Gujarat

વર્ષ 2023-24ના અંત સુધીમાં રાજ્યમાં કુલ 150 કડીયાનાકાઓ પર ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યની સરકાર શ્રમયોગી કે મજૂર વર્ગને પૌષ્ટિક ભોજન (Food) તૈયાર કરીને સાવ નજીવા દરે મળે તે માટે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે ૧૦ જિલ્લામાં કુલ ૧૧૮ કડિયાનાકાઓ ખાતે આ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આગામી વર્ષ ૨૦૨૩-૨૪ના અંત સુધીમાં રાજ્યમાં કુલ ૧૫૦ કડીયાનાકાઓ પર ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે.

  • વર્ષ 2023-24ના અંત સુધીમાં રાજ્યમાં કુલ 150 કડીયાનાકાઓ પર ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે
  • હાલમાં 10 જિલ્લાના 118 કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે

રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ના અંત સુધીમાં રાજ્યમાં કુલ ૧૫૦ કડીયાનાકાઓ પર ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે. જેમાં દરરોજ અંદાજીત ૨૫ હજાર કરતાં વધુ શ્રમયોગીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચાડવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂ. ૫૦.૪૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ગુજરાત અત્યારે દરેક ક્ષેત્રે પૂરવેગ સાથે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહેલું રાજ્ય છે. રાજ્યના શ્રમયોગી પરિવારોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ‘શ્રમેવ જયતે’ના મંત્ર સાથે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે. શ્રમિકો માટેની મહત્વકાંક્ષી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’થી આજે રાજ્યના અનેક શ્રમિક પરિવારોને ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘણી રાહત મળી છે.

રાજ્યમાં હાલ અમદાવાદ જિલ્લામાં ૪૭, ગાંધીનગર જિલ્લામાં ૦૪, વડોદરા જિલ્લામાં ૧૨, સુરત જિલ્લામાં ૧૮, રાજકોટ જિલ્લામાં ૯, વલસાડ જિલ્લામાં ૬, મહેસાણા જિલ્લામાં ૭, નવસારી જિલ્લામાં ૩, પાટણ જિલ્લામાં ૮ અને ભાવનગર જિલ્લામાં ૪ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આમ, રાજ્યના ૧૦ જિલ્લામાં કુલ ૧૧૮ કડીયાનાકાઓ ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.

Most Popular

To Top