Comments

ગાંધીજીએ તો લડવાનું શિખવ્યુ ને તમે તો લડતા જ નથી

આજના આ ઉદારીકરણ અને ખાનગીકરણના સમયમાં ગાંધીજીના આર્થિક વિચારોનું મહત્ત્વ કેટલું? શું બાપુના સત્ય, અહિંસા, સાદગી, સ્વદેશી જેવા વિચારો આજે વ્યવહારુ કે ઉપયોગી રહ્યા છે ખરા? જો બાપુ આજે હોત તો? જો બાપુ આજે હોત તો તેમણે પણ લાકડી ઉગામી હોત એવું બોલનારા બાપુના નામે પોતાના મનની વાત સાચી કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ બધા ભૂલી જાય છે કે બાપુ હતા ત્યારે પણ માણસ આવો જ હતો. સરકારના અધિકારીઓથી માંડીને સમાજનાં સ્થાપિત હિતો આવાં જ હતાં ત્યારે પણ લોકો આ રીતે જ જાતિવાદ, કોમવાદ, સ્ત્રી-પુરુષ અસમાનતામાં ખદબદતા હતા, છતાં બાપુએ તો જે કરવું હતું એ જ કર્યું એટલે બાપુ અત્યારે હોય તો એમણે આજે પણ એ જ કર્યું હોત જે તેમણે ત્યારે કર્યું હતું.

આપણે મોહનદાસ કરમચંદ ગાંધીનો ઉપયોગ આઝાદીની લડતમાં કર્યો એટલો આઝાદ ભારતના શાસનમાં ના કર્યો. ના અર્થનીતિમાં, ના શિક્ષણનીતિમાં, ના રાજનીતિમાં. બીજા શબ્દોમાં કહું તો ગાંધીનો લાભ અંગ્રેજોનો સામનો કરવા માટે મળ્યો, પણ આઝાદ ભારતની સમસ્યાઓના ઉકેલ માટે ના મળ્યો. . જો. . . ”જો અને તો” ની રીતે વિચારવાનું હોય તો એટલું જ વિચારવાનું કે બાપુને ગોળીએ ના દીધા હોત અને તે બીજાં પાંચ દસ વરસ જીવ્યા હોત તો પણ ભારતને તેનો ખરો લાભ મળ્યો હોત. આજે દેશ બાપુના ૧૫૦ વર્ષની ઉજ્વણીમાં પડ્યો છે અને બાપુ હતા કે તેમણે ભારતની આઝાદીને પણ ઉજવી નો’તી. તે તો ૧૫ ઓગસ્ટે નોઆખલીમાં તોફાનો ઠારતા હતા.
ગાંધીજીના ૧૫૦ વર્ષ ઉજવવાનો શ્રેષ્ઠ રસ્તો કયો?

તેમના વિચારોને જીવનમાં મૂકવાનો, પ્રવચનોમાંથી કાઢીને વર્તનમાં, વ્યવહારમાં મુકાવનારાઓ… ના હું બ્રહ્મચર્ય કે સાદગી કે સ્વદેશી કે ખાદી કે રોજ ચરખો કાંતવાની વાત નથી કરતો. હું તો ગાંધીના લડાયક મિજાજને અપનાવવાનું કહું છું. અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કહું છું. સત્યને સ્વીકારવાનું કહું છું. અને અઘરું નથી. પણ સાવ સહેલું પણ નથી. ગાંધીજીના અનેક વિચારો હશે. કેટલાક સમય સાથે બદલાયા પણ હશે. ગાંધીજીમાંથી પણ કેટલુંક હવે ના અપનાવવા જેવું લાગે, પણ ગાંધીમાં એક વાત કદી નથી બદલીએ અને ગાંધીમાંથી કાંઈ ના શીખવું હોય અને માત્ર એક જ વાત શીખવી હોય તો એ છે.લડતાં શીખો.અન્યાય સામે અવાજ ઉઠાવતાં શીખો. સત્તાને પણ પડકારતાં શીખો. જો વિદેશીઓ સામે શિંગડાં ભેરવી શકતા હોય તો આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ સામે પ્રશ્નો ઉપાડી જ શકાય.

