સુરત: (Surat) સુરતમાં ઓનલાઈન ગેમ (Online Game) રમવાના વળગણમાં એક યુવકનું અપહરણ (Kidnap) કરી તેને માર મારવાની ઘટના બની છે. ફ્રી ફાયર (Free Fire) ગેમનો આઈડી લોક થઈ જતા આઈટીઆઈમાં (ITI) ભણતા 19 વર્ષીય વિદ્યાર્થીને (Student) ઢોર માર મરાયો હોવાની ફરિયાદ મળતા સુરતની પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત અનુસાર સુરતના મજુરાગેટ ખાતે આવેલા આઈટીઆઈ કોલેજમાં ઈલેક્ટ્રીશીયનનો અભ્યાસ કરતા વેસુ ખાતે સુમન આવાસમાં રહેતા 19 વર્ષીય ઝીલ સુરેશભાઈ પટેલે પોતાની કોલેજમાં ભણતા સહપાઠી ફૈઝાન સાથે સામાન્ય ઓળખાણ હતી. દરમિયાન ઝીલ ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમતો હતો, જે તેને હવે ગમતી નહોતી. ફૈઝાને તે ગેમની આઈડી ઝીલ પાસેથી રૂપિયા 2500માં ખરીદી હતી.
દરમિયાન ગઈ તા. 13મી સપ્ટેમ્બરના રોજ ઝીલ ઘરે બેઠો હતો ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેની પર ફોન આવ્યો હતો અને તમારું પાર્સલ આવ્યું છે તેમ કહી ગ્રીન સિગ્નેચર બિલ્ડિંગ પાસે બોલાવતા તે બાઈક લઈને ગયો હતો. જોકે, જે નંબર પરથી ફોન આવ્યો હતો તે પાર્થ વાઘેલા નામના વ્યક્તિનો હતો. પાર્થ સાથે ત્યાં બીજા ત્રણ યુવાનો ઉભા હતા. પાર્થે ઝીલની વાત ફૈઝાન સાથે કરાવી હતી. ફૈઝાને તે સમયે ફોન પર ઝીલને કહ્યું કે, બધા મારા મિત્રો છે. તારી પાસેથી ખરીદેલી ફ્રી ફાયર ગેમની આઈડી મે તેમને વેચી છે. તે હવે લોક થઈ ગઈ છે. તેથી તેઓ રૂપિયા પાછા માંગે છે. તું તેમને રૂપિયા પરત આપી દે.
જોકે, ઝીલે આઈડી ફૈઝાનને વેચી હતી, તેથી પાર્થ અને ઝીલ વચ્ચે રૂપિયા આપવા બાબતે તકરાર થઈ હતી. ત્રણ યુવાનોએ પણ તે તકરારમાં ઝંપલાવતા ઝઘડો વધ્યો હતો. ત્રણ યુવાનો અને પાર્થે મળીને ઝીલને બાઈક પર બળજબરીપૂર્વક બેસાડી 100 મીટર દૂર ગોલ્ડ માઈન શોપર્સ પાસે લઈ ગયા હતા. ત્યાં ચારેય જણાએ મળી ઝીલનું ગળું પકડી માથામાં માર માર્યો હતો. જેથી ઝીલ બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ ચારેય જણા ત્યાંથી ભાગી ગયા હતા. નજીકમાં ચાની દુકાનવાળાએ ઝીલને ભાવનમાં લાવી તેના પરિવારને જાણ કરી હતી. તેના પરિવારજનો ઝીલ પાસે દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલમાં લઈ જઈ તેની સારવાર કરાવી હતી. સારવાર લીધા બાદ ઝીલે પાર્થવાઘેલા સહિત ચાર યુવાનો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.