ગાંધીનગર: (Gandhinagar) અયોધ્યા (Ayodhya) ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની (Temple) પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે તા.૧૪ થી ૨૨મી જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ (Cleanliness) હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા ૧૪ થી ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન જન આંદોલન યોજાશે.
- રાજ્યભરના નાના-મોટા ધાર્મિક સ્થળોએ 14થી 22 જાન્યુ. સ્વચ્છતા જનઆંદોલન
- અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અવસરના ઉપલક્ષમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની તમામ ધાર્મિક સ્થળોને અપીલ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા યોજાનાર આ જન આંદોલનમાં રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે. જેમાં તમામ યાત્રાધામોનું પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવી, કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવી તેના કચરાનું યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવાશે.