નડિયાદમાં હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત નિપજ્યાનો કથિત આક્ષેપ

નડિયાદ : નડિયાદ ખાતે આવેલ મહાગુજરાત હોસ્પિટલમાં ગત શનિવારે ૩૯ વર્ષીય મહિલાનું કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. જે બાદ મહિલાને હાર્ટમાં તકલીફ થતાં આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલની બેદરકારીને કારણે આ મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે તેમના પરિવારજનો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાના ઓડ ગામમાં રહેતાં હસમુખભાઈ રોહિતના પત્નિ રમીલાબેન ગત શનિવારના રોજ કોથળીનું ઓપરેશન કરાવવા માટે નડિયાદની મહાગુજરાત હોસ્પિટલ આવ્યાં હતાં. જ્યાં તેઓએ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર લેવાની પ્રક્રિયા કરી હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ રમીલાબેનનું કોથળીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. જોકે, ઓપરેશન થયાંના ગણતરીના કલાકો બાદ રમીલાબેનને એકાએક હાર્ટમાં તકલીફ થવા લાગી હતી. જેથી તેઓને તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના નર્સ સ્ટાફ દ્વારા રમીલાબેનને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, જે તે વખતે હોસ્પિટલમાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર હાજર ન હોવાથી રમીલાબેનને યોગ્ય સારવાર મળી શકી ન હતી. જેને પગલે રમીલાબેનનું સોમવારના રોજ વહેલી સવારે કરૂણ મોત નિપજ્યું હતું. આ મામલે રમીલાબેનના સ્વજનો દ્વારા ભારે હોબાળો મચાવી હોસ્પિટલ સંચાલકો ઉપર ગંભીર આરોપો મુક્યાં કર્યાં છે.

મૃત્યુ બાદ પણ સ્ટાફ દ્વારા દવાઓ મંગાવવામાં આવી હોવાનો આક્ષેપ
મૃતક રમીલાબેનના પરિવારજનોએ ગુજરાતમિત્રની ટીમ સાથે કરેલી વાતચીત દરમિયાન મહાગુજરાત હોસ્પિટલના સ્ટાફ ઉપર ગંભીર આરોપ મુકતાં જણાવ્યું હતું કે, હોસ્પિટલની બેદરકારીને કારણે રમીલાબેનનું મોત નિપજ્યું છે. હોસ્પિટલના તબીબો, સ્ટાફ તેમજ સંચાલકોની માનવતા મરી પરવારી છે. રમીલાબેનનું મૃત્યુ નિપજ્યાં બાદ પણ અમારી પાસે દવાઓ મંગાવવામાં આવી રહી હતી.

આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરાવી હોવા છતાં હોસ્પિટલમાં ૨૫ હજારનું બિલ ચુકવવું પડ્યું
રમીલાબેન રોહિતે આયુષ્યમાન કાર્ડ હેઠળ મહાગુજરાત હોસ્પિટલમાં કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. સામાન્ય કહી શકાય તેવા કોથળીના ઓપરેશનમાં દર્દીનું મોત નિપજવાની શક્યતા એક ટકા કરતાં પણ ઓછી છે. જોકે, આ કિસ્સામાં હોસ્પિટલની બેદરકારીને કારણે રમીલાબેનનું મોત નિપજ્યું છે. રમીલાબેનની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ કરવામાં આવી હોવા છતાં હોસ્પિટલતંત્ર દ્વારા રૂપિયા ૨૫ હજારનું બિલ બનાવવામાં આવ્યુ હતું અને બિલ ચુકવ્યાં બાદ જ મૃતક રમીલાબેનની બોડી મળશે તેવું જણાવ્યું હતું. જેથી અમે હોસ્પિટલનું બિલ ચુકવ્યું છે. – એન એસ રોહિત (મૃતકના કુટુંબીભાઈ)

ડોક્ટર હાજર ન હોવાથી અન્ય જગ્યાએ રિફર ન કરાયાં
રમીલાબેનની સર્જરી પૂર્ણ થયાંના થોડા જ સમયમાં તેઓને હાર્ટની તકલીફ શરૂ થઈ હતી. જોકે, તે વખતે મહાગુજરાત હોસ્પિટલમાં હાર્ટના ડોક્ટર હાજર ન હોવાથી રમીલાબેનની હાલત ગંભીર બની હતી. જેથી અમે હોસ્પિટલના સ્ટાફ સાથે વાતચીત કરી હતી. ત્યારે સ્ટાફે ડોક્ટર રજા પર છે, અમે કશુ કરી શકીએ નહીં તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. બીજી બાજુ તેણીને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી તેઓને અન્ય કોઈ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવા માટે પણ અમે સ્ટાફને જણાવ્યું હતું. જોકે, સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ હોસ્પિટલમાં રિફર કરી શકાશે નહીં તેમ કહી મુક્ત કર્યાં ન હતાં. રાહુલ રોહિત (મૃતકનો ભત્રીજો)

રમીલાબેન કોથળીનું ઓપરેશન કરાવવા માટે ચાલીને હોસ્પિટલ ગયાં હતાં
રમીલાબેન રોહિતને કોથળીનું ઓપરેશન કરાવવાનું હોઈ તેઓ ગત તા.૫-૨-૨૨ ના રોજ નડિયાદ ખાતે આવેલ મહાગુજરાત હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. તે વખતે તેઓને શરીરમાં કોઈ તકલીફ ન હતી. તેઓ જાતે ચાલીને હોસ્પિટલના ઓપરેશન થિયેટર સુધી પહોંચ્યાં હતાં. જ્યાં ઓપરેશન પૂર્ણ થયાંના થોડા સમય બાદ રમીલાબેનને હાર્ટમાં તકલીફ થઈ હતી. જેની સારવાર દરમિયાન રમીલાબેનનું મોત નિપજ્યું છે

Most Popular

To Top