દોસ્તી એ એવો સંબંધ છે, જેમાં ન હોય માન, ન હોય અપમાન, ના સોરી, ના થેંકસ, ન પ્રતિસ્પર્ધા, ન પ્રદર્શન. એ જ તો છે દોસ્તીનો સુખદ અનુભવ. જેને આપણે થોડીક કાળજી રાખીને જીવંત રાખી શકીએ છીએ અને એવાં ભાગ્યશાળીઓમાં સામેલ થઇ શકીએ છીએ જેમને ગર્વ છે પોતાના દોસ્ત અને દોસ્તી પર. કહેવાય છે કે માનવીને અન્ય બધા જ સંબંધો જન્મથી મળે છે પરંતુ દોસ્ત તો પોતાની મરજીથી મેળવી શકે છે. અર્થાત્ આપણી પાસે દોસ્ત માટે વિકલ્પ રહે છે કે આપણે કોને મિત્ર બનાવવો અને કોને નહીં?
એવું પણ કહેવાય છે કે સારો મિત્ર નસીબવાળાને મુશ્કેલીથી મળે છે પરંતુ એ પણ કહેવાયું છે કે તમારામાં દોસ્તી નિભાવવાના ગુણો હશે તો તમને દોસ્તોની અછત નહીં પડે. આપણાં સૌની જિંદગીમાં એક વ્યકિત એવી હોય છે જેની સમક્ષ હૈયાનો ઊભરો ઠાલવી શકાય છે કોણ છે એ? મિત્ર…! ‘ફ્રેન્ડશીપ ડે’ એટલે યંગસ્ટર્સ માટે માનીતો દિવસ. વિશ્વાસ અને શ્રધ્ધા, પ્રેમ અને આત્મીયતા, નિખાલસતા અને ખુલ્લાપણું પ્રામાણિકતા અને સાદાઇ, કદર અને સ્વીકાર તથા માન અને સન્માન એ દોસ્તીનાં લક્ષણો છે.
- ટૂંકમાં – ‘જિંદગી કે તૂફાનોંકા સાહિલ હૈ દોસ્તી
- દિલ કે અરમાનોં કી મંઝિલ હૈ દોસ્તી
- જિંદગી ભી બન જાયેગી અપની તો જન્નત
- અગર મૌત આને તક સાથ દે દોસ્તી
દોસ્તીમાં મજબૂતી એમનેમ નથી આવતી. અહીં અપેક્ષા વગરની કુરબાની માટેની તૈયારી જોઇએ. અહીં ટેઇક એન્ડ ગીવની નીતિ નહીં ચાલે, કંઇ ન મળે તો પણ આપવાની દરિયાદિલી જોઇએ. મૈત્રી તો એક વિરાટ આભ છે.
વિશાલ અને કિશન ખાસ મિત્રો. વિશાલ એના પપ્પા-મમ્મી સાથે કુલુ – મનાલી ફરી આવ્યો. આવીને તરત જ કિશન માટે લાવેલી ગિફટ આપવા ગયો. કિશને પૂછયું – પ્રવાસમાં બહુ મજા પડી હશે ખરું? વિશાલે કહ્યું ‘હા દોસ્ત, ખૂબ મજા આવી, તું સાથે હોત તો ઓર મજા પડત.’ કિશનને મનમાં થયું કે અમારા એવા નસીબ કયાં? તે બોલ્યો, વિશાલ વેકેશનમાં મારા ઘરે મને ઘણું કામ રહેતું – મમ્મી ભોજનાલય ચલાવે છે ને તેથી ટિફિન તૈયાર કરી પહોંચાડવાનાં. હવે તો કંટાળો આવે છે.’’ વિશાલે કહ્યું. હું તો સ્કૂલ કયારે શરૂ થાય તેની રાહ જોઉં છું.
આપણા નવમા ધોરણનો કોર્ષ બહુ હાર્ડ છે એવું સાંભળ્યું છે. ગઇકાલે જ હું પપ્પા સાથે બજારમાં જઇને ચોપડાં – નોટબુકસ, નવી સ્કૂલ બેગ વગેરે લઇ આવ્યો. તું ઘરે કયારે આવે છે? તને આપણા કલાસના દોસ્તોમાંથી કોઇ મળે છે? હવે તો સ્કૂલ શરૂ થાય તો નવું નવું જાણવાનું, શીખવાનું મળે. અને મિત્રો સાથે મોજમસ્તી કરીએ.’’ કિશને રડમસ સ્વરે કહ્યું – ‘વિશાલ મને તો એમ થાય છે કે સ્કૂલ શરૂ જ ન થાય તો સારું’ વિશાલે કહ્યું – ‘કેમ આવું બોલે છે? તારા જેવા હોંશિયાર છોકરા પાસેથી આવા શબ્દ સાંભળીને નવાઇ લાગે છે.’ કિશન કહે – ‘મારા પપ્પા તેમના ટૂંકા પગારમાંથી સ્કૂલની ફી – પુસ્તકો – નોટબુકસ, યુનિફોર્મ કંઇ લાવી શકે એમ નથી, અમારી સ્થિતિ ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ તેવી છે.’
