ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા રવિવારે ‘મિત્રતા દિવસ (ફ્રેન્ડશીપ ડે)થી થાય. મિત્ર વિશે કહેવાય છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુ:ખમાં આગળ હોય. આ ઉક્તિ પરથી કૃષ્ણ સુદામાની મૈત્રી યાદ આવે. મોંઘાં-મોઘાં ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ ડેની ઉજવણીને મિત્રતા ન કહેવાય. સાચા મિત્રો હૃદયમાં રહે છે. રકતની જેમ તનમાં રહે છે. મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ. મૈત્રીને રંગ નથી તો પણ તે રંગીન છે. મૈત્રીને ચહેરો નથી તો પણ સુંદર છે. દોસ્તોની તો કંઇ વ્યાખ્યા હોતી હશે? હાથ ફેલાવીએ ને હૈયું આપી દે એ મિત્ર. જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે કારણ કે શબ્દ સમજે એ સગાં પણ મન સમજે એ જ મિત્ર.જીવનમાં એક ભાઈબંધ કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધન ન લડે, પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે. મિત્રતા એ તો અનંત પ્રક્રિયા છે. જે બે આત્માઓને સુખી જીવન સાથે જોડે છે. મિત્રતાના દયાળુ દિવસની સૌને શુભેચ્છા!
અમરોલી – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારત -અમેરિકાનો સંદિગ્ધ મૈત્રીભાવ
મોદીજીની અમેરિકાની મુલાકાત દરમિયાન અનેક અમેરિકન રાજકારણીઓ, પ્રસાર માધ્યમો અને સામાજિક સંગઠનોએ ભારતમાં વધતો જતો કોમવાદ, લઘુમતીઓ પરના હુમલા, માનવઅધિકાર, અખબારી સ્વાતંત્ર્ય, એમનેસ્ટી ઇન્ટરનેશનલ તેમજ વિદેશી એનજીઓ ઓકસફામ પરના ભારતના નિયંત્રણો વગેરેને લઇને સખત ટીકા કરી હતી. એમેઝોન અને વોલમાર્ટે પણ ઇ-કોમર્સમાં તેમની સાથે રખાતા ભેદભાવની ફરિયાદ કરી હતી. હવે અમેરિકન નાગરિકોનો નકારાત્મક ભારતભાવ જાણીએ તો મોદીજીની મુલાકાત પૂર્વે, પ્યુ રિચર્સ સેન્ટરે કરેલ 20-26 માર્ચ 2023ના સર્વેક્ષણ મુજબ 40 ટકા અમેરિકનો મોદીજી વિશે કશું જાણતા નથી અને 44 ટકા ભારતની તરફદારી કરતા નથી.
તદુપરાંત વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણને મામલે યોગ્ય અને યથોચિત ઉકેલ લાવવા બાબતે મોદીજીની ક્ષમતામાં 21 ટકા અમેરિકન નાગરિકોને વિશ્વાસ છે, પરંતુ 37 ટકાને વિશ્વાસ નથી. ટૂંકમાં ભારત -અમેરિકા વચ્ચેનો લઘુતમ કે ગુરુતમ સાધારણ મૈત્રી સંબંધને ન્યાયના ત્રાજવા તોળીએ તો તે નથી કોઇ ‘ખાસ’ કે નથી કોઇ ‘સ્વાભાવિક’ મૈત્રી. તે તો આંતરરાષ્ટ્રીય રાજકારણનો એકમાત્ર ‘મૈત્રીખેલ’ જ છે. એક પ્રાચીન કહેવત છે કે, ‘આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઇ દેશો કાયમી મિત્રો કે કાયમી દુશ્મનો હોતા જ નથી’ એટલે કે જે હોય છે તે અંગત કામચલાઉ હિતો જ હોય છે તે અહીં ખાસ નોંધવું ઘટે.
બ્રેમ્પ્ટન (કેનેડા), બોટાદ (સૌરાષ્ટ્ર) – પ્રા.જે.આર. વઘાશિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.