આણંદ : વિદ્યાનગર ખાતે રક્ષાબંધનની રાત્રે તસ્કરોએ ઉદ્યોગપતિના મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી હતી. આ ચોરીમાં તપાસ કરી રહેલી પોલીસે આણંદના ચોક્સી બજારમાંથી ચાર શકમંદોની અટકાયત કરી પુછપરછ કરી હતી. જેમાં આ શખસોએ ઉદ્યોગપતિના ઘરે ચોરી કરી હોવાનું ખુલતાં પોલીસે તેમની ધરપકડ કરી કુલ 2.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વિદ્યાનગર ખાતે યુકો પાર્કના આનંદ બંગ્લોઝમાં રહેતાં પ્રવિણભાઈ નાનજીભાઈ શેરસીયા વિદ્યાનગર જીઆઈડીસી ખાતે ઓટોમોબાઇલ પાર્ટ્સ બનાવવાની ફોર્જીન કંપનીના માલિક છે. તેઓ 22મી ઓગષ્ટના રોજ સાળાના મકાનનું વાસ્તુ રાખેલું હોવાથી પત્ની સાથે રાજકોટ ગયાં હતાં.
આ દરમિયાન તેમનું ઘર બંધ હતું. આ દરમિયાન અજાણ્યા શખસોએ ચોરી કરી હતી. આ અંગે પ્રવિણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘરમાં તપાસ કરતાં નાની આખી તિજોરી જ તસ્કરો ચોરી ગયાં હતાં. જેમાં સોનાના પટ્ટાવાળી ઘડીયાળ, ચાંદીની ડીસ, ગ્લાસ, વાટકી, સિક્કા, આઈફોન, આઈ વોચ સીરીઝ-5, ઘડીયાળ સહિત કુલ રૂ. 1.70 લાખની મત્તા હતી.. આ અંગે પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં બાતમી મળી હતી કે, કૌશીક ઉર્ફે કવો ભરત પ્રજાપતિ, મનોજ ઉર્ફે પકો સોહમરામ મોદી, શ્યામ ઉર્ફે કિચુ તથા સન્ની ઉર્ફે ગનીએ ભેગા મળી આ ચોરી કરી છે અને ચોરીનો મુદ્દામાલ આણંદ ચોક્સી બજારમાં વેચવા આવી રહ્યાં છે.
આ બાતમી આધારે પોલીસે છુટાછવાયા વોચમાં ગોઠવાઇ ગયાં હતાં. દરમિયાનમાં એવીએટર પર ત્રણ શખસ માનીયાની ખાડ, ચાર રસ્તા પર આવ્યાં હતાં. જ્યારે લોટીયા ભાગોળ તરફથી એક ઇસમ ચાલતો આવતો હતો. આ ચારેય શખસ પર શંકા જતાં તેમને કોર્ડન કરી પકડી લેવામાં આવ્યાં હતાં. તેમની તલાસી લેતા ટુ વ્હીલરની ડેકીમાંથી ચાંદીના દાગીના મળી આવ્યાં હતાં. જે અંગે આગવી ઢબે પુછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યાં હતાં અને યુકો પાર્કમાંથી ચોરી કરી હોવાનું કબુલતાં તેમની અટક કરી વિદ્યાનગર પોલીસને હવાલે કરવામાં આવ્યાં હતાં.