Comments

ભાષાને કોનાથી, અને શેનાથી બચાવવી ? શા માટે?

ભાષા વિશે ગૌરવ અને એથી આગળ વધીને ગર્વ લેવામાં કોઈને કહેવું પડે એમ નથી, એમ કે, એમાં કશું વિશેષ કરવાનું નથી હોતું. પોતે માતૃભાષામાં વ્યવહાર કરતા હોઈને તેઓ ગૌરવ કે ગર્વ લે એમાં કશી નવાઈ નથી, પણ પોતાના કલ્પનાલોકમાંથી બહાર નીકળીને જુએ તો તેમને ખબર પડે કે ભાષાના શા બૂરા હાલ થયા છે! આટલું વાંચીને કોઈને બન્ને તરફના વિચાર આવી શકે કે ગુજરાતી ભાષા બાબતે આવું નથી અથવા તો ખરેખર આમ જ છે. ગુજરાતી ભાષાની સ્થિતિ જે હોય એ, મૂળ વાત તો કોઈ પણ પ્રાદેશિક ભાષાની છે. ગોવા રાજ્યની અધિકૃત ભાષા કોંકણી છે.

પ્રત્યેક ભાષામાં હોય છે એમ કોંકણીની પણ કેટલીક વિશેષતાઓ છે. કોંકણી ભાષાને ઉત્તેજન આપવાનું શ્રેય ગોવાના આર્ચડાયોસિસને જાય છે. આર્ચડાયોસિસ એટલે રોમન કેથલિક સંપ્રદાયના વડા એવા આર્ચબિશપના કાર્યક્ષેત્રનો જિલ્લો અથવા વિસ્તાર. એટલે કે સ્થાનિક ભાષાનો પ્રસાર કરવામાં ધર્મસ્થાનનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે. અલબત્ત, હવે તેનું ‘અંગ્રેજીકરણ’ થઈ રહ્યું હોવાની અને એ રીતે કોંકણી ભાષાની અસલ ખૂશ્બૂ લુપ્ત થઈ રહી હોવાની ચિંતા ભાષાપ્રેમીઓ દ્વારા સેવાઈ રહી છે. ‘અંગ્રેજીકરણ’ એટલે કોંકણીમાં વપરાતા અંગ્રેજી શબ્દો જ માત્ર નહીં! એ તો અનિવાર્ય અનિષ્ટ ગણાવી શકાય. પણ સાંસ્કૃતિક સંદર્ભ અંગ્રેજી બની જાય એ એક ઉદાહરણથી આ વધુ સ્પષ્ટ બનશે.

કહેવાય છે કે આ ભાષાના મૂળમાં ઈશ્વરની સ્તુતિનો ભાવ રહેલો છે. અંગ્રેજીમાં ‘ગુડ મોર્નિંગ’થી અભિવાદન કરવામાં આવે છે, જેને મળતું આવતું કોંકણી અભિવાદન ‘દેવ બોરો દિસ દિયમ’ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વર તમારો દિન શુભ રાખે’. આના પ્રતિભાવમાં ખરેખર ‘જેઝુ કુરપા દિયમ’ કહેવાવું જોઈએ, જેનો મતલબ થાય ‘ભગવાન ઈસુની કૃપા હજો (જેથી દિન શુભ રહે)’. તેને બદલે ગોવાનાં લોકો કહે છે, ‘તુકાઈ ભી’ એટલે કે ‘તમને પણ (એવી જ શુભેચ્છાઓ)’. અંગ્રેજીમાં ‘ગુડ મોર્નિંગ’ના પ્રતિભાવમાં ‘સેઈમ ટુ યુ’ કહેવાય છે એવો આનો અર્થ થાય.

નાતાલ કે ઈસ્ટર વેળા પાઠવાતી શુભેચ્છાના પ્રતિભાવમાં વપરાય એ રીતે આ શબ્દો રોજિંદા પ્રતિભાવમાં વપરાય છે. છેલ્લા ઘણા વખતથી કેથલિક ચર્ચમાં યોજાતી ઉજવણી વેળા ધર્મગુરુ સામાન્ય રીતે ‘દેવ બોરો દિસ દિયમ’ કહીને શ્રદ્ધાળુઓનું અભિવાદન કરે છે, જેનો પ્રતિભાવ સૌ ‘તુકાઈ ભી’ કહીને આપે છે. ‘કૃપા’ માટે વપરાતા કોંકણી શબ્દના ઉચ્ચારમાં પણ ગરબડ થાય છે. મૂળ શબ્દ છે ‘કાકલૂત’, પણ તેનો ઉચ્ચાર કરાય છે ‘કાકૂત’. વાસ્તવમાં એવો કોઈ શબ્દ કોંકણીમાં છે જ નહીં.

