આણંદ : સોજિત્રા પાસે પીપળાવ ગામની સીમમાં ધોરી માર્ગ પર 27મી જુલાઇના રોજ મધરાતે આંગડીયાની કારને આંતરી તોડફોડ કરી રૂ.59.84 લાખની સનસનાટીભર્યા લૂંટ કેસમાં પોલીસે મહિલા સહિત વધુ ચારની ધરપકડ કરી છે. સોજિત્રાના પીપળાવ ગામની સીમમાં 27મી જુલાઇના રોજ મધરાતે તારાપુર તરફ જતી આંગડીયાની કારને બે અજાણી કારે આંતરી હતી. આ કારમાંથી ઉતરેલા શખસોએ આંગડીયાની કાર પર ડંડાથી હુમલો કરી કાચ તોડી નાંખ્યાં હતાં. બાદમાં કારમાં સવાર આંગડીયાના કર્મચારીઓ પર મરચાની ભુકી નાંખી હિરાના પેકેટ, સોનાના દાગીના મળી કુલ રૂ.59.84 લાખની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં.
આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ફુટેજ આધારે હુમલાખોરની કાર ઓળખાઇ હતી. જે શંકાસ્પદ રીતે આંગડીયા પેઢીની ગાડીનો પીછો કરતી હોવાનું જાણવા મળ્યું હતું. આ કાર પાટણના ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલના અતુલજી ગાંડાજી ઠાકોરના નામે રજીસ્ટર થઇ હોવાનું ખુલ્યું હતું. આથી, પોલીસે કપુરજી ઠાકોરની તપાસ કરતા તે શટલ ભાડામાં ચલાવતા હોય અને તેઓ પોતાના ઘરે મળી આવ્યાં નહતાં. તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ હતો. આથી, શક જતા મોબાઇલ લોકેશન આધારે અટક કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગેંગનો પર્દાફાશ થયો હતો.
જે તે સમયે પોલીસે વિક્રમજી ભવાનજી ઠાકોર, નિકુલસિંહ રામસંગ સોલંકી, પ્રકાશ ઉર્ફે ભુદર પરબત રાવળ, વિનાજી લીલાજી ઠાકોર, ચેતન ઉર્ફે લાલો ગઢવી, દર્શન ઉર્ફે ડીકે આશારામ રબારી, અફઝલ ઉર્ફે અજો નાગોરી, સિકંદર ઉર્ફે સીકો નાગોરી, હારૂન ઉર્ફે બક્સો નાગોરીના નામ ખુલ્યાં હતાં. પોલીસે અટકનો દોર શરૂ કરતાં તાજેતરમાં દર્શન, સિકંદર, અફઝલ અને હારૂનખાનની અટક કરી હતી. જેમની પાસેથી રૂ.6,83,033નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત લૂંટનો માલ રાખવા સબબ મુખ્ય સુત્રધાર ચેતનદાન ગઢવીની પત્ની નીરૂબહેનની પણ અટક કરી રૂ.87,730નો મુદ્દામાલ કબજે કર્યો હતો.