વડોદરા : પોતાની જ મહિલાકર્મી સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનના ધારાશાસ્ત્રીએ કેટલાક મહત્ત્વના પુરાવા કોર્ટમાં રજૂ કરીને દલીલો કરતા અદાલતે વધુ સુનાવણી તા.8 સુધી મુલત્વી ઠેરવી હતી. એક પખવાડિયાથી શહેરભરમાં ચકચારી બળાત્કારના બનાવમાં સંડોવાયેલા અશોક જૈને (રહે.29, રોકડનાથ સોસાયટી, અલકાપુરી) પોલીસ ધરપકડથી બચવા સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી છે. આજે સુનાવણી દરમિયાન તપાસ અિધકારી વી.આર.ખેરે જામીન નામંજૂર કરવા કોર્ટ સમક્ષ 19 મહત્ત્વના મુદ્દાને ટાંકીને સોગંદનામું રજૂ કર્યું હતું.
સરકારી ધારાશાસ્ત્રી અનીલ દેસાઈએ દલીલો કરી હતી. બચાવ પક્ષના ધારાશાસ્ત્રી હિતેશ એલ. ગુપ્તાએ પુરાવા રજૂ કરતા કોર્ટ સમક્ષ વળતી દલીલ કરી કે, જે દિવસે પીડિતા સાથે દુષ્કર્મ આચરાયું તે દિવસે અશોક જૈન વડોદરામાં હાજર જ ના હોવાના પુરાવા રૂપે હોટલ બિલ મુસાફરીની ટીકીટ રજૂ કરી હતી. પીડિતા 14 સપ્ટેમ્બરના રોજ અશોકની ઓફિસમાં આવી હતી. તેના સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં પીડિતા બહાર ગઈ ત્યારે પણ એકદમ સ્વસ્થ પરિસ્થિતિમાં હોવાનું જણાઈ આવે છે. અલ્પુ સિંધીએ તા.14 સપ્ટેમ્બરથી જ સંપર્ક ચાલુ કર્યા હોવાના મુદ્દાને પણ કોર્ટ પર ધ્યાને લેવાયો હતો.
ગુપ્તાએ દલીલ કરી કે, એક સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર અશોક જૈન ફ્લાઈટ દ્વારા દિલ્હીથી લખનૌમાં ગયા હતા અને લખનૌમાં આવેલી ગોમતીનગરની હિલ્ટન ગાર્ડન હોટલના કિંગ ગેસ્ટરૂમમાં રોકાણ કર્યું હતું. અશોક જૈન સાથે અન્ય બે લોકો પણ ગયા હોવાના તમામ પુરાવા મળી આવ્યા હતા. બંને પક્ષોના ધારાશાસ્ત્રીઓની દલીલો લાંબા સમય સુધી ચાલી હતી. આખરે સેસન્સ કોર્ટના ન્યાયધીશ પી.ટી.પાટીલે તા.8 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.