સુરત: વર્ષો વીતી જવા છતાં એવું પાત્ર મળતું નથી જેની સાથે આખીય જીંદગી પસાર કરી શકાય તો ક્યારેક એવું બને છે કે બાળપણમાં જ જીવનભરના સાથી મળી જાય છે. આવતીકાલે તા. 14 ફેબ્રુઆરીના રોજ આખીય દુનિયામાં પ્રેમીઓ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરશે ત્યારે આપણે એવા જ પ્રેમીઓની વાત કરવી છે જેમને બાળપણમાં જ પોતાનો પ્રેમ મળી ગયો હતો.
વાત છે તળ સુરતની મોટી શેરીની. આ શેરીની ખાસિયત એ છે કે અહીં શેરીમાં જ રહેતા 12 યુવક-યુવતીઓ એકબીજાને નાની વયમાં જ દિલ દઈ બેઠાં હતાં અને મોટાં થયા બાદ લગ્ન કર્યા હતા. સૌથી ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી 41 વર્ષ જૂની છે. ગલેમંડીની મોટી શેરીમાં રહેતા પરેશ રંગરેજના ઘરની સામે 10 ઘર દૂર સુનિતા રહેતી હતી. એક જ શેરીમાં રહેતા હોવાના લીધે બાળપણથી જ પરેશ અને સુનિતા એકબીજાને ઓળખતા હતા. સમય જતા બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. તે જમાનામાં વેલેન્ટાઈન ડે જેવું કંઈ નહોતું એટલે એક વખત કોઈ પણ મુહર્ત કે દિવસ જોયા વિના પરેશે સુનિતાને મનની વાત કહી દીધી અને સુનિતાએ પણ હા પાડી દીધી. એકરાર કર્યાના ત્રણ વર્ષ બાદ એક દિવસ બંને જણાએ હિંમત કરીને પરિવારને લગ્ન માટે વાત કરી. શરૂઆતમાં વિરોધ થયો પણ એક જ જ્ઞાતિ હોઈ આખરે પરેશ-સુનિતા લગ્નગ્રંથિ બંધાઈ ગયા. અત્યારે પરેશભાઈ ફરસાણની દુકાન ચલાવે છે અને સુનિતાબેન ઘર સંભાળે છે.
આવી જ સ્ટોરી પશ્મીના અને ચંદ્રકાંતની છે. પશ્મીનાના અને ચંદ્રકાતના ઘર સામસામે. બાળપણથી સાથે રમતા અને ભણતા. સમય જતાં એકબીજાને પસંદ કરતા થયા. પશ્મીનાએ કહ્યું, ચંદ્રકાતે મારી સમક્ષ પહેલીવાર તેની લાગણી વ્યક્ત કરી તે દિવસ મને આજે પણ યાદ છે. હું ટ્યૂશન જતી હતી ત્યારે ચંદ્રકાંતે મને રસ્તામાં ઉભી રાખી. તેણે મને પૂછ્યું, ‘તું મારી સાથે લગ્ન કરીશ?’ , એકાએક ચંદ્રકાંતે આવુ પૂછતાં હું ચોંકી ગઈ. ત્યારે તો કોઈ જવાબ આપ્યો નહીં પણ પછી હા પાડી દીધી. અમારી જ્ઞાતિ અલગ હતી એટલે પરિવાર વિરોધ કરશે તે નક્કી હતું. એટલે લવસ્ટોરી શરૂ થઈ તેના પાંચ જ મહિનામાં 1989માં આર્ય સમાજમાં મેરેજ કરી લીધા. મેરેજની વાત બહાર આવી એટલે જોરદાર વિરોધ થયો. મારા પપ્પાએ મારી સાથે સંબંધ તોડી નાંખ્યા. મારી હાલત એકદમ કફોડી બની ગઈ. સાસરા અને પિયરનું મકાન એકબીજાની સામે જ. હું મારા ઘરના ઓટલે બેસી પપ્પાને જોઈ શકું પણ તેમની સાથે વાત ન કરી શકું. છેક 10 વર્ષ બાદ પપ્પાએ અમારો સંબંધ સ્વીકાર્યો. અમે હંમેશા એકબીજાની પડખે રહ્યાં એટલે અમારા સંબંધની મધુરતા હજુ પણ જળવાઈ રહેલી છે. એક જ શેરીમાં લગ્નના અનેક ફાયદા છે એમ આંખ મિચકારતા પશ્મીના કહે છે.
એક જ શેરીમાં લગ્ન કરનાર કપલ
- સુનિતાબેન – પરેશભાઈ રંગરેજ
- પશ્મીનાબેન – ચંદ્રકાંતભાઈ પટેલ
- પ્રતીક્ષાબેન – હેમલભાઈ જરીવાલા
- મીનાક્ષીબેન – દિવ્યેશભાઈ જરીવાલા
- ઝીનલબેન – મેહુલભાઈ જરીવાલા
પશ્મીના અને ચંદ્રકાંતના પ્રેમલગ્નના 20 વર્ષ બાદ મોટી શેરીમાં બીજી એક પ્રેમકહાની આકાર પામી હતી. હેમલ અને પ્રતીક્ષા એકબીજાના પ્રેમમાં પડ્યા. શેરીમાં આગલા વર્ષોમાં બનેલી લવસ્ટોરીના કિસ્સા સાંભળી આ યુગલ મોટું થયું હતું. એટલે જ્યારે તેઓ પ્રેમમાં પડ્યા એટલે પાણી પહેલાં જ પાળ બાંધી દીધી હતી. પરિવારને જાણ કરવા પહેલાં મિત્રોની મદદથી હેમલ અને પ્રતીક્ષા કોર્ટ મેરેજ કરી લીધા. હેમલ કહે, એક જ શેરીમાં રહેતા હોય એટલે એકબીજાના પ્રેમમાં પડવું સ્વાભાવિક છે. પરિવાર અને મિત્રોની નજરથી છુપાઈને પ્રેમ કરવામાં મજા પણ અલગ છે.