શહેરમાં અને જિલ્લામાં સર્વત્ર સામાન્ય વરસાદ નોંધાયો હતો. જયારે ઉપરવાસમાં વરસાદના વિરામ બાદ ડેમની સપાટી છેલ્લા ૨૪ કલાકમાં સામાન્ય ઘટાડા સાથે 325.49 ફૂટે પહોંચી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી ૨૦ ઓગસ્ટ સુધી ફરી બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે.
જો કે, હાલ શહેર અને જિલ્લામાં વરસી રહેલો વરસાદ લોકલ સિસ્ટમને કારણે પડી રહ્યો છે. જે છૂટોછવાયો અને સામાન્ય હોય છે. આ લોકલ સિસ્ટમને કારણે જ જિલ્લામાં આજે સવારથી સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બારડોલીમાં પોણો ઇંચ અને સૌથી ઓછો સુરત શહેરમાં બે મિલિમીટર નોંધાયો છે જ્યારે ઓલપાડ એકમાત્ર તાલુકો કોરોકટ રહેવા પામ્યો હતો.
ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લેતા ઉકાઇ ડેમમાં પાણીની આવક અને જાવક એક હજાર ક્યુસેક રહેવા પામી છે. અને સાથે જ ડેમની સપાટી આજે સાંજે 325.49 ફૂટ નોંધાઈ હતી. 7 ઓગસ્ટે ડેમની સપાટી વધીને 325.95 ફુટ સુધી પહોંચી હતી. જે 326 ફૂટ ક્રોસ કરે તે પહેલા જ આવક ઘટતાં આજે સપાટી અડધો ફૂટ જેટલી ઘટી ગઇ હતી.