Gujarat

પેથાપુરમાં સ્વામિનારાણય ગૌશાળા બહાર આ સુંદર બાળકને કોણ મુકી ગયું? સોશિયલ મીડિયામાં ચકચાર

ગાંધીનગર: (Gandhinagar) પેથાપુરમાં એક અજાણ્યો વ્યક્તિ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા (Swaminarayan Gaushala) પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે માસૂમ બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ છે. જે પરથી પોલીસ તંત્ર આ વ્યક્તિને શોધવામાં લાગ્યું છે. તરછોડાયેલું આ બાળક 11 માસનું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. હાલ આ બાળકને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રાખવામાં આવ્યો છે. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પોતાના અન્ય કાર્યો પડતા મુકી બાળકને મળવા પહોંચી ગયા હતાં. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે, આ બાળકના અપરાધીઓને જલ્દીમાં જલ્દી શોધી નાંખવામાં આવશે.

બાળકના વાલી-વારસોને શોધવા માટે 100 વધુ પોલીસ જવાનોને કામે લગાડી દેવાયા છે. પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ છે, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ સામેલ છે, જ્યારે 2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમ પણ સામેલ છે. બાળઆયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું છેકે, જો આવતીકાલ એટલે કે રવિવાર સુધીમાં બાળકના માતા-પિતા નહીં મળે તો બાળકને ઓઢવ શિશુગૃહમાં મોકલાશે. શિશુગૃહમાં તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલમાં ગાંધીનગર વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન પટેલ યશોદા માની જેમ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે. મહિલા કોર્પોરેટર સિવિલમાં સંભાળ રાખવા બાળક સાથે આખી રાત રહ્યાં હતાં. તેમણે કહ્યું કે તેના વાલી નહીં મળે ત્યાં સુધી બાળકનું ધ્યાન રાખીશ.

11 માસનું આ બાળક જોતા જ ગમી જાય તેટલું સુંદર છે અને તે સદા હસતું રહેતું હોવાથી તેનું નામ હાલ સ્મિત રાખવામાં આવ્યું છે. આ બાળકને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકની સાથે મુલાકાત લીધી હતી. બાળકને રમાડ્યું પણ હતું. બાળકની તમામ જરૂરિયાતો પુર્ણ કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ બાળકના ગુનેગારને શક્ય તેટલી ઝડપી શોધવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત નાગરિકોને સોશિયલ મીડિયામાં બાળકને ન્યાય અપાવવા માટે પણ અપીલ કરી છે. 

બાળકના વાલી-વારસોને શોધવા માટે પોલીસે 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા છે, જ્યારે 8 ટીમ તૈયાર કરાઈ છે. સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં પણ મોકલાઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવા 2 ટીમ કામે લગાવવામાં આવી છે, જ્યારે અન્ય રાજ્યમાં બાળકોની મિસિંગ કમ્પ્લેન નોંધાઈ છે કે નહીં એની તપાસ પણ શરૂ કરાઈ છે. પોલીસની 1 ટીમ તમામ રાજ્યોના પોલીસ કન્ટ્રોલ રૂમને બાળકની માહિતી પહોંચાડવા કાર્યરત કરાઈ છે.

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને ગઈકાલે રાત્રે સાડાઆઠ-નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો, જેથી તે દોડીને દરવાજા તરફ ગયા હતા. દરવાજા પાસે એક બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત તેને તેડી લઈ શાંત રાખવાનો પ્રયાસ કર્યા હતા. આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ નહીં જણાતાં તેણે ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.

Most Popular

To Top