દાહોદ: સજીવ અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય ખેડૂત મિત્રોને નજીવા ખર્ચે પર્યાવરણ પ્રિય કૃષિ ઉત્પાદન કરવામાં અને નફાનું ધોરણ વધારવામાં મદદરૂપ થઈ રહી છે. આવા જ એક કિસ્સામાં મોરવા (હ) તાલુકાના વંદેલી ગામના મહિલા પ્રગતિશીલ ખેડૂત ગીતાબેન દિલીપભાઈ બારીયાએ ખંતપૂર્વક મહેનત કરીને સ્થિર આવક ઉભી કરી, પગભર બનીને કુટુંબ તેમજ ગામમાં આગવી ઓળખ ઉભી કરી છે.
શરૂઆતમાં સમાજમાં રહી અમુક સામાજિક બંધનો-પરંપરાઓના લીધે માત્ર ઘર કામ કરતા અને ઘર તેમજ કુટુંબના વડીલો જે રીતે કહે તે રીતે કામ કરીને ગીતાબેને જીવન પસાર કરવાની શરૂઆત કરી. ત્યાર બાદ પ્રાથમિક શાળામાં બાળકોના મધ્યાહન ભોજન માટે સંચાલકની સેવા આપવાની શરૂઆત કરી.
આ સેવા કરતા-કરતા તાલુકામાં મીંટીગ દરમિયાન તેમને આત્મા કચેરી અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ વિશે જાણ થઈ. તેમના મારફતે બીજા તેમના જેવા જ થોડા આગળ પડતા ખેડુતોની મુલાકાત કરી અને આધુનિક ખેતી અને સજીવ ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું.
એક સ્ત્રી હોવા છતા આત્મવિશ્વાસપૂર્વક આત્મા પ્રોજેક્ટમાં ગ્રુપ લીડર તેમજ ગામમાં ખેડુત મિત્ર તરીકે સેવા આપવાનું શરૂ કર્યુ. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા બહારની તાલીમમાં વર્મી કમ્પોસ્ટ બનાવવાની સંપૂર્ણ માહિતી મેળવી. ત્યારબાદ તેમણે પોતે નાનાપાયે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું શરૂ કર્યુ.
શરૂઆતના એક થી બે મહિના સંઘર્ષ દરમ્યાન સફળપૂર્વક વર્મી કમ્પોસ્ટ બનાવ્યું. પોતાના ઘર આંગણે શાકભાજી અને મકાઇમાં તેનો ઉપયોગ કર્યો. તેનું પરિણામ સારૂ આવ્યા બાદ નિર્ણય કર્યો કે તેઓ ખેતીમાં આગળ વધશે. મક્કમ નિર્ણયના લીધે તેમણે આત્મનિર્ભર યોજના હેઠળ ગાય નિભાવ ખર્ચ મેળવીને દેશી ગાયના મળ-મુત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યુ.
શૂન્ય બજેટની આ ખેતીથી ખાતર, જીવાત નિયંત્રણ દવાઓ બનાવી ઉપયોગ કરીને અન્ય બહેનોને પણ ખેતીમાંથી સારી આવક મેળવી શકે તે હેતુથી માર્ગદર્શન પુરુ પાડવાની શરૂઆત કરી. હાલના સમયમાં તેઓ સજીવ અને પ્રાકૃતિક ખેતી પેદાશોનું જેવા કે આદુ, પતરવેલ, તુવર પાપડી અને લીલી મકાઇ જાતેજ બજારમાં જઇને વેચાણ કરે છે અને તેમાંથી રૂ. ૧ થી ૧.૫ લાખ સુધીની વાર્ષિક આવક તેઓ મેળવી રહ્યા છે. વધુમાં સ્વ સહાય જુથો બનાવીને પણ તેઓએ અન્ય બહેનોને મદદરૂપ થઇને સમાજમાં સ્ત્રી શકિતનો પરિચય આપ્યો છે.