આણંદ : પેટલાદ તાલુકાના ચાંગા ખાતે ચરોતર એજ્યુકેશન સોસાયટીના નામે શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકડમીમાં નિઃશુલ્ક શિક્ષણ આપવા માટે વાલીઓ પાસેથી ડિપોઝીટની રકમ લેવામાં આવી હતી. આ રકમ એડમીશન રદ કરતા સમયે પરત આપવાની ખાત્રી આપી હતી અને રૂ.100ના સ્ટેમ્પ પેપર પર લખાણ પણ આપ્યું હતું. પરંતુ એડમીશન રદ કરવા ગયેલા વાલીઓના નસીબમાં ધરમ ધક્કા અને ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે સુરતના 13 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચરોતર એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ શિક્ષણની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ચાંગા ખાતે વાઇબ્રેન્ટ ઇન્ટરનેશનલ એકડમી શરૂ કરવામાં આવી હતી. આ વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકડમીના સંચાલક તરીકે 12 વ્યક્તિ અને તેના કુલમુખત્યાર તરીકે ચંદ્રેશ કરમશીયા ધંધુકીયા (રહે. રંગદર્શન સોસાયટી, સુરત)ના નામે કરવામાં આવ્યું હતું. ચંદ્રેશ સંસ્થાઓ વહીવટ કરતો હતો. દરમિયાનમાં સંસ્થા દ્વારા વિદ્યાલક્ષ્મી સ્કોલરશીપ નામથી અભ્યાસલક્ષી સ્કીમ શરૂ કરવામાં આવી હતી.
આ સ્કીમ અંતર્ગત વિદ્યાર્થીઓના માતા – પિતા પાસેથી વગર વ્યાજની ડિપોઝીટ લેવામાં આવી હતી. જે ડિપોઝીટ સામે વિદ્યાર્થીને વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકડમીમાં નિઃશુલ્ક અને અનિવાર્ય શિક્ષણ યોજના અંતર્ગત શાળામાં દાખલ કર્યાથી ધોરણ 10 સુધી વિના મુલ્યે અભ્યાસ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય શરતોમાં જે વિદ્યાર્થી ચાલુ સ્કૂલેથી ઉઠાવી બીજે એડમીશન કરવા માટે લઇ જાય તો તેઓના વાલીને ભરેલી ડિપોઝીટની રકમ કરાર મુજબ પુરેપુરી પરત આપવાની રહેશે.
આ સ્કીમ અંતર્ગત ચાંગા, સોજિત્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના વાલીઓએ ડિપોઝીટ ભરી સંતાનોને અભ્યાસ કરાવવા મુક્યાં હતાં. જેમાં વિપુલ વિનુભાઈ પટેલે પણ પોતાની દિકરી ધિરલ ને પુત્ર જીતને ધો.6થી વર્ષ 2015માં એડમીશન કરાવ્યું હતું અને નિયમ મુજબ ડિપોઝીટની રકમ રૂ.3.80 હજારની રકમ ભરી હતી. આખરે ધો.10માં 2019-20માં શાળામાંથી ઉઠાવી લેતા સ્કીમ, કરાર મુજબ ડિપોઝીટ ભરેલી જે રકમ મેળવવામાં અરજી કરી હતી. પરંતુ ડિપોઝીટની રકમ પરત કરવા આનાકાની કરવામાં આવતી હતી અને ધક્કા ખવડાવવામાં આવી રહ્યાં હતાં.
આખરે કુલમુખત્યાર ચંદ્રેશ કરમશીયા ધંધુકીયાને રજુઆત કરતાં તે પણ ધક્કા ખવડાવતો હતો. વિપુલભાઈની તપાસ દરમિયાન અન્ય કેટલાક વાલીઓ પણ ડિપોઝીટ મેળવવા ધક્કા ખાતાં હોવાનું જાણવા મળ્યું હતું. આથી, શાળા સંચાલકો દ્વારા વાલીઓ સાથે છેતરપિંડી કરી ડિપોઝીટના નામે મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું જણાતાં આ અંગે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે 12 શાળા સંચાલકો અને કુલમુખત્યાર સહિત સુરતના 13 શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અનેક વાલીના કરોડો રૂપિયા ફસાયાં છે
વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકડમીમાં ચાંગા, સોજિત્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અનેક વાલીઓએ પોતાના સંતાનો નિઃશુલ્ક અભ્યાસ મળે તે માટે લાખો રૂપિયાની ડિપોઝીટ ભરી છે. જોકે, શાળા સંચાલકોએ હાથ અધ્ધર કરી દેતાં આ બધા વાલીઓના કરોડો રૂપિયાની રકમ ફસાઇ ગઇ છે. હાલ આ અંગે પંથકમાં ભારે ઉહાપોહ જાગ્યો છે.
- કોની – કોની સામે ફરિયાદ નોંધાઇ ?
- જેન્તી વિઠ્ઠલભાઈ આંબલીયા (રહે.10, આશનગર સોસાયટી, સુરત)
- રસીક નાથાભાઈ કાકલોતર (રહે. શાંતિનગર સોસાયટી, સુરત)
- પ્રવિણ ધરમશીભાઈ કળસરીયા (રહે. શિવછાયા સોસાયટી, સુરત)
- કલ્પેશ ધીરુભાઈ ઘોડાદરા (રહે.આશનગર સોસાયટી, સુરત)
- રમેશ ધરશીભાઈ કળસરીયા (રહે. શિવછાયા સોસાયટી, સુરત)
- જેન્તી કાનજીભાઈ ઘોડાદરા (રહે. આશાનગર સોસાયટી, સુરત)
- રમેશ વલ્લભભાઈ આંબલીયા (રહે. અશોકનગર સોસાયટી, સુરત)
- નિસર્ગ મુકુલભાઈ પટેલ (રહે.પંચવટી એપાર્ટમેન્ટ, રામચોક, સુરત)
- ડો. મુકુલ હિરજીભાઈ પટેલ (રહે.પંચવટી એપાર્ટમેન્ટ, રામચોક, સુરત)
- વિમલ નંદલાલભાઈ રાજગુરૂ (રહે. જી-1, સિલ્વર એપાર્ટમેન્ટ, સુરત)
- કરમશી મેઘજીભાઈ ધંધુકીયા (રહે.રંગદર્શન સોસાયટી, સુરત)
- અનિલ કરમશીભાઈ જીકાદરા (રહે. શિવછાયા સોસાયટી, સુરત)
- ચંદ્રેશ કરમશીયાભાઈ ધંધુકીયા (રહે.રંગદર્શન સોસાયટી, સુરત)