શહેરા: શહેરા નગર અને તાલુકામાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો જ્યારે શુક્રવારના રોજ પણ મેઘરાજા મન ભરીને વરસતા બે ઇંચ વરસાદ થવા સાથે અણીયાદ ચોકડી પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા સબંધિત તંત્રની પ્રિ મોન્સુન કામગીરી ની પોલ ખુલી ગઇ હતી.તાલુકા ના સાદરા ગામ માં 15 વર્ષીય બાળક પર વીજળી પડતા મોત નિપજ્યુ હતુ.અને ડેમલી ગામમાં ભારે વરસાદના કારણે મકાનની છત ધરસાઈ થતા એક પરિવારનો આબાદ બચાવ થયો હતો.વરસાદ ખેંચાતા ધરતી પુત્રો ભારે ચિંતીત થઈ ઉઠ્યા હતા.
જ્યારે ગુરૂવાર અને શુક્રવાર ના રોજ વરસાદી માહોલ જામવા સાથે મેઘરાજા મન ભરીને વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી. નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી.આ હાઇવે માર્ગ ઉપર દર વર્ષે ચોમાસાની સિઝન માં સામાન્ય વરસાદ પડે તો પણ વરસાદી પાણી ભરાઈ જતા હોય તેમ છતાં એલ એન્ડ ટી કંપની અને સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહી આવતા શાન્તા કુંજ સોસાયટીના રહીશો નો આક્રોશ જોવા મળી રહયો હતો.
જ્યારે વીજળી ના કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદથી તાલુકાના સાદરા ગામના ટીંબાના મુવાડા વિસ્તારમાં રહેતા 15 વર્ષીય કિશોર હર્ષદ માછી પોતાના ખેતરમાંથી ઘરે પરત જઈ રહયો હતો ત્યારે તેના પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતુ.બીજી તરફ ડેમલી ગામમાં પણ ભારે વરસાદના કારણે મકાનની છત ધરાસાઈ થઈ જતા કોઈ જાનહાનિ ન થવા સાથે એક પરીવારનો આબાદ બચાવ થયો હતો. તાલુકા વિસ્તારમાં બે દિવસમાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.