Charchapatra

મજા અને આનંદ

ખુશી,મજા,વ્યંગ, હાસ્ય, આનંદ વગેરે શબ્દો આમ તો એક બીજાના સમાનાર્થી કહી શકાય.  આમ છતાં જરાક વધુ વિચાર કરતાં દરેક શબ્દની મુદ્રા અને ભાવ અલગ છે એમ કહી શકાય. જેમ કે ઉપરના શબ્દ સમૂહમાંથી મજા અને આનંદ આમ તો સરખા લાગે છે પણ બંનેના ગુણધર્મો અલગ છે.મજા મર્યાદિત હોય છે જયારે આનંદ અસીમ હોય છે. મજા આપણે બહારથી   મેળવવી પડે છે. પણ આપણી ભીતરથી જે પ્રગટ છે એ આનંદ છે. મજા માટે આપણે બહાર ફરવામાં, બગીચામાં, મૂવી જોવા કે પછી ફાર્મહાઉસમાં કે રિસોર્ટમાં જવું પડે છે. આમાં આપણે પૈસા પણ ખર્ચવા પડે છે. આમાં આપણે સ્વજનો અને મિત્રોનો સાથ પણ જોઇએ છે.સાંજે અથવા થોડા દિવસના  પ્રવાસથી, પછી ઘેર  પાછા ફરીએ છીએ ત્યારે આપણે પોતાને અને મિત્રોને કહેતા ફરીએ છે કે બહુ ‘મજા ‘ પડી. આનંદમાં એક અલગ અનુભૂતિ થાય છે. જે મોટે ભાગે  પોતાના પૂરતી જ સીમિત હોય છે. પરંતુ એનો વ્યાપ વિસ્તૃત હોય છે. તમે સાવ એકલા હો અને એકલતા સતાવે નહિ એવી મનની સ્થિતિ હોય ત્યારે ભૂતકાળનો કોઈ સુખદ પ્રસંગ યાદ આવી જાય, કોઇ મિત્ર સાથે ગાળેલી સાંજની વાત હોય કે પછી કોઈ મનગમતા ગીતની પંક્તિ ગણગણવાનું   મન શરૂ કરી દે ત્યારે જે પ્રાપ્ત થાય છે એ આનંદ છે. મજા માટે ભલે ને સરસ પ્રસંગ કે વાતાવરણ હોય એમાં આપણા મૂડની હાજરી પણ જરૂરી હોય છે. એના વિના કશું જામતું નથી. જયારે આનંદ માટે તમે સહજ ભાવે સંવેદન અનુભવો છો અને તમારી વૈચારિક અનુભૂતિમાંથી મૂડ આપોઆપ જન્મે છે.
સુરત     – પ્રભાકર ધોળકિયા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top