Vadodara

કવાંટ તાલુકામાંથી 1.21 લાખનો વિદેશી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયાં

વડોદરા: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ગોજરિયા બસ સ્ટેન્ડ પાસેથી બે ટેમ્પામાં અને બૂટલેગરના સામલવાંટ ગામ ઘરમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી 1.21 લાખના દારૂ સાથે ચાર શખ્સો ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ મોકલનાર તથા મંગાવનાર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. વિદેશી દારૂ અને ટેમ્પા અને મોબાઇલ મળી 3.46 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કવાંટ પોલીસને સોંપવામાં આવ્યો છે.

વડોદરા શહેર જિલ્લા સહિત અન્ય જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના ધંધા સાથે સંકળાયેલા બૂટલેગરો પર સપાટો બોલાવ્યો છે. જેના લઇને સ્થાનિક પોલીસ કરતા એસએમસીની કાર્યવાહીથી દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્ટેટે મોનિટરિંગ સેલના પીએસઆઇ એમ જી રાણાને બાતમી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ તાલુકાના કવાંટ રેણધા રોડ પર આવેલા ગોજરિયા બસ સ્ટેન્ડ પાસે બે વાહનોમાં દારૂ જથ્થો ભરી લઇ જવાઇ રહ્યો છે. જેના આધારે પીએસઆઇએ સ્ટાફના માણસો સાથે રાખીને દરોડો બાતમી મુજબના સ્થળ પર જઇને બે વાહનોને ઊભા રાખી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 16 પેટીઓમી મળી આવી હતી.

જ્યારે બંને વાહનોમાંથી ચાર શખ્સો પરેશ મજલાભાઇ રાઠવા , બકાભાઇ જયંતભાઇ રાઠવા, દિલિપ માદલાભાઇ રાઠવા અને હરેશ શૈલેષ રાઠવાને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર પ્રતાપ રાઠવા  (એમપી ), દારૂનો જથ્થો મંગાવાનાર સંજય ગોર્ધન રાઠવા (બોડેલી) અને વર્સન ગામરિયા રાઠવા (કવાંટ)ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ચારેયની કડકાઇથી પૂછપરછ કરતા દિલીપ રાઠવાએ સમલવાટના ઘરે દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનું જણાવતા એસએમસીની ટીમે તેના ઘરે જઇ તપાસ કરતા ચાર પેટી દારૂ મળ્યો હતો. જેથી એસએમસીની ટીમે દારૂની 531 બોટલ રા. 1.21 લાખ, ચાર મોબાઇલ રૂ20 હજાર અને બે વાહનો રૂ.બે લાખ મળી 3.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચારેયા આરોપીઓ અને દારૂ સહિતના મુદ્દામામલ વધુ કાર્યવાહી માટે કવાંટ પોલીસને સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top