Gujarat Main

તુર્કીમાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના કાર અકસ્માતમાં મોત

અમદાવાદ: કાર અકસ્માતમાં (Car Accident) ગુજરાતના ચાર વિદ્યાર્થીઓના (Gujarati Student) તુર્કીમાં (Turkey) મોત (Death) થયા હોવાના દુ:ખદ સમાચાર જાણવા મળ્યા છે. રજાના દિવસમાં ફરવા નીકળેલા વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બની ગયા છે.

  • ચાર વિદ્યાર્થીઓમાં બે યુવતી પણ હતી
  • બે બનાસકાંઠાના અને બે પોરબંદરના વતની
  • તુર્કીના કિરેનિયા પાસે થયો અકસ્માતૉ
  • ચારેય વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત
  • મૃતદેહો ભારત લાવવા પરિવારની માગ

પ્રાપ્ત માહિતી અનુસાર ચાર વિદ્યાર્થીઓમાં બે યુવતીઓ પણ સામેલ હતી. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીની હોટલમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. ચાર પૈકી બે બનાસકાંઠાના અને બે વિદ્યાર્થી પોરબંદરના વતની હોવાની માહિતી મળી છે. ગુજરાતના ચાર વિદ્યાર્થી પ્રતાપ કારાવદરા, જયેશ અગાથ, અંજલિ મકવાણા અને પૃષ્ટિ પાઠકનું તુર્કી ખાતે કાર અકસ્માતમાં મોત નિપજ્યું છે. તુર્કીમાં કિરેનીયા નજીક કાર અકસ્માત થયો હતો. ચારેય વિદ્યાર્થીઓના મૃતદેહને વતન લાવવા પરિવાર માંગ ઉઠાવી છે.

આ ચાર પૈકી અંજલિ મકવાણા બનાસકાંઠાના વડગામના ભોગરોડિયા ગામની છે. 21 વર્ષીય અંજલિ બીએસસી અને એમએલટીનો અભ્યાસ કર્યા બાદ તુર્કીની હોટલમાં છેલ્લા 1 વર્ષથી મેનેજમેન્ટની નોકરી કરતી હતી. રજા હોવાથી તે ગુજરાતી મિત્રો સાથે કાર લઈ ફરવા નીકળી હતી. દરમિયાન કિરેનિયા નજીક હાઈવે પર અકસ્માત થયો હતો.

હાઈવે પર સામેથી પૂરઝડપે આવતી કાર સાથે વિદ્યાર્થીઓની કારની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાગળનો ડૂચો વળી ગયો હોય તેવી હાલત કારની થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અંજલિ સહિત તેના મિત્રોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Most Popular

To Top