SURAT

લોન માટે એજન્ટને આધાર અને પાન કાર્ડ આપવાનું સુરતના યુવકને ભારે પડ્યું

સુરત : લોન એજન્ટને અરજન્ટ લોન પાસ કરાવવા માટે માતા પિતાના આધાર કાર્ડ અને પાન કાર્ડ આપવાનું ભારે પડી ગયું હતું. લોન એજન્ટે બારોબાર લોન પાસ કરીને નાણા પોતાના ગજવામાં ઘાલી દીધા હતા. આ મામલે લાલગેટ પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.

  • લોનના નામે લાલગેટ ખાતે રહેતા યુવાન સાથે રૂપિયા 5. 32 લાખની ઠગાઇ
  • યુવાનના માતા પિતાના પાન કાર્ડનો દુરુપયોગ કરી લોન ઉપાડી લીધી

આ બનાવ અંગે અયાઝ હાસમભાઇ મુસદીયા (ઉ. વર્ષ 26 રહેવાસી સાગર કોમ્પલેક્સ , અકસા રેસ્ટોરન્ટની બાજુમાં લાલગેટ) દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને પાંચથી છ લાખ રૂપિયાની લોનની જરૂર હતી. જેથી તેમણે ઓલપાડના કારેલી ગામ ખાતે સાયણ સુગર રોડ ઉપર આવેલી મધુવન સોસાયટીમાં રહેતાં લોન એજન્ટ રાહુલ સોમનાથનો સંપર્ક કર્યો હતો.

તેમણે લોન અપાવવાનું કહીને અયાઝનો સીબીલ સ્કોર ઓછો હોવાનું જણાવ્યું હતું જેથી તમને લોન મળી શકે તેમ નથી પરંતુ માતા પિતાના પાન અને આધારકાર્ડ પર લોન મળી શકે તેમ જણાવ્યું હતું. રાહુલે તેના માતા પિતાના દસ્તાવેજના આધારે એક્સિસ બેંકમાંથી 2. 91 લાખની લોન લઇ લીધી હતી.

જો કે વધુ નાણાની જરૂર હોવાથી અયાઝે રાહુલને લોન કેન્સલ કરાવવાનું કહ્યું હતું. રાહુલે આ માટે આઇડીએફસી બેંકમાં પાંચ લાખની લોન પાસ કરાવીને 13 ઓગસ્ટ વર્ષ 2023ની તારીખનો ચેક આપીને આ તારીખે જ ચેક પાસ કરવા જણાવ્યુ હતું. ત્યારબાદ તેઓનો એલએન્ડટી ફાયનાન્સમાંથી લોનનો હપ્તો ભરવા માટે ફોન આવ્યો હતો.

અયાઝે તપાસ કરતા એલએન્ડટીમાં તેઓએ 2.91 લાખની લોન તેઓની જાણ બહાર મંજૂરી કરાવીને રોકડી કરી લીધી હતી આ ઉપરાંત એકસીસ બેંકમાંથી જે નાણા મળ્યા તેમાંથી 2.82 લાખ તેણે ફ્રોડ સહી કરીન પોતાના પંજાબ નેશનલ બેંકના ખાતામાં જમા કરાવી લીધા હતાં.

આ મામલે અયાઝે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા તેણે 2.77 લાખ લોનના ભરી દીધા હતા પરંતુ 5.32 લાખ જેટલી રકમ તેણે ભરી ન હતી. આમ માતા પિતાના આધાર કાર્ડ અને પાનકાર્ડનો દૂરૂપયોગ કરીને લાખ્ખોની લોન લઇ લેનાર એજન્ટ રાહુલ સોમનાથ સામે લાલગેટ પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top