ગાંધીનગર: (Gandhinagar) પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) આગામી 1 અને 2જી મેના રોજ ગુજરાતના ચૂંટણી (Election) પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તે પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે 14 લોકસભા બેઠકો પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા બેઠકો કરાઈ છે. આ બેઠક દરમ્યાન ક્ષત્રિય સમાજના અગ્રણીઓને મનાવવાના સંભવિત તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.
- રૂપાલાના નિવેદનનો બચાવ કર્યો નથી, પાર્ટીને પણ દુ:ખ, તો હવે ક્ષત્રિયો રૂપાલાને માફ કરે
- રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિય આગેવાનોને મનાવવા ભાજપના નેતાઓના પ્રયાસ, પણ વાત એક જ, ક્ષત્રિયો રૂપાલાને માફ કરે
- ભાજપની 10 મુદ્દાની સમાધાનની ફોર્મ્યુલા, ક્ષત્રિયોને માન-સન્માન આપવા સહિતની તમામ તૈયારી, પરંતુ વાત એક જ…
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ દેશી રજવાડા વિશે કરેલી ટિપ્પણીના પગલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી છે. જેના પગલે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. જો કે ભાજપના હાઈકમાન્ડ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી નથી. રૂપાલાએ પણ સતત ત્રણ વખથ બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગીને મોટુ મન રાખીને માફ કરવા અપીલ કરી હતી. અલબત્ત, ક્ષત્રિય સમાજે પાટીદાર આંદોલનની પેટર્ન પર આંદોલન ચાલુ રાખ્યું છે, એટલું જ નહીં, હવે રૂપાલાની સાથે ભાજપનો પણ વિરોધ કરાશે, તેવું એલાન કર્યું છે.
ક્ષત્રિય સમાજની આ જાહેરાત બાદ હાઈકમાન્ડના આદેશને પગલે હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા 14 લોકસભા બેઠકો પર ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો તથા ક્ષત્રિય સમાજના અગ્રણી કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજીને જુદા જુદા 10 મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા પણ કરી લીધી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને આણંદ સહિતની લોકસભા બેઠકોના મુખ્ય શહેરોમા આ બેઠકો યોજાઈ હતી. જેમાં મૂળ તો ક્ષત્રિય આંદોલનને શાંત કરવાના પ્રયાસ કરાયા હતા.
બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ મુજબ, રૂપાલાનો પાર્ટી દ્વારા કોઈ બચાવ કરાયો જ નથી, પાર્ટી નેતાગીરીને પણ દુ:ખ થયું છે, રૂપાલાના નિવેદનનો પાર્ટી દ્વારા કોઈ બચાવ કરાયો નથી, ભાજપનું નેતૃત્વ પણ દુ:ખી છે, રૂપાલા ઉપરાંત પ્રદેશ ભાજપના પ્રમુખ પાટીલે પણ રૂપાલા વતી માફી માંગીને મોટું મન રાખીને રૂપાલાને માફ કરવા અપીલ કરી છે, વિવાદને સંવાદપૂર્ણ રીતે ઉકેલવા માટે સરકાર – સંગઠનના પ્રયાસો, આ કોઈ રાજકીય મુદ્દો છે જ નહીં, પરિવારની અંદરનો મામલો છે, ક્ષત્રિય સમાજ ભાજપના પરિવારનો એક ભાગ છે, કોઈ કોમ્યુનિકેશન ગેપ ના રહે એટલે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ વિષય સમાજની વચ્ચે મૂકી રહ્યા છે, જ્યાં કોઈ પણ સ્થાન પર વિરોધ થાય તો, કાર્યકરો ક્ષત્રિય સમાજના આગેવાનોની રજૂઆત કે વાત શાંતિથી સાંભળે અને સંધર્ષમાં ના ઉતરે. લાગણી ન દુભાય અને મન દુ:ખ થયું હોય તો, મોટું મન રાખીને માફ કરવાની વાત છેક પહેલા દિવસથી પ્રદેશ પ્રમુખે પણ કરી છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે સરકાર અને સંગઠન સતત સંવાદ કરી રહ્યા છે, આ આખો મુદ્દો ક્ષત્રિય આંગેવાનોના દિલમાંથી પણ દૂર થાય તેવા પ્રયાસ ચાલી રહ્યાં છે.