SURAT

માત્ર 400 રૂપિયા માટે સુરતમાં મિત્રએ બેરહેમીથી મિત્રની હત્યા કરી

સુરત(Surat): શહેરના નાનપુરા (Nanpura) મક્કાઈપુલ નજીક આવેલા નાટ્યગૃહ પાસે 15 દિવસ પહેલાં 40 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. માત્ર રૂપિયા 400ની લેતીદેતીમાં 40 વર્ષીય યુવાનની તેના જ હમવતની મિત્રએ બેરહેમીથી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હત્યાના (Murder) આરોપમાં મૃતકના મિત્રને અટકાયતમાં લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ lતાe. 12 માર્ચના રોજ નાનપુરાના મક્કાઈપુલ નજીક ચં.ચી મહેતા નાટ્યગૃહની ફૂટપાથ પર એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. તે જોતાં જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક નજરે લાગતું હતું. અઠવાલાઈન્સ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી.

પોસ્ટમોર્ટ રિપોર્ટમાં એવી હકીકત બહાર આવી હતી કે માથામાં ઈજા થવાના લીધે મોત થયું છે. આથી પોલીસે નાટ્યગૃહની આસપાસની ઈમારતો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે, 11 માર્ચની સાંજે 6.36 કલાકે મૃતક યુવક ફૂટપાથ પર બેઠો હતો અને 6.48 કલાકે એક યુવાન આવી તેની સાથે ઝઘડો કરવા લાગે છે. તે યુવક ફૂટપાથ પર બેઠેલા યુવકને લાતો મારે છે. લાફા મારે છે. પગ મચકોડે છે.

આ ફૂટેજના આધારે અઠવાલાઈન્સ પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી હતી. તેમાં એવી માહિતી મળી હતી કે મૃતક ઓડિશાનો રહેવાસી હતો. તેનું નામ ભુરીયો હતું. તેને મારનાર તેનો જ મિત્ર રામકિશોર પ્રધાન હતો. રામકિશોર પણ ઓડિશાનો જ રહેવાસી છે.

ફૂટપાથ પર રહેતા લોકોના નિવેદનના આધારે પોલીસે રામકિશોર પ્રધાનને અટકાયતમાં લીધો હતો. રામકિશોર પ્રધાનની પૂછપરછ કરી હતી. પ્રધાને એવી કબૂલાત કરી હતી કે મૃતક ભુરીયો તેનો મિત્ર હતો. બંને વચ્ચે 400 રૂપિયાની લેતીદેતી મામલે ઝઘડો થયો હતો. 400 રૂપિયા માટે પોતે ભુરીયાને માર્યો હોવાની કબૂલાત રામકિશોરે અઠવાલાઈન્સ પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે રામકિશોર પ્રધાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top