ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ગૌશાળાની બહાર તરછોડી દેવાયેલા માસૂમ બાળકના (Child) પરિજનોની ભાળ પોલીસે (Police) મેળવી લીધી છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. બાળકના પિતાએ (Father) જ તેને તરછોડી (Abandoned) દીધું હોવાનું પ્રાથિમક તપાસમાં જાણવા મળ્યું છે. બાળકના પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું બહાર આવ્યું છે. સફેદ કારના આધારે પિતાની ઓળખ કરાઈ છે. એક સફેદ સેન્ટ્રો કારમાં બાળક મુકવા આવ્યા હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા મળી હતી. જાણવા મળ્યા મુજબ પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસને કારણે પિતાએ તેને તરછોડી દીધું હતું. જોકે આ અંગેની સમગ્ર કહીકત પોલીસ પ્રેસકોન્ફરન્સમાં જણાવશે. હાલ સચિનને કોટાથી પરત લાવવામાં આવી રહ્યો છે.
સચિન નંદકુમાર દીક્ષિત નામનો આ વ્યક્તિ GJ 01 KL 7363 નંબરની ગાડી પર આવ્યો હતો અને બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. હાલમાં તે D-35, ગ્રીનસીટીની સામે સેક્ટર 26માં રહેતો હતો. પતિ પત્નીના ઝગડામાં તે પોતાના બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો તેવું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી અનુસાર સચિન દીક્ષિત વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુળ મધ્યપ્રદેશનો છે અને તે પોતાના બાળકને મુકીને કોટા જતો રહ્યો હતો. પોલીસે જુદી-જુદી ટીમો લગાવી તપાસ આદરી હતી જેમાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે તેની કોટાથી ધરપકડ કરી છે. હાલ પોલીસ તેને કોટાથી લઇને આવી રહી છે. વધુ વિગત માટે તંત્ર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે.
આ સમગ્ર મામલે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તે અનુસાર બાળકનો પિતા સચિન છે. બાળકનું નામ શિવાંશ છે પરંતુ આ બાળક સચિન અને તેની પત્નીના લગ્નથી નથી. ગૃહમંત્રી હર્ષ સઘવીએ શનિવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ બાળક સચિનની પત્નીનું નથી. તો બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન દીક્ષિતને પોતાની પત્ની ઉપરાંત એક ગર્લફ્રેન્ડ પણ હતી. આ ગર્લફ્રેન્ડ થકી સચિનને આ બાળક આવ્યું હતું. જ્યારે સચિનને તેની ધર્મ પત્ની થકી પણ પોતાનું એક 4 વર્ષનું બાળક છે. સચિનના બાળકનું નામ ધ્રુવ દીક્ષિત છે. ગર્લફ્રેંડ બાળકને રાખવા માટે તૈયાર નહી હોવાના કારણે તથા આ બાળકના કારણે ગર્લફ્રેંડ અને પત્ની સાથે ઘરકંકાસ થતો હોવાના કારણે આખરે સચિને આ રસ્તો અપનાવ્યો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ નાના બાળકને તરછોડી નાસી છૂટ્યો હતો. છેલ્લા બાર-તેર કલાકથી ગાંધીનગર પોલીસ બાળકના વાલી-વારસો મળી જાય એની તપાસમાં લાગી ગઈ હતી. વાલી-વારસોને શોધવા માટે પોલીસે 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા હતા, જ્યારે 8 ટીમ તૈયાર કરાઈ હતી. સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં પણ મોકલાઈ હતી. આ અંગેની જાણ થતાં ગૃહમંત્રી પોતે દોડી આવ્યા હતા અને તત્કાલ પોલીસને આ બાળકના પિતાને શોધવા માટે આદેશ કર્યો હતો. પોલીસની મહેનત આખરે રંગ પણ લાવી હતી.