પાકિસ્તાનમાં છેલ્લા 4 વર્ષની સૌથી મોટી રાજકીય ઉથલપાથલનો મંચ તૈયાર થઈ ગયો હતો પરંતુ આખરે વડાપ્રધાન ઈમરાન ખાનને રાહત મળી છે. ડેપ્યુટી સ્પીકરે વિદેશી શક્તિની સંડોવણીનો હવાલો આપીને વડાપ્રધાન ઈમરાન ખાન સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ નામંજૂર કર્યો. પાકિસ્તાનની સંસદમાં ભારે મોટો ડ્રામા થયો છે. પાકિસ્તાનની સંસદે વડાપ્રધાન ઈમરાન ખાન સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. કાસિમ ખાન સૂરીએ જણાવ્યું કે, અન્ય કોઈ દેશને પાકિસ્તાનની સરકાર ભંગ કરવા પ્રયત્ન કરવાનો અધિકાર નથી. આ સાથે જ સદનમાં મતદાન નથી થઈ શક્યું અને પાકિસ્તાન નેશનલ અસેમ્બલીની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી છે. આગામી 25 એપ્રિલના રોજ સંસદની આગામી બેઠકનું આયોજન થશે. હવે ઇમરાન ખાનની વાત કરીએ તો ક્રિકેટર તરીકે સમગ્ર પાકિસ્તાનીઓના દિલ ઉપર સમ્રાટ તરીકે રાજ કરનારા ઇમરાનની રાજકીય કારકિર્દી થોડા સમય પહેલા જ શરૂ થઇ હતી.
ત્યારબાદ 2018માં તેમની પાર્ટી પાકિસ્તાન તહેરિકે ઇસ્લામ એટલે કે, પીટીઆઇને બહુમત મળતાં તેઓ વડા પ્રધાન બન્યા હતાં. શરૂઆતમાં આઇએસઆઇ અને સેના સાથે તેમના સંબંધ મજબૂત હતાં. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં તેઓ મોંઘવારી ઉપર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગયા હતાં. તેમની વિદેશ નિતીને પણ કોઇ મોરચે સફળતા મળી ન હતી. છેલ્લા કેટલાક સમયથી તેમના સેના ચીફ બાજવા સાથે પણ સંબંધ સારા રહ્યાં ન હતાં. જેના કારણે તેમને ઉથલાવવાનો તખ્તો ગોઠવાઇ ગયો હતો. તેઓ પણ તેમનો કાર્યકાળ પૂરો કરે તે પહેલા જ પાકિસ્તાનનો જે સિરસ્તો છે તેની ભેંટ તેઓ ચડી ગયા છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી 32 વડા પ્રધાન બની ચૂક્યા છે પરંતુ કોઇ એકે પણ પાંચ વર્ષ પૂર્ણ કર્યા નથી. પાકિસ્તાનના અત્યાર સુધીના વડા પ્રધાનની વાત કરીએ તો લિયાકત અલી ખાનનો કાર્યકાળ 50 મહિના 2 દિવસ, ખ્વાજા નજીમુદ્દીન કાર્યકાળ 24 મહિના મોહંમદ અલી બોગરાનો કાર્યકાળ 27 મહિના, ચૌધરી મોહંમદ અલીનો કાર્યકાળ 13 મહિના, હુસેન શહીદ સુહરાવર્દી કાર્યકાળ 13 મહિના જ રહ્યો હતો. પાકિસ્તાનની આઝાદીના પહેલા 10 વર્ષમાં જ ત્યાના વડા પ્રધાનોની આ હાલત હતી.
