ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે 12 વર્ષ પછી હવે જંત્રીના (Jantri) દરમાં બે ગણો વધારોકરવાનો નિર્ણય લીધો છે. આ નવો વધારો આવતીકાલ તારીખ 5મી ફેબ્રુઆરીથી અમલી બનશે. આજે રાત્રે મહેસુલ વિભાગના (Department of Revenue) નાયબ સચિવ પ્રેરક પટેલે કહ્યું હતું કે , છેલ્લા 12 વર્ષથી જંત્રીના દરમાં કોઈ વધારો કરાયો નહોતો. જયારે આ સમયગાળા દરમિયાન રાજયમાં ઝડપથી શહેરી, ગ્રામ્ય વિકાસ અને ઔદ્યોગિક વિકાસ થયો છે. જેના પગલે સરકારે આ જંત્રીના દર વધારો કરવાનો નિર્ણય લીધે છે.
- રાજ્યમાં 12 વર્ષ પછી જંત્રીના દરમા બે ગણો વધારો
- 5મી ફેબ્રુઆરીથી નવા દરો અમલી બનશે
- મિલકતના દર પ્રતિ ચો.મીના રૂા.100 નક્કી કરાયા હોય ત્યાં હવે બે ગણા એટલે કે રૂા.200 નો દર ગણવાનો રહેશે
નવા દર ગત તા.18-4-2011ના રોજ જે મિલકતના દર પ્રતિ ચો.મીના રૂા.100 નક્કી કરાયા હતા. તે વધારીને હવે બે ગણા એટલે કે રૂા.200 નો દર ગણવાનો રહેશે. તા.18-04-2011ના રોજ સરાકરે બહાર પાડેલી ગાઈડલાઈન રદ કરવાની રહેશે,જયારે તા.31-3-2011ના રોજ સરાકરે બહાર પાડેલી ગાઈડલાઈન અમલી રહેશે.
તા.5મી ફેબ્રુઆરીથી નોંધણી અર્થે રજૂ તથાં લેખોમાં સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરતાં 18-04-2011ના અમલી બનેલા જંત્રીના દરના બે ગણા ગણીને સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરવાની રહેશે. આ ઠરાવના અમલીકરણમાં જો કોઈ અર્થઘટનના પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેનો નિકાલ કરવાની આખરી સત્તા સુપરિન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પસની રહેશે, નવા દરના અમલકરણ અંગે વિગતવાર સૂચનાઓ હવે સુપરિન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પસ બહાર પાડશે.
રાજ્યમાં મહેસુલ જંત્રીના ભાવ વધારાનો કોંગ્રેસનો વિરોધ
અમદાવાદ : રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા આજે એક ઠરાવ બહાર પાડીને જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ જંત્રીના ભાવ વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે, અને ભાજપ સરકાર લોક વિરોધી સરકાર હોવાનો આક્ષેપ કર્યો છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જંત્રીના ભાવમાં થયેલા બે ગણા વધારાના પરિપત્ર અંગે સરકારની આકરી ટીકા કરી કહ્યું હતું કે જંત્રીના ભાવ વધારાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું ખૂબ મોંઘુ થઈ જશે. ગરીબ લોકો માટે ઘર ખરીદવું એ એક સ્વપ્ન સમાન બની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજ્યમાં 18 એપ્રિલ 2011 થી નક્કી કરેલા જંત્રીના દર તા. 5 ફેબ્રુઆરી 2023 થી બે ગણા કરવાનું ઠરાવવામાં આવે છે. દાખલા તરીકે 18 એપ્રિલ 2011 થી નક્કી કરેલા જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ) 2011માં મિલકતના દર પ્રતિ ચો.મી.ના રૂપિયા 100 નક્કી થયેલા હોય ત્યાં બે ગણા એટલે કે રૂપિયા 200 ગણવાનો રહેશે.