જુનાગઢ: જુનાગઢમાં (Junagadh) એક માળનું એક મકાન ધરાશાયી (Collapsed) થયા હોવાની ઘટના બની છે. આ મકાનના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. દટાયેલા લોકોને બચાવવા માટે પોલીસ (Police) અને ફાયર બ્રિગેડ (Fire Brigade) દ્વારા રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) શરૂ કરવામાં આવ્યું છે. ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું એક મકાન જમીનદોસ્ત થયું છે. કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીકનું આ મકાન આજે બપોરે એકાએક પડી ગયું હતું. મકાનના કાટમાળની નીચે 4 લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ હાલ લોકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યું છે.
સ્થાનિકો પાસેથી મળતી વિગત અનુસાર દાતાર રોડના આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાના લીધે હંમેશા ભારે ભીડ રહેતી હોય છે. મકાન પડ્યું ત્યારે પણ અહીં ભીડ હતી. હાલ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. કાટમાળને હટાવવા માટે જેસીબીની મદદ લેવી પડી છે.
ઘટના બાદ એકદુકાનદારે કહ્યું કે જે મકાન પડ્યું તેની બાજુમાં જ મારી દુકાન છે. હું દુકાને હતો ત્યારે મોટો અવાજ આવ્યો હતો. જેથી હું બહાર નીકળ્યો હતો. અચાનક આ અકસ્માત સર્જાતા અમે સૌ કોઈ ગભરાઈ ગયા હતા. નજારો ખૂબ ભયંકર હતો. અમારો જીવ માંડ માંડ બચ્યો. મારી દુકાનમાં પણ ઘણું નુકસાન થયું છે.
નોંધનીય છેકે ગયા શનિવારે જુનાગઢ શહેરમાં ખૂબ વરસાદ પડ્યો હતો. ગિરનાર ઉપર 10 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અહીંની કાળવા નદી છલકાઈ હતી. બેથી ત્રણ કલાકમાં મૂશળધાર વરસાદના લીધે જુનાગઢમાં પૂર આવ્યું હતું. રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા કાર રમકડાંની જેમ તણાવા લાગી હતી. લોકોને ઘરવખરી ખૂબ નુકસાન થયું હતું.