સંતરામપુર : કડાણા બંધમાંથી ડાબા કાંઠા કેનાલમાંથી પમ્પીંગ સ્ટેશન નં.1, વડાઝાંપા દ્વારા સુજલામ સુફલામ યોજના કડાણા ડાબાકાંઠા ઉચ્ચસ્તરીય નહેરમાં પાણી પાડીને કેનાલનું પાણી શીયાળના નાના તળાવમાં લઇને આ તળાવ ભરાયા બાદ પાણી મોટા તળાવમાં જાય છે. બાદમાં આ પાણી પમ્પીંગ સ્ટેશન નં.2 દ્વારા લીફ્ટ કરીને ધુણીયા, ટેપરાવડેખ, ગામડીથી આગળ થઇને કેનાલ મારફતે લુણાવાડા તાલુકાના શામણા તળાવમાં પહોંચાડવાનું આયોજન છે. પરંતુ હજુ આ પ્રોજેક્ટ પુરો થયો નથી અને અધુરા કામને લઇ કોન્ટ્રાક્ટરને તાકીદ પણ કરવામાં આવી હતી. આમ છતાં સ્થિતિમાં કોઇ ફર્ક પડ્યો નથી. જેના કારણે યોજનામાં સમાવિષ્ટ 36 ગામો ભરઉનાળે પાણી માટે વલખાં મારી રહ્યાં છે.
સુજલામ સુફલામ યોજના હેઠળ કડાણા ડાબાકાંઠા ઉચ્ચસ્તરીય નહેર યોજનામાં શીયાલ શામણા ઉદવહનસિંચાઇ યોજનાનો પ્રોજેક્ટ અંદાજીત 40 કરોડના ખર્ચે મંજુર થઇ છે. આ યોજનાની કામગીરી વર્ષ 2020માં કોન્ટ્રાક્ટરે શરૂ કરી હતી. પરંતુ આ શીયાલ શામણા ઉદવહનસિંચાઇ યોજનાની કામગીરી હજૂ સંપુર્ણ પણે ફિઝીકલી પુરી થઈ નથી. આ કામગીરી નિયત સમય મર્યાદામાં પુરી નહીં કરાતાં આ યોજના હેઠળ કડાણા, લુણાવાડા અને સંતરામપુર તાલુકાના ગામ તળાવો પાણીથી ભરવાના હતાં. તે તળાવો હજુ સુધી પાણીથી નહીં ભરાતા તે વિસ્તારના ખેડૂતોને ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ યોજનાના કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી અને બેદરકારીને કારણે નિયત સમયમાં કામગીરી પૂર્ણ નહીં થતાં યોજનાના તળાવો આજે પણ ભરાયાં નથી. આ યોજના હેઠળ શામળા તળાવ પમ્પીંગ સ્ટેશનથી પાઇપ લાઇન દ્વારા સવદાસના મુવાડા, નાના મોટા વાડોદર, મોટી નાની દેનાવડ, રામ પટેલના મુવાડા, સાગાના મુવાડા, નસીંકપુર, માયલાપુર, બારેલા, બોઇડીયા, રાફઇ, કાળીબેલ, સાંઢ પાળીયા, માંચોડ, ગોધર (પ) વિસ્તારના તળાવો પાણીથી ભરવાના છે. પરંતુ આ યોજના હેઠળની કામગીરી અધુરી હોવાથી તે સાકાર થઇ શકી નથી. લુણાવાડા તાલુકાના શામણા ગામે ખોડીયાર માતાજી મંદિરની સામે રોડની નજીક આ યોજના હેઠળનું પમ્પીંગ સ્ટેશન બાંધવાની કામગીરી હાલ ચાલે છે. જે કામગીરી અધુરી છે.
શામણા તળાવનું પાણી પમ્પીંગ સ્ટેશનમાં સંપમાં લાવવા માટેની પાઇપ લાઇન ફીટીંગની કામગીરી બાકી જોવાય છે. પંપીંગ સ્ટેશનમાં મોટરો ફીટ કરી છે, પરંતુ જરૂરી કનેકશન કરવાની કામગીરી બાકી જોવાય છે. શામણાથી દેનાવાડા કોતર પરથી પસાર કરવા માટેની અંદાજીત 300 મીટર જેટલી આ યોજના હેઠળની પાઇપ લાઇન નાંખવાની કામગીરી બાકિ જોવા મળી રહી છે.
આ યોજના કાર્યરત થાય તે માટેનું જરૂરી વીજ કનેકશન પણ હજુ સુધી મળી નથી અને વીજ લાઇન પણ ખેંચી નથી. આમ, આ યોજના હેઠળની કામગીરી અધુરી છે, જે બે દિવસમાં પુરી થાય તેમ જણાતું નથી. શીયાલ તળાવનું પાણી લીફ્ટ કરીને લીમડામુવાડી, મોટી ખરસોલી, સરસણ વિગેરે વિસ્તારના તળાવો ભરવાની યોજના હતી. પરંતુ આ યોજના હેઠળમાં સમાવિષ્ટ તળાવોમાં પાણી ભરવામાં આવતું ન હોવાથી આ યોજના સંબંધીત તલસ્પર્શી અભ્યાસ કરાય અને તપાસ કરવાની માંગ પણ ઉઠી છે. આ તળાવોમાં પાણી ભરવામાં આવે તે માટે રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
કોન્ટ્રાક્ટરને નોટીસ આપવામાં આવી છે
મહિસાગર સિંચાઇ વિભાગના એક્ઝીક્યુટીવ એન્જિનીયર એસ.ટી. ગામીતે જણાવ્યું હતું કે, શીયાલ – શામણા યોજનામાં 40 કરોડના ખર્ચે 36 તળાવો ભરવાની યોજના છે. શરૂઆતમાં 26 તળાવ હતાં. પરંતુ માગણી વધતાં વધુ 10 ગામના તળાવો ઉમેરવામાં આવ્યાં હતાં. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા સમય મર્યાદામાં કામ પુરૂ કરવામાં આવ્યું નથી. આ અંગે નોટીસ પણ આપવામાં આવી છે. જ્યારે હજુ વીજ કનેકશન પણ બાકી છે.’