દક્ષિણ આફ્રિકાથી શરૂ કરો. વકીલાત કરવા ગયા હતા. ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની ટીકીટ હોવા છતાં તેમને અંગ્રેજ ટીટી એ ઉતારી મૂક્યા ત્યારે અડધી રાત હતી. અજાણ્યો પ્રદેશ હતો સત્તા પણ વિદેશી હતી, ના લડવાના બધાં જ બહાનાં હાજર હતાં. દિવસ હોત તો બતાવી આપતા. .. ભારતમાં હોત તો ખબર પાડી દેત. .. .બે જણા હોત તોય ભારે પડત. .. .સત્તા જ અન્યાયી હોય ત્યાં કોઈ શું કરે? આવું કોઈ બહાનું આગળ કર્યા વગર આ માણસ અન્યાય સામે લડ્યો. મૂળમાં તો પોતાના હક્ક માટે લડ્યા. અને એમને લડાઈ કરવાનું શિખવ્યુ. અસ્પૃશ્યતા સામે લડ્યા, માણસ બીજા સામે જેટલો ઝડપથી લડવા તૈયાર થાય છે તેટલો પોતાની સામે લડવા તેયાર નથી થતો.

પણ બાપુ લડ્યા. સ્ત્રીઓને આઝાદીની લડતમાં જોડી અને જાહેર જીવનમાં ખરેખર સમાનતા આપી આ પણ એક જાતની લડત જ હતી. ગલીનાં ખેતરોમાં ખેડૂતો માટે લડ્યા મજદૂરો માટે લડ્યા. ખોટા કરવેરા અને અન્યાયી કાયદા સામે લડ્યા અને છેલ્લે સંપૂર્ણ સ્વરાજ માટે લડ્યા. આઝાદી પછી થોડું જ જીવ્યા, પણ હિંદુ મુસ્લિમ એકતા માટે લડ્યા. જે માણસનું આખું જીવન લડતથી ભરેલું છે એ માણસની લાખો વાતો કરો અને તેણે”ભારતને લડતાં શીખવાડ્યું” એ જ ના બોલો તો કેમ ચાલે? આપણે, ભારતે ગાંધી બાપુ પાસેથી કાંઈ શીખવાનું હોય તો તે છે લડતાં શીખવાનું. શી ખબર કેમ આપણે લડવાનું જ ભૂલી ગયા છીએ, અવાજ ઉઠાવવાનું ભૂલી ગયા છીએ.

ખરી વાત તો આ જ છે કે ખાનગીકરણ અને ઉદારીકરણના જમનામાં ગાંધીમાર્ગે જ લડી શકાય છે. યાદ કરો, ગાંધીજી જોડે બનેલી દક્ષિણ આફ્રિકાની ઘટના, ગાંધીજી એ વખતે મહાત્મા ના હતા તે લડ્યા પોતાના ગ્રાહક તરીકેના હક્ક માટે. બજારમાં ગ્રાહક વસ્તુ માટે જે કીંમત ચૂકવે છે તે મેળવવાનો તે હકદાર છે. મૂડીવાદી બજારમાં ગ્રાહક રાજા છે પણ ત્યારે જ જયારે તે પોતાના હક્ક માટે જાગૃત હોય. ગાંધીજીના આર્થિક વિચારોને સમજવા હોય તો અહીંથી સમજવાનું શરૂ કરવું પડે. આજે આપણે સેલ્ફ ફિનસ સ્કૂલોમાં શિક્ષણ મેળવીએ છીએ. રૂપિયા ખર્ચીને સર રસ્તા પર ગાડી ચલાવીએ છીએ.

ઊંચી કિંમત ચૂકવીને મોલમાંથી મનોરંજન મેળવીએ છીએ પણ યાદ કરો ક્યાંય આપણે ચૂકવેલી કિંમતનું વળતર મળ્યું કે નહિ તે તપાસીએ છીએ? અને જ્યાં કિંમત ચૂકવ્યા પછી વળતર ના મળે ત્યાં વળતર માટે લડત ચલાવીએ છીએ? ના, લોકો કહે છે ગાંધીજી સત્ય અને અહિંસાના પુજારી હતા. ના ભૈ ના. ગાંધીજીએ લડતના સાધન તરીકે સત્ય અને અહિંસાનો ઉપયોગ કર્યો હતો. સત્ય અને અહિંસા એ જાહેર જીવનમાં લડત કરવી હોય તો બે સાધન છે. પણ યાદ રહે કે લડવું હોય તો સત્ય અને અહિંસા કામના લડવું જ ના હોય તો સત્ય અને અહિંસાનો કોઈ મતલબ નથી અને એમાંય બજરામાં વેપારી સામે લડત કરવાનો રસ્તો સત્ય અને અહિંસાનો જ છે કારણ કે આજના આર્થિક યુગમાં શસ્ત્રોથી લડાઈ નથી લડાતી.

વ્યૂહરચનાથી લડાય છે. વ્યક્તિ ને દેશને આર્થિક ગુલામ કરવામાં આવે છે. પહેલાં વસ્તુની ટેવ પાડવામાં આવે છે અને પછી તેનું શોષણ કરવામાં આવે છે. મગજ એ હદે કન્ડીસંડ થઇ જાય છે કે આપણને એમ જ લાગે છે કે આ વગર તો ના જ ચાલે. અને બજારમાં આ કંડીશનિંગ ઊભું કરે છે જાહેરાતો. અર્થશાસ્રમાં ઈચ્છાઓ અને જરૂરિયાતોને જુદી ગણવામાં આવી છે. ઈચ્છા ઓ ના સંતોષાય તો ચાલે, જરૂરિયાત સંતોષવી જોઈએ. માણસને મર્સિડીઝ ગાડી ખરીદવાનું કે પોતાની માલિકીની હોય એ વિચારવાનું મન થાય, પણ એ જરૂરિયાત નથી, ઈચ્છા છે. જરૂરિયાત તો મુસાફરી માટે વાહનવ્યહારની સગવડની છે. ગાડી નાની મારુતિ કે અલ્ટો પણ હોઈ શકે.

સરકારી જાહેર વાહનવ્યવસ્થા પણ હોઈ શકે. પણ જાહેરાતો આપણા મગજમાં ભરી દે છે કે ગાડીમાં ફરવું તો મર્સિડીઝમાં ફરવું અને પોતાની માલિકીની ગાડીમાં ફરવાની તો મજા જ કાંઈ ઓર છે. માણસને ભૌતિક બંધનો દેખાય છે પણ માનસિક બંધનો દેખાતાં નથી. ગાંધીજીની સાદગી આ સંદર્ભમાં વિચારવાની છે, આપણે આપડણી જરૂરિયાતને ઓળખવાની છે અને એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આપણે ઈચ્છાઓને તો જરૂરિયાત નથી માની બેઠા ને? ગાંધીજી અત્યારે આપણને કહે કે ભાઈ, સંદેશ વ્યવહાર માટે ફોન હોવો જરૂરી હોય તો પણ એ સ્માર્ત ફોન જ હોવો જોઈએ અને ટચ સ્ક્રીન જ હોવો જોઈએ અને અમુક તમુક કંપનીનો જ હોવો જોઈએ અને વરસે તો બદલાઈ જ જવો જોઈએ. .-આ જરૂરિયાત નથી, ગુલામી છે.

અને આ માનસિકતાનો લાભ જ બજારમાં કંપનીઓ લઇ રહી છે અને આનાથી સ્વતંત્ર થવું હોય તો આ મોબાઈલ મેનીયા પડતો મૂક. હમણાં ગુજરાતમાં ખાનગી સ્કૂલોએ ફી માં તોતિંગ વધારો ઝીંક્યો, આંદોલન થયાં અને સરકારે કમિટી બનાવી, પણ જે ઉકેલ જોઈતો હતો તે તો ના જ આવ્યો. શિક્ષણ સસ્તું ના થયું. જો આ આંદોલન ખરેખર ગાંધીચીંધ્યા માર્ગે કરવું હોય તો દરેક વાલી ખાનગી શાળામાંથી બાળકને ઉઠાવી લે અને નજીકની સરકારી શાળામાં દાખલ કરાવી દે અને સરકાર પર સરકારી શાળામાં સારા શિક્ષકો અને સારી સુવિધા માટે દબાણ કરે. બજારમાં વેપારીને હરાવવાનો શ્રેષ્ઠ ઉપાય એ માંગ છોડવી એ છે.

આજે ભારતમાં રોજગારીનો મુદ્દો મહત્ત્વનો બનતો જાય છે મહારાષ્ટ્ર અને મુંબઈ પછી ગુજરાતમાં પણ રોજગારીના પ્રશ્ન હિંસક બનવા લાગ્યા છે. આપણે હિંસા અને પ્રાંતવાદને મહત્ત્વ ના આપી શકીએ, પણ દેશ આદર્શથી નથી ચાલતો, દેશ કાયદા અને વ્યવહારથી ચાલે છે. ગુજરાતમાં આવીને કોઈ પણ રાજ્યનો માણસ નોકરી ધંધો કે મજૂરી કરી જ શકે પણ શું તેને તેના પોતાના રાજ્યમાં નોકરીની તકો ના મળવી જોઈએ?

જો દેશ વિકાસ કરતો હોય તો બે ટંકનું ખાવાનું મેળવવા ડાંગના આદિવાસીઓ અમદાવાદ આવે, બિહારના મજૂરો મુંબઈ અને ગુજરાત આવે તે ક્યાંનો ન્યાય? વિકેન્દ્રીકરણ એ નીતિ છે, રાજ્યશાસનથી માંડીને રોજગારી સુધી તે અમલી બનવું જોઈએ. બધા જ ઉદ્યોગો બે રાજ્યોમાં. બધી જ સગવડો બે મોટાં શહેરોમાં મળે અને પાયાની સુવિધાઓનું પણ કેન્દ્રીકરણ થાય તો વસ્તીનું સ્થળાંતર થવાનું જ છે અને જુદી જુદી સંસ્કૃતિ સભ્યતા પરમ્પરાવાળાં લોકો ભેગાં થયાં એટલે દરેક વખતે સંસ્કારોનું જ આદાનપ્રદાન થાય એવું નથી. તોફાનો, હિંસા અને અરાજકતાનું પણ આદાનપ્રદાન થઇ શકે.

ગાંધીજી બજારમાં ગ્રાહક રાજા છે તે વાત જાણતા હતા માટે તેમના બધા ઉપાય ગ્રાહકને મજબૂત બનાવવાના હતા. ગ્રાહક ત્યારે જ મજબૂત બને જયારે તે વસ્તુ વગર ચલાવી લે, નહિ કે તેનો ગુલામ બને અને ગ્રાહક દેશ હોય, વ્યક્તિ હોય, રાજય હોય, કે કુટુંબ હોય તેને જાહોજલાલી નહિ પણ જરૂરિયાતને કેન્દ્રમાં રાખવાની છે. બજારમાં આર્થિક સાધનોની ફાળવણી વખતે પસંદગીનો ક્રમ નક્કી કરવાનો હોય છે અને આ પસંદગીનો ક્રમ યોગ્ય તો જ હોય જો ગ્રાહક માનસિક પરિબળો કરતાં જરૂરિયાતને વધારે મહત્ત્વ આપે, તે મજબૂત બને, લડવાનું માત્ર મેદાનમાં નથી હોતું.

યુદ્ધ તલવારોથી નથી જીતાતું, માટે હવેની લડતોમાં હિંસાને કોઈ સ્થાન નથી. તમે અહિંસક રીતે જ બજારમાં જીતી શકો. અંગ્રેજો વેપારી હતા અને મૂળમાં તેમને વેચવું હતું અને કમાવું હતું અને ગાંધીજી જણાઈ ગયા હતા કે અંગ્રેજોની નબળી કડી કમાણી અને વેચાણ છે માટે જ તેમને ટેક્ષ અને વિદેશી વસ્તુનો વિરોધ કર્યો અને વેપારી વગર હિંસાએ હાર્યો. આપણે જો ગાંધીજીને આ ૧૫૦ મા વરસે સાચી શ્રધ્ધાંજલિ આપવા માંગતા હોઈએ તો ગ્રાહક તરીકે, નાગરિક તરીકે મજબૂત બનવું પડશે, જાણકાર બનવું પડશે અને હક્ક માટે લડતાં શીખવું પડશે, બાકી ખાદીનાં કપડાં ખરીદવાથી કે પહેરી લેવાથી બાપુને કોઈ ફેર પડવાનો નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top