વિશાલે કિશનના ખભે હાથ મૂકીને કહ્યું – બસ આટલી વાતમાં મારા દોસ્ત નિરાશ ન થા – તું એ બધી ચિંતા છોડ – જરૂરિયાતમંદ વિદ્યાર્થીને મારી મમ્મી હંમેશાં મદદરૂપ થાય છે. તે બધી વ્યવસ્થા કરી દેશે. બસ – હવે તો તારું કામ થઇ ગયું – બસ ચિંતા છોડી હવે તો સ્માઇલ આપ.’ કહીને વિશાલે તેને ધબ્બો માર્યો. કિશને કહ્યું – ‘દોસ્ત તારો ખૂબ ખૂબ આભાર!’ ‘‘એમાં આભાર શું દોસ્તને મુશ્કેલ સમયે મદદ કરવી એ તો સાચી દોસ્તી છે. મેરી દોસ્તી મેરા પ્યાર!’’
તમારા જીવનમાં આવો એકાદ પણ મિત્ર છે ખરો? એકાદના જીવન માટે પણ તમે આવા મિત્ર બન્યા છો ખરા? યાદ રાખજો, સ્વજનો જન્મથી મળી જાય છે, પણ આવો માળી મિત્ર તો શોધવો પડે છે, જીવનને માંજી દે એવા માળી મિત્ર શોધતાં તો નવનેજાં પાણી ઉતરી જાય છે. મૈત્રી હાથને બળ આપે છે તો ખભાને મજબૂત પણ કરે છે, સાથે સાથે પગને પાંખ આપે અને આંખને દૃષ્ટિ પણ આપે છે. જેના સાન્નિધ્યમાં પહાડ જેવું દુ:ખ પીંછાં જેવું લાગે. આપણે ધરતી થઇને તરસીએ ત્યારે વરસાદ થઇને વરસે એ મિત્ર.
તો વાચકમિત્રો! મિત્રો એટલે જીવનનો આનંદ, દુ:ખનો ભાગાકાર અને સુખનો સરવાળો… ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધવાથી જ મિત્રતા ગાઢ બને છે એવું હોતું નથી. મિત્રતા તો હૃદયમાંથી પ્રગટે. આપણા મિત્રો આપણને ઘડે છે. એમનો ઘણો પ્રભાવ આપણા પર જાણેઅજાણે પડતો હોય છે. સજજનની દોસ્તી જીવનને ઉજમાળે છે તો ખરાબ સંગત આપણને દુરાચાર – કુમાર્ગે દોરી જાય છે. હવે તો ઇન્ટરનેટની મદદથી દેશવિદેશના મિત્રો થઇ શકે છે. ફેસબુકિયા મિત્રો – વોટસપિયા મિત્રો. ‘ઇ મિત્રો’. હવે વૈશ્વિક મિત્રતાની નવી વિભાવના આવી ચૂકી છે.
યંગસ્ટર્સ એમાં જ રચ્યાપચ્યા રહે છે. મોબાઇલ જ એમનો સૌથી મોટો મિત્ર. તો મિત્રો, ફ્રેન્ડશીપ દિને આપણે આપણા એવા મિત્રોને યાદ કરીએ કે જેઓએ આપણા જીવનમાં કશુંક ઉમેર્યું છે. કશોક અર્થ આપ્યો છે અને હૃદયમાં હંમેશ માટે જડાઇ ગયા છે. એ જ મિત્રતાની સાચી ઉજવણી. ફ્રેન્ડશીપ ડેની ઉજવણી ત્યારે જ સાર્થક ગણાય. મૈત્રીની સંજ્ઞાનો સાચો મહિમા સમજીએ. ફકત મિત્રો સાથે જ નહીં પરિવારના સભ્યો સાથે મૈત્રીની ગાંઠ મજબૂત કરીએ. આપ સૌનો જીવનબાગ દોસ્તીની ફોરમે મહોરતો રહે એ જ શુભેચ્છા! શીર્ષકપંકિત: અંકિત ત્રિવેદી