SURAT

સુરતની જાણીતી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ પેઢી રચના ગ્રુપ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી

સુરત : પાંડેસરા ખાતે આવેલી રચના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગના સંચાલકો દ્વારા મુંબઇની એમએસએચ સારીઝ સામે 4.36 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

  • મુંબઇની એમએસએચ સારીઝ દ્વારા રચના ડાઈંગને નાણાં નહીં ચૂકવવામાં આવતા ગુનો દાખલ કરાયો

સંજય જયપ્રકાશ અગ્રવાલ (ઉ. વર્ષ 55, રહેવાસી આદર્શનગર સોસાયટી, ગોકુલમ ડેરી અઠવાલાઇન્સ) દ્વારા પાંડેસરામાં 4.36 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપી દ્વારા રચના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપી રાહુલ ચંદ્રપ્રકાશ જશનાની (રહેવાસી : હિરાનંદાની ગાર્ડન,મુંબઇ) સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. આરોપી રાહુલ જશનાની મુંબઇમાં એમએસએચ સારીઝ નામની કંપની ધરાવે છે તેમાં તે ખૂબ મોટો વેપારી છે તેમ જણાવીને સ્થાનિક બ્રોકરો દ્વારા તેઓની ઓળખાણ કરાવવામાં આવી હતી.

રાહુલ જશનાની વતી તેનો બ્રોકર સંજય મિત્તલ દ્વારા માલ લેવા આવતો હતો અને સુરતની ઓફિસમાં માલ મોકલતો હતો. તેઓ દ્વારા વર્ષ 2013થી વર્ષ 2021 દરમિયાન રાહુલ જશનાની સાથે 9.82 કરોડનો ધંધો કરાયો હતો. તે પૈકી રાહુલ જશનાની કંપની એમએસએચ દ્વારા તેઓને 2.98 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જયારે તેઓના 4.36 કરોડ છેલ્લા એક દાયકાથી લેણા પેટે નીકળે છે તે ચૂકવવામાં આવ્યા ન હતા.

કાપડ બજારમાં 60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનો ધારો હોવા છતા રાહુલ જશનાની દ્વારા તેઓની સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી. ઉપરાંત નીકળતા લેણાંની માગણી કરાતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવતા પાંડેસરા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહિધરપુરાની હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સના કર્મચારીએ 12.30 લાખની દવા વેચી નાણાં વાપરી નાંખ્યા
સુરત : મહિધરપુરા ખાતે આવેલી સીમ્સ હોસ્પિટલમાં મેડીકલ દુકાન સંભાળતા કર્મચારીએ અંદાજે 6.10 લાખ રોકડા ચાંઉ કરી લીધા હતા. આ ઉપરાંત અન્ય હોસ્પિટલોને મોકલેલી 6.20 લાખની દવાના નાણાં પણ પોતાની પાસે રાખીને ગેરરીતી આચરી હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી.

આ કિસ્સામાં સીમ્સ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર બીટ્ટુ જહોને ભાવેશ અરજણ બલદાણીયા (ઉ. વર્ષ 33, રહે, 112 વિવેકાનંદ સોસાયટી, પૂણાગામ) સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે ભાવેશે એક વર્ષ પહેલા ફાર્માસ્યુટીકલ્સ વિભાગમાં નોકરી મેળવી હતી. દરમિયાન એડમિનિસ્ટ્રેટર બીટ્ટુ જહોન દ્વારા છેલ્લા 3 મહિનાનો હિસાબ ચેક કરતા તેમાં 3.20 લાખની ઘટ આવી હતી.

ભાવેશે પોતે પારિવારીક તકલીફમાં આ નાણાં વપરાઇ ગયા હોવાનું જણાવીને સપ્તાહમાં નાણા ચૂકવી દેવા જણાવ્યુ હતુ. ત્યારબાદ પણ ભાવેશ બલદાણીયાએ નાણાં નહીં ચૂકવતા તેની પાસે નાણા માંગવામાં આવતા ભાવેશે નોકરી પર આવવાનુ બંધ કરી દીધુ હતુ. આ ઉપરાંત મેડિકલ શોપની ચાવી ડ્રાઇવર પાસે મોકલી આપી હતી. દરમિયાન મેડીકલ શોપનો હિસાબ ચેક કરતા તેમાં રોકડા 6.10 લાખનો હિસાબ મળ્યો ન હતો. આ ઉપરાંત 6.20 લાખની મેડિસીન વેચી મારીને તેના નાણા કંપનીમાં જમા કરાવ્યા ન હતા. જેને પગલે મહિધરપુરા પોલીસમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top