વડોદરા: ગુજરાતમાં ૩૬મી રાષ્ટ્રીય રમતોના યોજાનાર હોવાથી રમત પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં જિમ્નાસ્ટિક અને હેન્ડબોલ આ બે રમતોની સ્પર્ધાઓ યોજાશે. ત્યારે રમતપ્રેમીઓ અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા પાલિકા દ્વારા ત્રિદિવસીય રમત કાર્નિવલ યોજ્યો હતો. જેમાં પ્રથમ દિવસે શહેરની શાળાઓમાં રમતોત્સવ, બીજા દિવસે રામતવીરોની મહા રેલી યોજાઈ હતી. જ્યારે ત્રીજા દિવસે વહેલી સવારે અકોટા દાંડિયાબજાર બ્રિજ પર સ્પોર્ટ ફન સ્ટ્રીટ એટલે કે રમત આનંદ મેળા યોજવામાં આવ્યો હતો.જેમાં રમતવીરો અને વડોદરાના નગરજનો ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ઉમટ્યાં હતા અને અનોખી મોજ મસ્તી દ્વારા રમતોત્સવને આવકાર્યો હતો.
ગુજરાતમાં યોજાનાર ૩૬મા રાષ્ટ્રિય ખેલ મહોત્સવની લોક માનસમાં ઉત્સુકતા જગાવવા અને રાષ્ટ્રીય કક્ષાના આ ખેલ મહાકુંભ સાથે વડોદરાવાસીઓને જોડવા પાલિકાએ સ્પોર્ટ ફન સ્ટ્રીટ યોજી હતી. આ સ્પોર્ટ ફન સ્ટ્રીટનો પ્રારંભ વડોદરાના મેયર, કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો દ્વારા તિરંગા બલૂન આકાશમાં ઉડાડીને આરંભ કરાયો હતો.ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોએ સ્પોર્ટ ફન સ્ટ્રીટની મુલાકાત લઈને યુવાનો યુવતીઓ તેમજ રમતવીરો દ્વારા રમાતી રમતો અને ઝુંબા ડાન્સની પ્રવૃતિઓ નિહાળી હતી.
ફન સ્ટ્રીટમાં પિંગબોલ,તીરંદાજી, ડાર્ટ ગેમ, ટર્ન બોલ ચેલેન્જ,બાસ્કેટ બોલ,મીની ટેનિસ, સાત ખેલાડીઓની ફૂટબોલ, રસ્સા ખેંચ, ચેસ અને કેરમ, સંગીતમય યોગ, કબડ્ડી, એથ્લેટિક્સ, પાવર લીફ્ટિંગ જેવી રમતો રમીને ખેલ ચેતના અભિવ્યક્ત કરી તો શહેર પોલીસ ના ટ્રાફિક વિભાગે વાહન વ્યવહાર અને વાહન ચાલકોમાં શિસ્ત અને કાયદા પાલનની જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ ફન સ્ટ્રીટ માં વડોદરા શહેરનાં પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા એ દરેક પ્રકારની રમતમાં ભાગ લીધો હતો અને પોતાનો હાથ અજમાવ્યો હતો. વધુમાં તો તેમણ ઝુંબા ડાન્સ પણ કર્યો અને ગરબે પણ ઝૂમ્યા હતા.