વાત આટલા પૂરતી હોત તો હજીય ઠીક હતું, પણ ખરી મુશ્કેલી નામોના અંગ્રેજીકરણની થઈ રહી છે. હાલ પચાસ વટાવી ગયેલા મોટા ભાગના નામ કાં બાઈબલનાં પાત્રો પરથી છે કે પછી સંતોના નામ પરથી. જન્મપત્રકમાં પેડ્રો, આન્‍તોન કે મારીઆ લખાયું હોય એવાં લોકો ખરેખર ઓળખાતા હોય પીટર, એન્‍થની કે મેરી જેવાં નામે. આધારકાર્ડ, મતદાતા ઓળખપત્ર, બૅન્‍કનાં ખાતાં વગેરે જેવા સરકારી યા અધિકૃત દસ્તાવેજોમાં તેમનાં નામ અંગ્રેજી પરથી હોય છે, જ્યારે જન્મપત્રકમાં અલગ.

આથી તેમના મરણ પછી વારસદારોએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે એની કલ્પના સહેલાઈથી કરી શકાશે. એમાંય ઘણી વાર સરકારી કચેરીઓ દ્વારા જૂના દસ્તાવેજોનો એક યા બીજાં કારણોસર નાશ કરી દેવાય ત્યારે કામ ઓર મુશ્કેલ બની રહે છે. કોંકણીને ભડાકે દેવાતી હોય એવો મુખ્ય પ્રસંગ એટલે જન્મદિનની ઉજવણી. કોંકણી ભાષામાં જન્મદિનના અભિવાદનને લગતાં સુંદર ગીતો છે, પણ જન્મદિનની ઉજવણીનાં ગીત અંગ્રેજીમાં જ ગવાય છે. અલબત્ત, હવે દેખાદેખીમાં ક્યાંક ક્યાંક કોંકણી ગીતો ગવાતાં થયાં છે ખરાં, છતાં આરંભે અંગ્રેજી ગીત ગાવું જાણે કે અનિવાર્ય બની રહ્યું છે.

એ હકીકત છે કે આ વિસ્તાર પર શાસન કરનારા પોર્ચુગીઝોએ કોંકણી ભાષાને નષ્ટ કરવાના પૂરતા પ્રયાસ કર્યા, છતાં તે ટકી રહી, એટલું જ નહીં, ગોવા ઉપરાંત મેંગ્લોર જેવાં સ્થળોએ પણ તે પાંગરી, કેમ કે, પોર્ચુગીઝોથી બચવા અનેક ગોઅન લોકો ત્યાં જઈ વસેલાં. કોંકણીને ગોવાની અધિકૃત ભાષા બનાવી ત્યારે સરકારે પ્રાથમિક શિક્ષણના સ્તરે સરકારી અનુદાન મેળવવા માટે કોંકણી અને મરાઠી માધ્યમને ફરજિયાત બનાવ્યું. જો કે, ઘણી શાળાઓમાં હવે મોટે ભાગે માધ્યમ અંગ્રેજી હોવાથી કોંકણીનો ઉપયોગ સીમિત બની રહ્યો છે.

આથી અધિકૃત ભાષા હોવા છતાં સરકારી વ્યવહારોમાં સુદ્ધાં કોંકણીનો ઉપયોગ ખાસ જોવા મળતો નથી. આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે ગોવાનાં હિંદુઓ દ્વારા બોલાતી અંત્રુઝી કોંકણીમાં હજી અંગ્રેજી શબ્દો ખાસ પ્રવેશ્યા નથી. અહીંનાં હિંદુઓ મોટે ભાગે અંત્રુઝી કોંકણીનો ઉપયોગ કરે છે, જ્યારે કેથલિક લોકો અંગ્રેજીનો. વક્રતા એ છે કે આ કેથલિકો ગોવાની બહાર જાય ત્યારે કોંકણી વાપરે છે, કેમ કે, તેઓ અંગ્રેજી બોલે તો આસપાસના મોટા ભાગનાં લોકો એ સમજી શકે.

વ્યવહારુ રીતે વિચારીએ તો કોઈ પણ ભાષા એ સાધન છે, સાધ્ય નથી. આમ છતાં, એ કેવળ સાધન બનીને મર્યાદિત રહી શકે એમ નથી, કેમ કે, પ્રત્યેક ભાષાને પોતાનો વારસો હોય છે અને એની પરંપરા હોય છે, જેને લઈને એ પોતાની ઓળખ મેળવે છે. કોંકણી વિશે આટલી વાત કર્યા પછી ગુજરાતી વિશે અલગથી વાત કરવાપણું રહ્યું છે ખરું? એટલું સમજીએ તો પણ ઘણું કે ભાષા બચશે એના ઉપયોગથી, એમાં થતા વ્યવહારથી અને એની લવચીકતાથી. ઠાલું ગૌરવ કે ગર્વ લેવાથી કે ‘ભાષા બચાવો’ની ખોટેખોટી બૂમરાણ મચાવવાથી ભાષા નહીં બચે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top