ગઢડા: (Gadhda) ગઢડા(સ્વામીના) શહેરમાં રહેતા એક સામાન્ય પરિવારની ધોરણ પાંચમા અભ્યાસ કરતી બાળકી (Girl) ગત મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા વિદ્યાર્થીનીના પરિવારજનોએ શોધખોળના અંતે અપહરણની (Kidnapping) શંકા વ્યક્ત કરી પોલીસ ફરીયાદ નોંધાવી હતી.બાળકી અમરેલીથી મળી આવી હતી.પિતાએ ઠપકો આપતાં બાળકી ઘરેથી ચાલી ગઈ હોવાનું ખુલવા પામ્યું છે.
- ગઢડામાંથી ગુમ થયેલી ધો. 5ની વિદ્યાર્થિની અમરેલીમાંથી મળી આવી
- પિતાએ ભણવા બાબતે ઠપકો આપતા ઘરેથી નાસી છૂટી હતી
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઢડા(સ્વામીના) શહેરમાં રહેતા એક સામાન્ય પરિવારની ધોરણ પાંચમા અભ્યાસ કરતી બાળકી ગત મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા વિદ્યાર્થીનીના પરિવારજનોએ શોધખોળના અંતે બાળકી નહીં મળતા અપહરણની શંકા વ્યક્ત કરી પોલીસ ફરીયાદ નોંધાવી હતી.આ ફરીયાદ અને અપહરણ જેવી ઘટનાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે પોલીસ તરફથી શોધખોળ આદરવામાં આવી હતી. જે માટે જરૂરી પૂછપરછ અને સી.સી. ટી.વી. ફૂટેજ સહિત ચેકીંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન બાળકી અમરેલી એસ.ટી. ડેપોથી મળી આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો.
આ બાબતે બાળકી પાસેથી પોલીસને જાણવા મળેલી વિગત મુજબ પોતાના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા ઘરેથી શાળાએ જવાના બદલે સ્કૂલ ડ્રેસ બદલીને કાઈ કહયા વગર ભાગી છૂટી હતી. જે દરમિયાન પહેલા ગારીયાધાર પછી ભાવનગર, પાલીતાણા અને ત્યારબાદ અમરેલી પહોંચી હતી. આ મુસાફરી દરમિયાન બાળકીએ એ.ટી.એમ. કાર્ડનો ઉપયોગ પણ કર્યો હોવાનુ અને દસ? હજાર રૂપિયા પણ ઉપાડી ભાવનગરથી નવો મોબાઈલ ખરીદી પોતાના ઘરે રાખેલુ વધારાનુ સીમ કાર્ડ મોબાઈલમાં ચડાવી ઉપયોગ કર્યાનું જાણવા મળ્યુ હતુ. ત્યારે સમાજમાં કુમળા બાળકોના કરતૂતો અને ચિંતાજનક પરિસ્થિતિનો કિસ્સો લાલબત્તી સમાન બનવા પામેલ છે.