મહિનાઓથી કોવિડ-૧૯ના રોગચાળાનો માર વેઠી રહેલી દેશની જનતાને મસમોટી આશાઓ બંધાવતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને કહ્યું હતું કે આ વખતનું બજેટ આજ પહેલા ક્યારેય જોવા નહીં મળ્યું હોય તેવું હશે. લોકોને આથી લાગતું હતું કે રોગચાળાને કારણે અને તેના પગલે આવેલા નિયંત્રણોને કારણે દેશના અર્થતંત્રની જે ખાનાખરાબી થઇ છે અને સામાન્ય લોકોના પોતાના અર્થતંત્રો પણ જે રીતે હચમચી ગયા છે તેમને બેઠા કરવા માટે બજેટમાં અનેક જોગવાઇઓ હશે.
ઘવાયેલા અર્થતંત્ર અને વ્યાપક દાઝેલી જનતાને શાતાદાયક મલમપટાઓ આ બજેટ વડે કરવામાં આવશે પરંતુ આજ બજેટ રજૂ થયું તેના પછી જેઓ બજેટને થોડુ ઘણુ પણ સમજવાની શક્તિ ધરાવતા હશે તેવા સામાન્ય લોકોને ચોક્કસ આંચકો લાગ્યો હશે. ‘નેવર બિફોર સીન’ની તો વાત છોડો પરંતુ ચીલાચાલુથી ઉપર ઉઠીને સામાન્ય ધ્યાનાકર્ષક બની શકે તેવું પણ આ બજેટ દેખાતું નથી. કરમાળખામાં કોઇ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી. આવકવેરાનો સ્લેબ યથાવત રાખવામાં આવ્યો છે, રાહતના નામે ૭પ વર્ષથી વધુ વયના લોકોને આઇટી રિટર્ન ભરવામાંથી રાહત આપવામાં આવી છે! સામાન્ય કરદાતાઓ કોવિડ સેસના નામથી ફફડી રહ્યા હતા તેવું કશું આવ્યું નથી એટલું સામાન્ય કરદાતા માટે રાહત રૂપ કહી શકાય ખરૂ઼.
પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ ઝીંકી દઇને છેવટે તો સામાન્ય જનતા પર જ બોજ વધારવામાં આવ્યો છે. ડીઝલ પર તો લિટરે ૪ રૂપિયા જેટલી સેસ ઝીંકવામાં આવી છે તેનાથી અનાજ, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓનું પરિવહન મોંઘુ થઇ શકે અને આ વસ્તુઓના ભાવ વધે અને છેવટે તો પ્રજાની કેડે જ આ ભાર આવવાનો છે. શેરબજારે આ વખતે બજેટને વધાવી લીધું છે! શેરબજારને પોતાને બજેટ ગમી જાય તો તે વધાવી લે, ભલે તેમાં સામાન્ય પ્રજાને કંઇ હરખાવા જેવું નહીં હોય અને આમાં આવું જ થયું છે.
બેન્કોનું ફેરમૂડીકરણ કરવામાં આવશે અને વીમા ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદા વધી જેવી બાબતો શેરબજારને ખુશ થવા જેવી લાગી હોય તો ભલે, પણ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ આમાં આનંદોચ્છવ મનાવવા જેવું કશું નથી. રોગચાળાનો મોટો માર વેઠ્યા પછી હવે આરોગ્ય ક્ષેત્ર માટેની ફાળવણીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે તે આનંદની વાત છે ખરી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગને વાજબી ખર્ચે ગુણવત્તાયુક્ત સારવારનું સ્વપ્ન હવે પછી પણ સાકાર થશે કે કેમ? તે તો એક પ્રશ્ન છે જ. લૉકડાઉન જેવા નિયંત્રણો પછી દેશમાં બેરોજગારી ખૂબ વધી છે ત્યારે રોજગારી વધે તેવા કોઇ ખાસ પગલાં પણ બજેટમાં દેખાતા નથી.
સરકારે ઘણી વસ્તુઓ પર એગ્રી ઇન્ફ્રા સેસ લાગુ પાડી છે તો અનેક વસ્તુઓ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. રોજબરોજના વપરાશની અનેક વસ્તુઓ બજેટ પછી મોંઘી થશે એમ પ્રાથમિક વિશ્લેષણો કહે છે. સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ મોંઘી થાય અને સોના-ચાંદી પર ઉત્પાદન શુલ્ક ઘટાડીને સાડા બાર પરથી સાડા સાત કરવામાં આવ્યું અને સોનાના બિસ્કિટો પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને આ મોંઘી ધાતુઓ સસ્તી કરવાનો પ્રયાસ કરવા પાછળનો તર્ક કંઇ સમજાતો નથી. આલ્કોહોલીક બેવરેજીસ પર ૧૦૦ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લાગુ પાડીને શરાબ મોંઘી કરવામાં આવી તેની સામે શરાબીઓ સિવાય કોઇને વાંધો હોય નહીં પરંતુ સામાન્ય વપરાશી વસ્તુઓ મોંઘી થાય તેવા પગલાઓ ચોક્કસ પ્રજાને ચિંતા કરાવે તેવા છે.
જો કે હજી બજેટની સંપૂર્ણ અસરો સ્પષ્ટ થતાં વાર લાગશે પરંતુ એક વાત ચોક્કસ છે કે જેવી અપેક્ષા રાખવામાં આવતી હતી અને ખુદ નાણા મંત્રી અને વડાપ્રધાને પણ બજેટ અંગે સામાન્ય પ્રજાજનોમાં જે મોટી મોટી આશાઓ જગાડી હતી તેવું તો આ બજેટ નથી જ. ‘વરને કોણ વખાણે તો વરની મા’ તે ન્યાયે વડાપ્રધાને આ બજેટને ખૂબ વખાણ્યું છે અને આત્મ નિર્ભર ભારતની ભાવનાને ચરિતાર્થ કરનારું તથા ગ્રામ્ય અર્થતંત્ર તથા કૃષિને મજબૂત કરનારું આ બજેટ છે વગેરે વગેરે કહ્યું છે તે સ્વાભાવિક છે પરંતુ આર્થિક જાણકારોને આ બજેટ આટલું બધું વખાણવાલાયક જણાતું નથી. જો કે રોગચાળા અને તેના પગલે થયેલી આર્થિક ખાનાખરાબી પછી સામાન્ય જનતા પર મોટા કરવેરાઓનો બોજ લાદવામાં આવ્યો નથી તે એક રાહતની વાત છે પરંતુ અહીં પ્રશ્ન એ ચોક્કસ થાય કે ‘ક્યારેય જોવા નહીં મળ્યું’ હોય તેવા બજેટનું નામ આપીને પ્રજાને શા માટે જંગી આશાઓ બંધાવવામાં આવી હશે?