Sports

ટોક્યોમાં ચાર નવી રમતો ઓલિમ્પિક્સમાં જોડાશે, બેની વાપસી થશે

કોરોનાના ઓછાયા વચ્ચે યોજાનારા ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વખતે કુલ 339 મેડલ જીતવા માટે રમતવીરો પોતાની અજમાયશ કરશ અને તેના કારણે ટોક્યો ગેમ્સ અત્યાર સુધીની સૌથી મોટી ઓલિમ્પિક ગેમ્સ બની રહેશે. ટોક્યો ઓલિમ્પિક્સથી ચાર નવી ગેમ ઓલિમ્પિક્સમાં જોડાશે, જેમાં સ્કેટબોર્ડ, સર્ફિંગ, સ્પોર્ટસ ક્લાઇમ્બિંગ અને કરાટેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બે જૂની ગેમ જે થોડા સમયથી ઓલિમ્પિક્સમાંથી બાકાત હતી તે બેઝબોલ અને સોફ્ટબોલની વાપસી થશે.

પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સના કાર્યક્રમમાં સ્કેટબોર્ડ અને સર્ફિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બંને રમતોને 2024માં યોજાનારા પેરિસ ઓલિમ્પિક્સમાં સામેલ કરવાની પણ મંજૂરી મળી ગઇ છે. સ્કેટબોર્ડમાં પાર્ક અને સ્ટ્રીટ એમ બે કેટેગરીમાં સ્પર્ધા રમાશે. જ્યારે સર્ફિંગમાં મેન અને વુમન એમ બે કેટેગરીની સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત હાલમાં યુવાઓમાં મોટો રસ જગાવનાર સ્પોર્ટસ ક્લાઇમ્બિંગને પણ ઓલિમ્પિક્સમાં સામેલ કરવામાં આવી છે. જે મેન્સ અને વુમન્સની બે કેટેગરીમાં સિંગલ્સની સ્પર્ધા તરીકે યોજાશે.

કરાટે જાપાનનું પરંપરાગત માર્શલ આર્ટસ છે અને તેની શરૂઆત જાપાનના ઓકિનાવામાં 1868માં કરવામાં આવી હતી. હવે જ્યારે ઓલિમ્પિક્સ જાપાનમાં જ યોજાઇ રહ્યો હોય ત્યારે એ દેશમાં કરાટેની લોકપ્રિયતાને ધ્યાને લઇને તેને ટોક્યો ઓલિમ્પિક્સમાં ખાસ સ્થાન અપાયું છે. જો કે હવે પછી પેરિસમાં યોજાનારા 2024ના ઓલિમ્પિક્સમાં તેને સામેલ કરવામાં નથી આવી. ટોક્યોમાં કરાટેને બે અલગઅલગ કાટા અને કુમિટે ઇવેન્ટ રમાડવામાં આવશે.

બેઝબોલ અને સોફ્ટબોલ પહેલા ઓલિમ્પિક્સમાં સહભાગી હતી, બેઝબોલ 1992ના બાર્સિલોના ઓલિમ્પિક્સમાં પહેલીવાર સામેલ કરવામાં આવ્યા પછી તે 2008ના બૈજિંગ ઓલિમ્પિક્સ સુધી ગેમ્સમાં સહભાગી રહી હતી અને તે પછી તેને ઓલિમ્પિક્સમાંથી બાકાત કરવામાં આવી હતી, જ્યારે સોફ્ટબોલ 1996ના એટલાન્ટા ઓલિમ્પિક્સમાં સામેલ થઇ હતી અને તે પણ 2008ના બૈજિંગ ઓલિમ્પિક્સ સુધી જોડાયેલી રહી હતી અને તે પછી તેને પણ બાકાત કરવામાં આવી હતી. સોફ્ટબોલની રમતને પણ પેરિસ ઓલિમ્પિક્સમાં સામેલ નહીં કરવામાં આવે.

Most Popular

To Top