નડિયાદ: 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડા જિલ્લા કક્ષાનો ૭૬ મો સ્વાતંત્ર્ય પર્વ માતર ખાતે આવેલ એન.સી પારેખ હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે ત્રિરંગો લહેરાવી, સલામી ઝીલી હતી. આ પ્રસંગે મંત્રી મનીષાબેન વકીલે ખેડા જિલ્લાના વિકાસ માટે રૂપિયા ૨૫ લાખનો ચેક કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને એનાયત કર્યો હતો. તદુપરાંત ગુજરાત સરકારના સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, સ્વતંત્રતા સેનાની સ્વ.વાઘજીભાઈના પુત્ર જીતુભાઇને સન્માન આપવામાં આવ્યું હતું. તેમજ વર્ષ દરમિયાન સારી કામગીરી કરવા બદલ ગીરીશભાઈ, મણીભાઈ, કિંજલબેન, પારસ દવે જેવા શિક્ષકોને તેમજ રમતવીરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતાં.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતુ કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ એની પાછળ લાખો નામી-અનામી મહાન સ્વાતંત્ર્યવીરોના બલીદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે. દેશની આઝાદી માટે શહીદી વહોરનાર નામી અનામી તમામને યાદ કરી નતમસ્તકે વંદના કરવાની સાથે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરી, સાપ્રંત સમયમાં શ્રેષ્ઠ ફરજો અદા કરનાર વ્યક્તિઓને સર્ટીફીકેટ આપી આઝાદીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થનાર તમામ દેશવાસીઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા સહિત જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યાં હતાં.