Sports

બલબીર સિંહ સિનિયરથી લઈને નીરજ ચોપરા સુધી

રમતજગતમાં ઘણીવાર કોઇ એક દિવસ મહત્વનો બની જાય છે અને એ જોગાનુજોગ એવો હોય છે ઘણીવાર એ કોઇને ધ્યાને પણ ચડતો નથી. હવે જો આપણે ભારતીય રમતજગતને ધ્યાને લઇએ તો 24 જુલાઇનો દિવસ ભારતીય રમતજગત માટે ખાસ બની રહ્યો છે. અલગઅલગ સમયે અલગઅલગ વર્ષોમાં 24 જુલાઇનો દિવસ ભારત માટે ત્રણ મેડલ લાવનારો રહ્યો છે. જેમાં એક મેડલ હોકીમાં, એક મેડલ વેઇટ લિફ્ટીંગમાં તો એક મેડલ ભાલા ફેંકમાં આવ્યો છે. જો આ બાબતે વિસ્તારથી સમજીએ તો હોકીના દિગ્ગજ બલબીર સિંહ સિનિયરે 1952માં હેલસિંકીમાં રમાયેલી ઓલિમ્પિક્સની ફાઇનલ દરમિયાન પાંચ ગોલ કરવાના રેકોર્ડથી લઈને ટોક્યોમાં 2021માં મીરાબાઈનો ઐતિહાસિક ઓલિમ્પિક્સ સિલ્વર અને યુજીનમાં નીરજ ચોપરાના વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો સિલ્વર મેડલ, આ બધુ જ 24 જુલાઈએ બન્યું છે અને તેથી 24 જુલાઇની તારીખ ભારતીય રમતગમતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલી છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ યુએસએના યુજીનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ વખત સિલ્વર મેડલ જીતાડીને ઈતિહાસ રચ્યો હતો. અગાઉ 2003માં અંજુ બોબી જ્યોર્જે પેરિસમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ ઓવરઓલ મેડલ મામલે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારો નીરજ બીજો ભારતીય રહ્યો છે, પણ સિલ્વર જીતનારો તે પહેલો ભારતીય બન્યો છે.

બલબીર સિંહ સીનિયરનો પાંચ ગોલ સાથે ઓલિમ્પિક્સ હોકીની ફાઇનલમાં વિક્રમી દેખાવ
આપણે 24 જુલાઇના દિવસના ભારતીય રમતજગતમાં મહત્વ અંગે વિસ્તારથી સમજીએ તો સૌથી પહેલા 1952ના હેલસિંકીમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં, 24 જુલાઈના રોજ રમાયેલી ફાઇનલમાં ભારતીય પુરુષ હોકી ટીમે નેધરલેન્ડ્સને 6-1થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ જીતના શિલ્પકાર હતા બલબીર સિંહ સિનિયર કે જેમણે એ ફાઇનલમાં પાંચ ગોલ કર્યા હતા. ઓલિમ્પિક્સ હોકી ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તેમણે બનાવ્યો હતો અને એ રેકોર્ડ આજે 70 વર્ષ પછી પણ અકબંધ છે. આજ સુધી ઓલિમ્પિક્સ હોકીની ફાઇનલમાં વિશ્વનો કોઇ ખેલાડી પાંચ ગોલ કરી શક્યો નથી અને બલબીર સિંહ સીનિયરનો એ રેકોર્ડ હાલમાં રમાતી હોકીને ધ્યાને લેતા તૂટે તેવી પણ સંભાવના દેખાતી નથી. ભારતે ઓલિમ્પિક મેન્સ હોકીમાં આઠ વખત ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાં આઝાદી પહેલા 1928થી 1936, એમ ત્રણ વખત અને આઝાદી પછી 1948, 1952, 1956, 1964 અને 1980માં ગોલ્ડ મેડલ જીત્યા છે.

મીરાબાઇ ચાનુ ટોક્યો ઓલિમ્પિક્સ વેઇટલિફ્ટીંગમાં સિલ્વર જીતનારી પહેલી ભારતીય મહિલા
બલબીર સિંહ સીનિયરના પાંચ ગોલના રેકોર્ડ વાળી એ ફાઇનલ પછી ફરી એકવાર 24 જુલાઇનો દિવસ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2020 દરમિયાન ભારત માટે મહત્વનો બન્યો હતો. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ એક વર્ષ મૂલતવી રહ્યા પછી યોજાઇ હોવાથી તેને ટોક્યો ઓલિમ્પિક્સ 2020 તરીકે જ ઓળખવામાં આવી હતી અને એ ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે 24 જુલાઈ ફરી એક વાર લકી ડેટ રહી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં તે જ દિવસે, સાઈખોમ મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિગ્રાની વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું. ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા વેઇટલિફ્ટર બની હતી. મીરાબાઇએ મેડલની એવી બોણી કરાવી હતી કે જેના કારણે ભારતે પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત કુલ 7 મેડલ જીત્યું હતું, જે છેલ્લા ચાર દશકામાં ભારતનો ઓલિમ્પિક ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો.

નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનારો પહેલો ભારતીય એથ્લેટ
મીરાબાઇ ચાનુના એ સિલ્વર પછી હવે 2022માં ફરી એકવાર 24 જુલાઇનો દિવસ ભારતીય રમતજગત માટે રૂપેરી સવાર લઇને આવ્યો હતો. આ વખતે ગેમ્સ હતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને રમત હતી ભાલા ફેંકની. યૂજીનમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ભારતના ઓલિમ્પિક્સ ચેમ્પિયન નીરજ ચોપરાએ ઘાયલ હોવા છતાં 88.13 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનો આ રોક્ડો એકમાત્ર મેડલ રહ્યો હતો. તેની સાથે કુલ મળીને છ ભારતીયો અલગઅલગ રમતમાં ફાઇનલ સુધી તો પહોંચ્યા હતા પણ તેમાંથી કોઇ મેડલ જીતી શક્યું નહોતું, એકમાત્ર નીરજ સિલ્વર મેડલ જીતી શક્યો હતો,. તે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. તેના પહેલા ભારતને આ ચેમ્પિયનશિપમાં માત્ર બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જે 2003માં અંજુ બોબી જ્યોર્જ જીતી હતી.

Most Popular

To Top