકીય ગરમાવો આવ્યો છે. સાથે જ ભુપત ભાયાણી તેમજ ભાજપ માટે આક્રોશ ફેલાયો છે. એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાના નિવેદનના કારણે નારાજ છે, તેવામાં ભાજપના આ નેતાઓના વાણી વિલાસને કારણે ભાજપ વિરુદ્ધ નારાજગી વધી રહી છે. રાહુલ ગાંધી માટેના અપમાનજનક નિવેદન બાદ કોંગ્રેસ પણ આક્રમક મૂળમાં જોવા મળી છે.
ભુપત ભાયાણી દિલગીરી વ્યક્ત કરી
જોકે ભુપત ભાયાણી દ્વારા રાહુલ ગાંધી માટે કહેલા અપમાનજનક શબ્દ બાદ તેઓએ કહ્યું હતું કે આ ચૂંટણીલક્ષી ભાષણનો ભાગ છે. કોઈની લાગણી દુબઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. આ મારું વ્યક્તિગત નિવેદન હતું, પાર્ટીનું નથી. તેમ કહી તેમણે આ મામલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભુપત ભાણીના નિવેદન બાદ કોંગ્રેસના કાર્યકરોએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આવી હલકી ભાષા ભાજપના નેતાઓની જ હોઈ શકે, આ જ ભાજપના સંસ્કાર છે.