ગાંધીનગર: (Gandhinagar) કેરળ પછી કોરોનાના (Corona) નવા વેરિએન્ટ એવા JN1 વાઈરસના (Virus) નવા કેસો ગાંધીનગરમાં નોંધાયા છે. ગાંધીનગરના આ બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી દક્ષિણ ભારતની છે. બંને વ્યક્તિ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં જેમનો કોરોના પોઝિટિવ આવ્યો છે તે બંને મહિલા છે. જેઓ સેક્ટર- 6ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા છે.
- કોરોનાના નવા વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રીથી ફફડાટ
- નવો વેરિએન્ટ જેમનામાં દેખાયો છે તે બંને મહિલાની દક્ષિણ ભારતની ટ્રાવેલ હિસ્ટ્રી છે
- કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે લેબોરેટરીમાં મોકલાયા
કેરળમાં નવા વેરિએન્ટને કારણે બેનાં મોત બાદ ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ગાંધીનગરની 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બંને મહિલાઓએ વેક્સિનના બે ડોઝ પણ લીધા છે. જેમાં એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે. હાલ બંને મહિલાઓને હોમ આઈસોલેટ કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા એક એડવાઈઝરી જારી કરાઈ છે. જેમાં જરૂર પડયે રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં બ્લડ સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી આપવા કહેવાયુ છે. રાજય સરકારના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે દર્દીઓ પોતાના ઘરે જ આઈસોલેશનમાં રહીને ત્વરીત સ્વસ્થ થઈ જાય છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી.