નવસારી : ગણદેવીની (Gandevi) પરિણીતા પાસે દહેજની (Dowry) માંગણી કરી પતિ, સાસુ અને દિયરે શારીરિક-માનસિક ત્રાસ આપતા પરિણીતાએ મહિલા પોલીસ (Women Polic) મથકે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના હાથીયાવાડી ઉગમણા ફળીયામાં રહેતી પ્રીતિબેનના લગ્ન ગત 2015 માં બીલીમોરા સરદાર માર્કેટ રોડ પર સર્જન પાર્ક સોસાયટીમાં રહેતા અને હાલ આફ્રિકાના જહોનીસબર્ગ માયફેર ચર્ચ સ્ટ્રીટમાં રહેતા કિરણભાઈ કરશનભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ પ્રીતિબેનના પતિ કિરણભાઈ નોકરી અર્થે આફ્રિકા ગયા હતા. આઠ મહિના બાદ કિરણભાઈ પરત તેમના ઘરે બીલીમોરા આવતા પત્ની પ્રીતિબેન સાથે નાની-નાની બાબતોમાં લડાઈ-ઝઘડો કરતા હતા. ત્યારબાદ કિરણભાઈ ફરી આફ્રિકા જતા રહ્યા હતા અને 2016 માં પ્રીતિબેનને પણ આફ્રિકા બોલાવી હતી.
70 હજાર રૂપિયાની માંગણી કરી મ્હેણાં-ટોણા મારવા લાગ્યા હતા
દરમિયાન પ્રીતિબેનને ગર્ભ રહી ગયો હતો. પરંતુ કિરણભાઈ પ્રીતિબેનને ગર્ભપાત કરવા માટે દબાણ કરતા તેઓ માન્યા ન હતા. પ્રીતિબેને દીકરીને જન્મ આપતા પતિ કિરણભાઈએ તું તારા ઘરેથી ખાલી હાથે આવી છે અને દહેજમાં પણ કંઈ લાવી નથી જેથી તું તારા ઘરેથી 70 હજાર રૂપિયાની માંગણી કરી મ્હેણાં-ટોણા મારવા લાગ્યા હતા. ત્યારબાદ સાસુ મણીબેન અને દિયર તેજશભાઈ પણ દહેજની માંગણી કરી ઝઘડો કરી રહ્યા હતા. જેથી પ્રીતિબેને તેની બહેનપણી પાસેથી 70 હજાર રૂપિયા ઉછીના લઈ સાસુ મણીબેનને આપ્યા હતા. ત્યારબાદ પણ તેઓ પ્રીતિબેન સાથે ઝઘડો કરી રહ્યા હતા. ત્યારબાદ કિરણભાઈ આફ્રિકામાં બાજુમાં રહેતી સાલીનીબેનને ત્યાં રહેવા જમવા જતા હતા.
નાની-નાની બાબતોમાં લડાઈ-ઝઘડો કરતા હતા
દરમિયાન કિરણભાઈ સાલીનીબેન સાથે એકલા રહેતા હતા. તેઓ બંનેએ મળી પ્રીતિબેનને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. ત્યારબાદ પતિ કિરણભાઈને આફ્રિકા ખાતે માથામાં વાગી ગયું હોવાથી સાસુ અને દિયરે પ્રીતિબેન પાસેથી 1.54 લાખ રૂપિયા માંગી પ્રીતિબેન પાસેથી બેંકની પાસબુક લઈ લીધી હતી. ત્યારબાદ પતિ કિરણભાઈ સોનાલીબેન સાથે રહતા પ્રીતિબેને મહિલા પોલીસ મથકે પતિ કિરણભાઈ, સાસુ મણીબેન અને દિયર તેજશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એલ. પટણીએ હાથ ધરી છે.