પછી સ્થિતિ સુધરે તેમ લાગતું હતું. પરંતુ ત્યાર બાદ પણ જે વડા પ્રધાન બન્યા તેમના કાર્યકાળ ઉપર એક નજર કરીએ તો ઇબ્રાહીમ ઇસ્માઇલ ચુંદરીગરનો કાર્યકાળ2 મહિના ફિરોઝખાનનો કાર્યકાળ 9 મહિના, ઐયુબ ખાનનો કાર્યકાળ 4 દિવસ, નૂરુલ અમીનનો કાર્યકાળ 13 દિવસ, ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો કાર્યકાળ 46 મહિના, મોહંમદ ખાનનો 38 મહિના, બેનજીર ભુટ્ટોનો 20 મહિના અને ગુલાબ મુસ્તૂફા પણ 3 મહિના માટે જ વડા પ્રધાન રહ્યાં હતાં. 1990 પછીની વાત કરીએ તો નવાબ શરીફ 29 મહિના, બલખ શેર મઝારી 1 મહિના, નવાઝ શરીફ 1 મહિના, મોયૂદ્દીન અહમદ 3 મહિના, બેનઝીર ભૂટ્ટો 36 મહિના અને મલિક મિરાજ 3 મહિના સુધી વડા પ્રધાન રહ્યાં હતાં. આઝાદીના વર્ષો બાદ એટલે કે, 1995 પછી પણ પાકિસ્તાનના વડા પ્રધાનની હાલત આયારામ ગયારામ જેવી જ રહી હતી. 1997માં બનેલી નવાઝ શરીફની સરકાર 31 મહિના, જફરૂલ્લાહ ખાન જમાલીની સરકાર 19 મહિના, ચૌધરી શુજાતહુસેનની સરકાર માત્ર 1 મહિનો જ ટકી હતી.
છેલ્લા પંદર વર્ષની વાત કરીએ તો શૌકત અઝીઝ 38 મહિના તો મોહમ્મ્મદ મીંયા સુમરો માત્રા 4 મહિના જ વડા પ્રધાન રહ્યાં હતાં. યુસુફ રજા ગિલાની 50 મહિના 25 દિવસ, રઝા પરવેઝ 9 મહિના, મીર હજાર ખાન 2 મહિના, નવાજ શરીફ 49 મહિના, શાહીદ ખાકાન અબ્બાસી 9 મહિના અને નસીર ઉલ મુલ્ક 1 મહિનો જ વડા પ્રધાન તરીકે રહ્યાં હતાં. પાકિસ્તાનના બે વડા પ્રધાન તો એવા છે કે જેમણે એક મહિનાનો કાર્યકાળ પણ પૂર્ણ કર્યો નથી જ્યારે ચાર એવા છે કે, જેમનો કાર્યકાળ માત્ર એક મહિનો જ રહ્યો છે. બાકી બધા પણ આયારામ ગયારામ જેવા જ છે. હવે મુખ્યવાત એ છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન એક મહિના માટે હોય કે પછી ચાર વર્ષ માટે પરંતુ કાશમીરનો રાગ આલાપતા જ રહે છે.
આઝાદીથી અત્યાર સુધી પાકિસ્તાનના વડા પ્રધાનોથી તેમનો દેશ તો સચવાતો નથી. પહેલા તેમણે તેમનો દેશ સાચવવો જોઇએ અને પછી ભારત તરફ નજર કરવી જોઇએ. પરંતુ અત્યાર સુધીની હાલત એ છે કે, પાકિસ્તાન સચવાતું નથી અને મુખ્ય એજન્ડા કાશમીર હોય છે. કાશમીર જ એવો ઇસ્યુ છે કે, જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન પ્રજાની વાહવાહી લૂંટી શકે છે. અને કાશમીરનું નામ લઇને તેઓ પણ અત્યાર સુધી ત્યાંની પ્રજાની લાગણી સાથે જ રમતા આવ્યા છે. ખરેખર તો પાકિસ્તાનની પ્રજાએ જ ત્યાંના વજીરે આઝમ જે રૂપકડું નામ દેખાઇ છે તેમને પૂછવું જોઇએ કે, પાકિસ્તાન સચવાશે કે નહીં? સત્તા સચવાશે કે નહીં? જો તેની હા હોય તો ત્યાર પછી જ કાશમીરનો રાગ આલાપવો જોઇએ. આર્થિક રીતે પાયમાલ બની ગયેલું પાકિસ્તાન અને તેના નેતાઓ કાશમીરના નામે જે રાજકારણ કરે છે તે જ હાસ્યાસ્પદ છે. કારણ કે, જે લોકો પોતાનો દેશ સાચવી નહીં શકતા હોય તેમણે પડોશી દેશના કોઇ પ્રાંત કે તેની નીતિ ઉપર ચર્ચા કરવી જોઇએ નહીં.